Columns

રફાલ સોદાની તપાસમાં ફ્રાન્સની બિનસરકારી સંસ્થાની મુખ્ય ભૂમિકા છે

લગે રહો મુન્નાભાઈ ! જો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ ચીજ પાછળ સૂંઠ ખાઈને પડી જાય તો છેવટે બરફ ભાંગ્યા વિના રહેતો નથી. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  આ બાબતમાં ફ્રાન્સની ‘શેરપા’ નામની બિનસરકારી સંસ્થાપાસેથી બોધપાઠ ગ્રહણ કરવા જેવો છે. આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી ભારત સાથેના રફાલ વિમાનોના સોદા પાછળ લાગુ પડી ગઈ હતી. તેના તરફથી સતત રફાલ સોદામાં થયેલા તથાકથિત ભ્રષ્ટાચાર બાબતમાં તપાસની માગણી કરાતી રહી. શેરપા સંસ્થાને ફ્રાન્સની મીડિયાપાર્ટ નામની ન્યૂઝ એજન્સીનો સાથ મળી ગયો હતો. મીડિયાપાર્ટ દ્વારા પણ સમયાંતરે રફાલ સોદામાં નવા ધડાકા કરવાનું ચાલુ રખાયું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રફાલ સોદામાં ભ્રષ્ટાચારના છૂટક આક્ષેપો કરીને પાછા ભોંયરામાં ભરાઈ જતા હતા; પણ શેરપા સંસ્થાએ તો રફાલ સોદાને પોતાનું મુખ્ય મિશન બનાવ્યું હતું. પરિણામ એ આવ્યું કે ફ્રાન્સ સરકારે રફાલ સોદામાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ માટે જજ નિમવાનો આદેશ કરવો પડ્યો હતો.

બોફોર્સ સોદા અને રફાલ સોદા વચ્ચે પાયાનો ફરક છે. બોફોર્સ સોદામાં ૬૪ કરોડ રૂપિયાની કટકી ચૂકવાઈ હતી તે નક્કી હતું અને પહેલા દિવસે જે તેના પુરાવા હાથ લાગ્યા હતા. આ રૂપિયા સ્વિસ બેન્કના ગુપ્ત ખાતાંમાં ચૂકવવામાં આવ્યા હતા. આ રૂપિયા ખરેખર કોના લાભાર્થે ચૂકવવામાં આવ્યા હતા? તેનો પત્તો લગાવતા દાયકાઓ પસાર થઈ ગયા હતા. રફાલ સોદામાં હજુ સુધી કોઈ કટકી ચૂકવાઈ હોવાના નક્કર પુરાવા હાથ લાગ્યા નથી; પણ ભ્રષ્ટાચાર થયો હોવાના તમામ સાંયોગિક પુરાવાઓ છે. સૌથી મોટો પુરાવો અનિલ અંબાણીની કંપનીને રફાલ વિમાનોનું ઉત્પાદન કરતી દસોલ્ટ કંપની દ્વારા આપવામાં આવેલો મસમોટો કોન્ટ્રેક્ટ છે. ભારતમાં આવા માતબર કોન્ટ્રેક્ટ ગુણવત્તાના ધોરણે નથી આપવામાં આવતા પણ લાગવગના ધોરણે આપવામાં આવે છે. ફ્રાન્સ સરકારે તપાસનો આદેશ આપ્યો હોવાથી મોદી સરકારની મુસીબતો વધી શકે છે.

ફ્રાન્સની શેરપા નામની સંસ્થાએ ૨૦૧૮માં પણ રફાલ સોદામાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે માગણી કરી હતી, પણ ફ્રેન્ચ સરકારે તે માગણી સ્વીકારી નહોતી. ત્યાર બાદ દસોલ્ટ કંપની દ્વારા તેના ઓડિટેડ રિપોર્ટો બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં રફાલ સોદાને ક્લિન ચીટ આપવામાં આવી હતી. આ ઓડિટેડ રિપોર્ટને નિમિત્ત બનાવીને શેરપા દ્વારા ફરી માગણી કરવામાં આવી હતી કે રફાલ સોદામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરો. આ વખતે ફ્રેન્ચ સરકારની પીએનએફ નામની એજન્સી દ્વારા તે વિનંતી સ્વીકારી લેવામાં આવી હતી.

શેરપા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી તેના પહેલા જ ફકરામાં અનિલ અંબાણીના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ઘનિષ્ઠ સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં જે પાંચ કારણો ટાંકવામાં આવ્યાં તેમાં ૧. ભ્રષ્ટાચાર ૨. સોદાને પ્રભાવિત કરવાની નીતિરીતિનો ઉપયોગ ૩. કાળાં નાણાંને ધોળાં કરવા ૪. લાગવગ અને ૫. કંપનીને કરવેરામાં આપવામાં આવેલી બિનજરૂરી છૂટછાટો મુખ્ય હતાં. રફાલ સોદામાં આ પાંચેય કારણો સપાટી પર દૃષ્ટિગોચર થતા હોવાથી ભ્રષ્ટાચારની સંભાવના રહેલી છે.

૨૦૧૫માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ફ્રાન્કોઈ હોલાન્ડે દ્વારા જે ઝડપથી અને ગુપ્તતાથી ૫૯,૦૦૦ કરોડ રૂપિયાનો રફાલનો સોદો પાર પાડવામાં આવ્યો તેનાથી બધાને આંચકો લાગ્યો હતો, પણ સોદો એટલી હોંશિયારીથી કરવામાં આવ્યો હતો કે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોઈ નક્કર પુરાવા આજ દિન સુધી હાથ લાગ્યા નથી. ભારતની સુપ્રિમ કોર્ટ સમક્ષ પણ આ સોદામાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી, પણ સુપ્રિમ કોર્ટે તે માગણી ઠુકરાવી દીધી હતી. ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) એ પણ પોતાની રીતે આ સોદાની તપાસ કરી હતી, પણ તેને તેમાં ભ્રષ્ટાચાર દેખાયો નહોતો.

