તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ યુ.પી.માં એક જાહેર સભાને સંબોધતા મફત વસ્તુઓ ત્થા વિજળી-પાણી-બસ સુવિધા જેવી સેવાઓ મફત પુરી પાડવાના કેજરીવાલ જેવા વિપક્ષી નેતાના એલાનો અને નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ભડકી જતા જાહેર સભાને ‘મફતમાં રેવડી’ વિકાસ માટે ખતરનાક હોવાનું જણાવ્યું જે 17/7ના ગુજ.મિત્રમાં પ્રથમપાને હેડીંગ બન્યું છે. પરંતુ દીવા જેવી સ્પષ્ટ વાત પ્રજાને દેખાય છે કે 2014માં 15/15 લાખની ‘મફત રેવડી’ આપવામાં જૂઠાં વાયદાઓ કરીનેજ તેઓ પ્રધાનમંત્રીની ખુરશીમાં ચઢી બેઠાં છે ! હવે વિપક્ષોના પ્રજાને રાહતો આપવાના ચુંટણી વચનો એમને ખતરનાક લાગે છે ? હકીકત એ છે કે જ્યાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં મોદી સાહેબના મળતીયાઓને અને અદાણી જેવા મિત્રોને વિજળી-પાણી-શિક્ષણ-રોડ રસ્તાઓ બનાવવાના અને સેવાઓ પુરી પાડવામાં જંગી કોન્ટ્રાકટ અતિ ઊંચા ભાવે આપી પ્રજાને લૂંટવામાં આવે છે.
જો વિપક્ષો આવી સેવાઓ મફત કે રાહતદરે પુરી પાડવા માંડે તો એમના મિત્રોના ધંધા બંધ થઈ જાય એમ છે. તેથી મોદીજી અને ભાજપના નેતાઓ ભડકીને ઘાંઘા થયા છે. હાલમાંજ 21/7ના રોજ સુરતમાં પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે ગુજ.ની પ્રજાને 300 યુનિટ સુધીની વિજળી મફત આપવાની જાહેરાત કરી છે. મારા જેવા લાખ્ખો સામાન્ય વર્ગના માણસો માટે એ મોંઘવારીમાં આશીર્વાદરૂપ બને કેમકે મારો વિજ વપરાશ 200/250 યુનિટ છે જેનું બીલ મારે 2000 થી 2500 સુધી ભરવું પડે છે જે બચત થતાં દર બે મહીને 1 તેલનો ડબ્બો હું પરીવાર માટે ભરાવી શકું મારે બીજું શું જોઈએ ? મોંઘવારીમાં આ રાહત જેવી તેવી થોડી છે ?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.