Columns

નિષ્કામ કર્મનું ફળ

એક ગરીબ વિધવાના દીકરાએ દૂરથી રાજાની સવારી પસાર થતી જોઈ. તેણે માતાને કહ્યું, ‘મા, મારે રાજાને મળવું છે.શું હું ક્યારેય રાજાની પાસે જઈને તેમની સાથે વાત કરી શકીશ?’ મા માત્ર હસીને ચૂપ રહી ગઈ.પણ તે છોકરાના મનમાં આ વાત ઘર કરી ગઈ. તેણે નિશ્ચય કર્યો કે એક દિવસ તે રાજા સાથે વાત કરીને જ રહેશે. ગામમાં એક સંત આવ્યા. છોકરાએ તેમને પોતાના મનની ઈચ્છા કહી.સંતે રસ્તો બતાવતાં કહ્યું, ‘રાજાની રાજધાનીમાં નવો મહેલ બની રહ્યો છે. તું ત્યાં જા, મજૂરી કર, મન લગાવીને કામ કરજે અને યાદ રાખજે, મજૂરી એક રૂપિયો પણ લેતો નહિ.’ છોકરો રાજાની રાજધાનીમાં પહોંચીને મહેલના બાંધકામમાં મજૂર તરીકે કામ કરવા લાગ્યો.

એક દિવસ રાજા કામ જોવા માટે આવ્યા. તેમણે પેલા છોકરાને વધુ ધ્યાન અને ચીવટથી કામ કરતાં જોયો.તેની લગન જોઇને રાજાએ મંત્રીને કહ્યું, ‘આજે આ છોકરાને વધુ મજૂરી આપજો.’મંત્રીએ કહ્યું, ‘રાજાજી, આ છોકરો તો આવ્યો એ દિવસથી સૌથી સારું કામ કરે છે અને મજૂરી લેતો નથી.’ રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, ‘બેટા, તું આટલી મજૂરી કરે છે.સૌથી સારું કામ કરે છે તેમ છતાં મજૂરી કેમ લેતો નથી? બોલ તને શું જોઈએ છે?’ છોકરો રાજાના પગમાં વંદન કરીને બોલ્યો, ‘રાજાજી, તમને મળવું હતું. તમારા દર્શન કરવાં હતાં.  તમારી સાથે બે ઘડી વાત કરવી હતી. તમે મારા કામથી ખુશ થયા. બસ મને મજૂરી મળી ગઈ. હવે મને કંઈ નથી જોઈતું.’ રાજાએ કહ્યું, ‘હવે તું હંમેશા મારો નિજ મંત્રી બની મારી સાથે જ રહીશ.’છોકરાને કાયમ માટે રાજાનો સાથ મળ્યો. તેનું હીર જોઇને રાજાએ કુંવરીનો વિવાહ પણ તેની સાથે કરાવ્યો.છોકરાએ સંતની સલાહ માનીને મજૂરી ન લીધી તો તેને ન માંગેલું ,ન કલ્પેલું મળ્યું.જો મજૂરી લીધી હોત તો હજી મજૂર જ હોત.

આ નાનકડી વાર્તાને જીવન – ભગવાન અને ભક્તિ સાથે જોડીએ.તો રાજા ભગવાન છે અને છોકરો ભક્ત …ભક્ત ભગવાનને મળવા ચાહે છે….પ્રિયજનો હસે છે પણ સંત સમાન ગુરુ તેને માર્ગ દેખાડે છે કે નિષ્કામ કર્મ કરતો રહેજે …છોકરો મજૂરીની આશા વિના કામ કરે છે. એક દિવસ રાજા તેના કામની નોંધ લે છે. તેના નિષ્કામ ભાવની નોંધ લઈને તેને સાથે લઇ જાય છે.ભક્ત પણ જો સકામ કર્મ કરશે તો જે માંગશે તે ભગવાન આપશે પણ ભગવાન પોતે નહિ મળે, પણ ભક્ત સકામ કર્મ છોડી , નિષ્કામ ભાવથી કર્મ કરતો રહેશે તો એક દિવસ ભગવાન હાથ લાંબો કરશે ..કૃપા કરશે ..ભક્તિ દૃઢ કરશે અને એક દિવસ ભગવાન મળી જશે.નિષ્કામ કર્મ અને સકામ કર્મના ફળમાં બહુ મોટો તફાવત હોય છે તે યાદ રાખો અને નિષ્કામ કર્મ કરતા રહો. કંઈ માંગ્યા વિના પ્રભુને ભજતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top