ભારતે તો આ વિવાદ લગભગ જમીનમાં દફનાવી દીધો હતો, પણ જો ફ્રાન્સની સરકાર દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવશે તો નરેન્દ્ર મોદીના વિરોધીઓને તેમાંથી ચિક્કાર દારૂગોળો જરૂર મળી રહેશે. ભારતમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે દસોલ્ટ કંપનીને ૧૨૬ ફાઇટર જેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પણ તેમાં કેટલાંક રફાલ વિમાનોનું ભારતમાં પણ ઉત્પાદન કરવાની વાત હતી. આ ઉત્પાદન સરકારી ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સહયોગમાં કરવાની વાત હતી. નવા સોદામાં સરકારી ક્ષેત્રની કંપનીનું નામ ગાયબ થઈ ગયું હતું અને રિલાયન્સનું નામ આવી ગયું હતું. ભારતમાં રિલાયન્સ કંપનીનું નામ કૌભાંડોના પર્યાય જેવું બની ગયું છે.

ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ ફાઇટર જેટનો સોદો ૨૦૧૫ના એપ્રિલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની  ફ્રાન્સની મુલાકાત દરમિયાન જાહેર કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન પોતાની સાથે જે ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિમંડળ લઇને ગયા તેમાં અનિલ અંબાણી પણ સામેલ હતા. રફાલ સોદાની જાહેરાત થઇ તેના બે દિવસ પહેલાં ફ્રાન્કોઈ હોલાન્ડેની કંપની અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે ફિલ્મ નિર્માણ બાબતના કરાર થયા હતા. તેથી દેખીતી રીતે રિલાયન્સને દસોલ્ટનો કોન્ટ્રેક્ટ મળ્યો તેમાં અનિલ અંબાણીના નરેન્દ્ર મોદી સાથેના વ્યક્તિગત સંબંધો કામ કરી ગયા હતા.

રાજકારણ તથ્યોના આધારે નથી ચાલતું પણ લોકોની ધારણાઓના આધારે ચાલે છે. બોફોર્સ સોદામાં રાજીવ ગાંધીએ અથવા તેમના પરિવારના કોઇ સભ્યે કમિશન ખાધું હતું તે તથ્યોના આધારે ક્યારેય પુરવાર થઇ શક્યું નહોતું, પણ સાંયોગિક પુરાવાઓના આધારે પ્રજાએ માની લીધું હતું કે રાજીવ ગાંધીએ કમિશન ખાધું હશે, માટે તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા. બોફોર્સ સોદામાં જેમને કમિશન મળ્યું હતું તે ક્વોટ્રોચી રાજીવ ગાંધીનો પારિવારિક મિત્ર હતો તેમ રફાલ સોદામાં જેમને ફાયદો થયો છે તે અનિલ અંબાણી પણ નરેન્દ્ર મોદીના મિત્ર ગણાય છે.

વડા પ્રધાને પોતાના મિત્રને ધંધામાં ફાયદો કરાવી આપ્યો તે ધારણા તેમના માટે રાજકીય રીતે ઘાતક છે.રિલાયન્સના સ્થાપક ધીરુભાઇ અંબાણી હોય કે તેમના પુત્રો મુકેશ અંબાણી કે અનિલ અંબાણી હોય, તેમના માટે માનવામાં આવે છે કે તેઓ ભારત સરકારને ગજવામાં રાખી શકે છે. અનિલ અંબાણીની કંપનીઓ ફડચામાં ચાલી રહી છે. તેમને બેન્કો દ્વારા આપવામાં આવેલી ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની લોન સલવાઇ ગઇ છે. આ સંયોગોમાં જો અનિલ અંબાણી સંરક્ષણ ક્ષેત્રના ઝાઝા અનુભવ વિના ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ લઇ જાય તો પ્રજાને દાળમાં કંઇક કાળું હોવાની ગંધ આવે તે સ્વાભાવિક છે.

જો નરેન્દ્ર મોદીના કહેવાથી રિલાયન્સને દસોલ્ટ કંપનીનો કોન્ટ્રેક્ટ મળ્યો હોય તો પણ ટેકનિકલી તેમાં ભ્રષ્ટાચાર પુરવાર થાય તેમ નથી; કારણ કે આવી વાતો સરકારના રેકોર્ડ પર હોતી નથી. તેમ છતાં રફાલનું ભૂત નરેન્દ્ર મોદીને પજવ્યા કરશે. જો વડા પ્રધાનને લાગતું હોય કે રફાલ સોદામાં ભ્રષ્ટાચાર થયો નથી; તો તેમણે સંસદીય સમિતિ દ્વારા તપાસની વિપક્ષની માગણી સ્વીકારી લેવી જોઈએ. ભલે એક વાર દૂધકા દૂધ; પાની જા કા પાની થઈ જાતું. જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો ગુનેગારને સજા થવી જોઈએ. સરકાર દ્વારા પદ્ધતિસરની તપાસ યોજવામાં આવતી નથી માટે જ વિપક્ષોના ભ્રષ્ટાચારના આક્ષેપોની તાકાત વધતી જાય છે.

Most Popular

To Top