બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિથી લઈને આજની તારીખ સુધી સમગ્ર વિશ્વ અમેરિકાની જાગીર જેવું રહ્યું છે. અમેરિકા પાસે એટલી બધી લશ્કરી અને આર્થિક તાકાત છે કે તે દુનિયાના કોઈ પણ દેશમાં યુદ્ધ કરાવી શકે છે અને કેટલાક દેશોમાં તો યુદ્ધ વગર પણ સત્તાપલટો કરાવી શકે છે. અમેરિકાનું જાસૂસી તંત્ર પણ અમેરિકાના લશ્કરી તંત્ર જેટલું જ મજબૂત છે. દુનિયાના ઘણા દેશોના રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ સીઆઈએ જેવી અમેરિકી જાસૂસી સંસ્થાઓ માટે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. સીઆઈએ જેવી એજન્સી દુનિયાના કોઈ પણ દેશના વડા અમેરિકાની નીતિથી વિરુદ્ધ ચાલતા હોય તો તેમની હત્યા પણ કરાવી શકે છે.
અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓ એટલી શક્તિશાળી છે કે કેટલાક દેશોના જીડીપી કરતાં તેમની આવક વધુ હોય છે. આ કંપનીઓ દેશોના વડાઓને પોતાની મરજી મુજબ નચાવી શકતી હોય છે. આટલા શક્તિશાળી ગણાતા અમેરિકાના એકચક્રી સામ્રાજ્યનો અંત હવે નજીક જણાય છે. અમેરિકા આજે દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ બની ગયો છે. અમેરિકાનું અર્થતંત્ર ગમે તે ઘડીએ તૂટી પડે તેમ છે. અમેરિકામાં મોંઘવારી અને બેકારી માઝા મૂકી રહી છે. યુક્રેન અને ઇરાનના યુદ્ધ દરમિયાન પુરવાર થઈ ગયું છે કે અમેરિકાની દાદાગીરી સહન કરવા હવે દુનિયાના દેશો તૈયાર નથી.
અમેરિકાના વિશ્વવ્યાપી સામ્રાજ્યનો અંત આણવાનું શ્રેય જાણતા કે અજાણતા ડોનાલ્ડ ટ્રમ્પને મળશે, તેવું દુનિયામાં આકાર લઈ રહેલી તાજેતરની ઘટનાઓ પરથી જણાય છે. અમેરિકાના ડૂબી રહેલા અર્થતંત્રને ઉગારી લેવા ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નામનું હથિયાર ઉગામ્યું છે, પણ તે હથિયાર બૂમરેંગ થતું જણાય છે. રશિયા, ચીન અને બ્રાઝિલ જેવા દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ચાબખા સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ઝૂકાવવા ૫૦ ટકા ટેરિફનો કોરડો વિંઝ્યો તો ભારત ગભરાવાને બદલે ચીનની નજીક સરકી રહ્યું છે. આ ટેરિફના તોફાનને કારણે અમેરિકામાં ફુગાવો વધ્યો છે અને આવશ્યક ચીજવસ્તુઓની અભૂતપૂર્વ તંગી પેદા થઈ છે, જેની પીડા અમેરિકાનાં નાગરિકો વેઠી રહ્યાં છે. અમેરિકાના આક્રમણને કારણે પરંપરાગત શત્રુ મનાતા ચીન અને ભારત નજીક આવ્યાં છે અને નવો વર્લ્ડ ઓર્ડર આકાર ધારણ કરી રહ્યો છે.
તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ એક સંકેત છે કે ચીન અને ભારત વચ્ચેનો બરફ પીગળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ છે, જેણે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા પર પ્રતિકૂળ અસર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક વેપાર અંગેની અમેરિકા ફર્સ્ટ નીતિએ વિશ્વના આર્થિક અને રાજકીય ધ્રુવીકરણને હચમચાવી નાખ્યું છે. ચીન, રશિયા અને ભારતનું ઉભરતું ગઠબંધન એક વાતનું મજબૂત ઉદાહરણ છે કે બદલાયેલી પરિસ્થિતિઓમાં હરીફ ગણાતા દેશો કેવી રીતે એક સાથે આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેરિફને અમેરિકન ઉદ્યોગને સુરક્ષિત રાખવા અને સરકાર માટે નવી આવક એકત્ર કરવાની તેમની યોજનાના ભાગરૂપે વર્ણવ્યું છે.
બુધવારે ચીને પોતાની શક્તિનું સંપૂર્ણ પ્રદર્શન કર્યું. બીજા વિશ્વયુદ્ધના અંતની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત લશ્કરી પરેડમાં શક્તિનું આ પ્રદર્શન કરવામાં આવ્યું. હજારો કિલોમીટર દૂર વોશિંગ્ટન ડીસીમાં રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આના પર નજર રાખી રહ્યા હતા. બે મહિના પહેલાં જ, તેમણે યુએસ આર્મીની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે વોશિંગ્ટનમાં એક લશ્કરી પરેડનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ તિયાનમેન સ્ક્વેરમાં આયોજિત આ ભવ્ય પરેડ વિશે વિગતવાર કંઈ કહ્યું નહીં, પરંતુ ચોક્કસપણે તેને ખૂબ જ પ્રભાવશાળી ગણાવી હતી. ચીનનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે વિશ્વમાં હવે એક નવું શક્તિકેન્દ્ર ઉભરી રહ્યું છે, જે સો વર્ષથી ચાલી આવતી અમેરિકન પ્રભુત્વની વ્યવસ્થાને પડકારવા માટે તૈયાર છે.
ચીનની નવીનતમ લશ્કરી પરેડ તેના ઉચ્ચ-તકનીકી શસ્ત્રો અને શિસ્તબદ્ધ કૂચ માટે સમાચારમાં હતી, ત્યારે અમેરિકાના લશ્કરી ઇતિહાસની યાદમાં અમેરિકન પરેડ એક સરળ ઘટના હતી. બીજા વિશ્વયુદ્ધમાં વપરાતી ટેન્કો અને ક્રાંતિકારી યુગના સૈનિકો વ્હાઇટ હાઉસ નજીક કોન્સ્ટિટ્યુશન એવન્યુ પર આરામથી ચાલતા જોવા મળ્યા હતા. આ એક પ્રકારની નોસ્ટાલ્જિક ઘટના હતી જે ટ્રમ્પના સૂત્ર મેક અમેરિકા ગ્રેટ અગેઇન પર આધારિત હતી, જેમાં અમેરિકાના ગૌરવશાળી ઇતિહાસ પર નજર નાખવામાં આવી હતી.
