Columns

ફૂલોની સુગંધ

એક બંગલાની પાછળ બહુ જ સુંદર બગીચો હતો.બંગલાના માલિક બગીચાની ખાસ પોતે દેખરેખ કરતા અને વ્હાલથી પ્રેમથી એક એક છોડને જાળવતા. રોજ એક એક ફૂલની જોડે વાતો કરતા. એક દિવસ સાંજે બગીચામાં માળીએ બૂમાબૂમ કરી મૂકી… ચોર ચોર… પકડો પકડો, પેલો માણસ ફૂલ ચોરીને લઈ જાય છે. બંગલાના માલિક પણ આ અવાજ સાંભળીને બહાર આવ્યા અને માળીને પૂછ્યું,’ શું થયું શેની બૂમાબૂમ છે?’ માળીએ કહ્યું,’ સાહેબ, છેલ્લા બે ત્રણ દિવસથી હું જોતો હતો કે આપણા મોગરાના છોડ પરથી ફૂલ ઓછા કેમ થઈ જાય છે અને આજે મેં ધ્યાન રાખ્યું તો એક માણસ હમણાં જ અહીંથી મોગરાનાં થોડાં ફૂલો ચોરીને લઈ ગયો.આજે તો એને પકડી જ લઈશું. માલિક બોલ્યા,’ જવા દો… જવા દો… જે ફૂલ લઈને ગયો છે તેને ચોર ન કહેવાય. ફૂલને ચૂંટનાર, ફૂલનો પ્રેમી કહેવાય અને જે ફૂલ લઈને જશે તે જ્યાં જશે… ત્યારે તેના હાથમાં તેના ગજવામાં તે ફૂલ જઈને જેને આપશે ….

ત્યાં બધે જ સુગંધ ફેલાવશે. ફૂલનું કામ છે સુગંધ ફેલાવવાનું તો આ માણસ ફૂલને ચૂંટીને પોતાની સાથે લઈ ગયો છે તો તે જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સુગંધ ફેલાવશે માટે તેને ચોર કહેવાનું અને પકડવાનું પડતું મૂકો અને જો મળી જાય તો એને કહેજો કે ચોક્કસ રોજ આવીને ફૂલો આપણા બગીચામાંથી જેટલાં જોઈએ તેટલાં લઈ જાય કારણ કે તે ફૂલને લઈને જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સુગંધ ફેલાવશે.’ માળી પોતાના માલિકના હૃદયની પ્રેમસુગંધને જોઈ રહ્યો અને પેલા ફૂલ લઈને જનાર વ્યક્તિને ગોતીને તેને પોતાના માલિકનો સંદેશો પહોંચાડ્યો કે,’ આપને જેટલાં ફૂલ લઈ જવાં હોય તેટલાં લઈ જજો અને મેં આપને ફૂલચોર કહ્યા તે માટે મને માફ કરજો.’ પેલા માણસે કહ્યું,’ મને વધુ ફૂલો નથી જોઈતાં. થોડાંક ફૂલો મારા લાલાને ધરાવવા અને થોડાંક ફૂલો મારી પત્ની માટે ગજરો બનાવવા માટે હું લઈ જાઉં છું. બાકી વધુ ફૂલોની મને જરૂર નથી. તમારો આભાર.’ ચારે બાજુ ફૂલની સાથે સ્નેહ પ્રેમભર્યા સંબંધોની સુગંધ ફેલાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top