
દેશની વસ્તી ગણતરીની જંગી કવાયત શરૂ કરવા માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ૨૦૧૧ માં છેલ્લી વસ્તી ગણતરીના સોળ વર્ષ પછી, સરકારે સોમવારે ભારતની ૧૬મી વસ્તી ગણતરી હાથ ધરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. જાહેરનામામાં જણાવાયું છે કે લદ્દાખ જેવા બરફની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૬ અને દેશના બાકીના ભાગોમાં ૧ માર્ચ, ૨૦૨૭ ની સંદર્ભ તારીખ સાથે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
ઉક્ત વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ ૧ માર્ચ, ૨૦૨૭ ના રોજ ૦૦.૦૦ કલાક હશે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફની સંભાવના ધરાવતા વિસ્તારો સિવાયનો સમાવેશ થશે એેમ તેમાં જણાવાયું છે. લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઘેરાયેલા વિસ્તારોના સંદર્ભમાં, સંદર્ભ તારીખ પહેલી ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ૦૦:૦૦ કલાક હશે, એમ તેમાં જણાવાયું છે. આ જાહેરનામુ બહાર પડવાની સાથે જ દુનિયામાં સૌથી વધ વસ્તી ધરાવતા આ દેશની વસ્તીની ગણતરી કરવા માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ભારત દેશની વસ્તી ૧૪૫ કરોડ કરતા વધુ થઇ ગઇ છે અને તેથી તેની વસ્તી ગણતરીની કવાયત પણ ખૂબ મહકાય જ હોય તે સ્વાભાવિક છે.
દેશભરમાંથી વસ્તી સંબંધિત ડેટા મેળવવા માટે સરકારને ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાની ધારણા છે, આ વિશાળ કવાયત લગભગ ૩૪ લાખ ગણતરીકારો અને સુપરવાઇઝરો અને ડિજિટલ ઉપકરણોથી સજ્જ વસ્તી ગણતરીના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વસ્તી ગણતરીની તૈયારીની સમીક્ષા કરી હતી.
સરકારી નિવેદનમાં જણાવાયું છે કે આ કવાયત શરૂ થયા પછીની આ ૧૬મી વસ્તી ગણતરી છે અને સ્વતંત્રતા પછી આઠમી છે. બંધારણના અનુચ્છેદ ૨૪૬ મુજબ, વસ્તી ગણતરી સાતમી અનુસૂચિમાં સંઘ યાદીમાં ૬૯મા ક્રમે સૂચિબદ્ધ વિષય છે. વસ્તી ગણતરી સમાજના દરેક વર્ગમાંથી માહિતી સંગ્રહનો પ્રાથમિક સ્ત્રોત છે અને એક દાયકામાં એક વખત હાથ ધરાતી પ્રવૃતિ છે. આમ તો વસ્તી ગણતરી તેના નિધારીત સમય પમાણે ૨૦૨૧માં કરવાની હતી પણ તે સમયે કોવિડનો રોગચાળો ચાલી રહ્યો હતો અને તેને કારણે તે સમયે વસ્તી ગણતરી વિવિધ નિયંતણોને કારણે કરી શકાઇ નહીં.
ત્યાર પછી પણ આ કવાયત પાછળ ઠેલાતી જ ગઇ અને હવે છેક હમણા જાહેરનામુ બહાર પડ્યું અને વસ્તી ગણતરી ૨૦૨૭માં હાથ ધરાશે, એટલે કે રાબેતાના સયમ કરતા છ વષ મોડી. આગામી વસ્તી ગણતરીમાં જ્ઞાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય ૩૦ એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, અને આપણું સામાજિક માળખું રાજકીય દબાણ હેઠળ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે, એક અલગ સર્વેક્ષણ તરીકે હાથ ધરવાને બદલે મુખ્ય વસ્તી ગણતરીમાં જ્ઞાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એેમ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

૨૦૧૦ માં, તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે લોકસભાને ખાતરી આપી હતી કે જ્ઞાતિ ગણતરીનો મુદ્દો કેબિનેટમાં ધ્યાનમાં લેવામાં આવશે. આ વિષય પર ચર્ચા કરવા માટે મંત્રીઓના એક જૂથની રચના કરવામાં આવી હતી અને મોટાભાગના રાજકીય પક્ષોએ જ્ઞાતિ વસ્તી ગણતરી કરવાની ભલામણ કરી હતી. જોકે, અગાઉની કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે જ્ઞાતિ વસ્તી ગણતરીને બદલે સર્વેક્ષણનો વિકલ્પ પસંદ કર્યો હતો, જેને સામાજિક-આર્થિક અને જ્ઞાતિ વસ્તી ગણતરી (SECC) તરીકે ઓળખવામાં આવે છે.
આગામી વસ્તી ગણતરીમાં, જ્ઞાતિ ગણતરી પણ કરવામાં આવશે, જે સ્વતંત્રતા પછીની આવી પહેલી કવાયત છે. જ્ઞાતિ આધારિત છેલ્લી વ્યાપક ગણતરી ૧૮૮૧ થી ૧૯૩૧ ની વચ્ચે બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. સ્વતંત્રતા પછી કરવામાં આવતી તમામ વસ્તી ગણતરી કામગીરીમાંથી જ્ઞાતિને બાકાત રાખવામાં આવી હતી. વસ્તી ગણતરી આમ તો રજવાડાઓના સમયમાં પણ થતી હતી અને તે કોઇ નવી બાબત નથી પરંતુ સમય બદલાવાની સાથે તેના કેટલાક પરિમાણો પણ બદલાતા રહ્યા છે. ગાયકવાડી શાસનમાં વસ્તી ગણતરી વખતે માણસોની વસ્તી ગણતરીની સાથે કુટુંબોના પાલતુ પશુઓ અને પક્ષીઓની પણ વસ્તી ગણતરી કરવામાં આવતી હતી એવું સાંભળવામાં આવ્યું છે.
આવી ગણતરીઓ કરવાથી કુટુંબોની આર્થિક સુખાકારીનું માપ મળી શકે છે. હવે સમય જતા સંસાધનો વિશે પણ માહિતી મેળવવામાં આવે છે. ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) ને પણ અપડેટ કરવાની યોજના હતી, પરંતુ ૨૦૨૭ની કવાયત માટેના જાહેરનામામાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તે કરવામાં આવશે કે નહીં. આ એનપીએનો મુદો પણ અગાઉ વિવાદાસ્પદ બની ચુક્યો છે. વસ્તીગણતરીમાં લોકોને તેમના આર્થિક, સામાજીક દરજ્જા વગેરેને લગતા ત્રણ ડઝન જેટલા પ્રશ્નો પૂછાશે એમ જાણવા મળે છે. લોકોની માહિતીઓની સુરક્ષા માટે ચુસ્ત €વ્યવસ્થા રાખવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે. હવે આ વસ્તી ગણતરી સુપેરે પાર પડે અને લોક કલ્યાણ માટે તેની માહિતીઓ ઉપયોગી થઇ પડે તેવી આશા રાખીએ.