આ ઘટના દ્વારા ટ્રમ્પ ૧૯મી સદીના સમયગાળાને યાદ કરતાં જોવા મળ્યા, જેને તેઓ અમેરિકન ઇતિહાસનો સૌથી મહાન યુગ કહે છે. ચીનની આ લશ્કરી પરેડમાં તેના ભવિષ્યનાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાંની સામ્યવાદી સરકારે એ પણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે બીજા વિશ્વયુદ્ધમાં ફાસીવાદ અને સામ્રાજ્યવાદને હરાવવામાં ચીને મોટી ભૂમિકા ભજવી હતી. જો બીજું વિશ્વયુદ્ધ કહેવાતી અમેરિકન સદીની શરૂઆતનું ચિહ્ન હતું, તો હવે ચીન કદાચ આશા રાખી રહ્યું છે કે નવા યુગમાં તે ચીન આધારિત નવી વિશ્વ વ્યવસ્થા બનાવવામાં સફળ થશે. ચીન વિશ્વગુરુ બનવાના પ્રયાસમાં ભારતનો અને રશિયાનો ઉપયોગ કરી રહ્યું છે, પણ ભારત તેની ચાલમાં સપડાઈ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખતરો એ છે કે અમેરિકા માટે ફાયદાકારક બનવાને બદલે તેમની વેપાર નીતિઓ નિષ્ફળ જવાનો ભય છે. ટ્રમ્પ દ્વારા અમેરિકા-કેન્દ્રિત વેપાર વ્યવસ્થા હેઠળ લાદવામાં આવેલા ટેરિફને અમેરિકન અદાલતો દ્વારા રદ કરવામાં આવી શકે તેવા સંકેતો વધી રહ્યા છે. ગયા અઠવાડિયે એક અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પના ઘણા ટેરિફ ફેડરલ કાયદાના ખોટા અર્થઘટન પર આધારિત હતા, પરંતુ ટ્રમ્પે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્ત ન્યાયાધીશોનું વર્ચસ્વ હોવા છતાં જેમને ટ્રમ્પના સમર્થક માનવામાં આવે છે, તેમણે એવા રાષ્ટ્રપતિઓ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે, જેમણે સંસદની પરવાનગી વિના મહત્ત્વની નીતિઓ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં, ટ્રમ્પના ટેરિફ અંગે તેઓ ઉદાર વલણ અપનાવે તેવી શક્યતા ઓછી છે. જ્યાં સુધી વેપારનો સવાલ છે, ટ્રમ્પ હંમેશા પોતાના હૃદયનું સાંભળે છે. તેમણે ઘણી પરંપરાગત નીતિઓ બદલી છે અને નવા ભાગીદારો બનાવ્યા છે. તેમની નીતિ એક મહત્ત્વાકાંક્ષી વ્યૂહરચના છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની વેપાર નીતિ અમેરિકાને બીજા સુવર્ણ યુગ તરફ દોરી જશે, પણ તે અમેરિકાના પતનનું કારણ બની રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે તેમણે રશિયા અને ભારતને ચીન સામે ગુમાવી દીધાં છે. શું રશિયા ક્યારેય અમેરિકા સાથે હતું? તો પછી ટ્રમ્પને કેમ લાગે છે કે તેમણે રશિયા ગુમાવી દીધું છે? શું ભારતે ચીન સાથે હાથ મિલાવ્યા છે? શુક્રવારે જ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે ચીન સાથેનો સરહદ વિવાદ સૌથી મોટો પડકાર છે.
આવી સ્થિતિમાં ઘણાં લોકો ટ્રમ્પની રાજદ્વારી અને ભારત પ્રત્યેની તેમની સમજણ પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. અમેરિકન વહીવટીતંત્ર દ્વારા ભારત વિશે ઘણી અપમાનજનક વાતો કહેવામાં આવી રહી છે. અમેરિકન મિડિયાથી લઈને દુનિયાભરના ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર પછી મોદી અને ટ્રમ્પ વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ આવ્યો છે. અમેરિકા ભારતને ચીન સામે એક સાધન બનાવવા માંગે છે. શું ભારત તેમની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે છે કે તે પોતાનાં હિતોનું ધ્યાન રાખશે?
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને બિલકુલ સમજતા નથી અને પશ્ચિમ પણ ભારતને પોતાની ઇચ્છાઓ અનુસાર નિયંત્રિત કરવાના દૃષ્ટિકોણથી જુએ છે. શું અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ટ્રમ્પ અને મોદીના વ્યક્તિગત અહંકારનો પ્રશ્ન બની ગયા છે? ટ્રમ્પે તેને અહંકારનો પ્રશ્ન બનાવી દીધો છે. મોદીએ ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારત કોઈના કહેવા પર યુદ્ધ લડતું નથી કે યુદ્ધ રોકતું નથી. ભારતે અમેરિકા અને ચીન વચ્ચે સમતુલા સાધીને પોતાનાં હિતોની રક્ષા કરવી પડશે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.