વેક્સિન શોધાયા બાદ કોરોના કાબૂમાં આવી ગયો હતો ત્યાં સુધી કે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા શુન્ય સુધી પહોંચી ગઈ હતી. જોકે, હાલમાં વેકેશનમાં જાણે લોકોને છૂટ મળી ગઈ હોય તેમ ફરવા નીકળી પડતાં કોરોનાની લહેર ફરી શરૂ થઈ જવા પામી છે. જે ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 25થી પણ ઓછો થઈ ગયો હતો તે ગુજરાતમાં કોરોનાના કેસનો આંક હવે સદી વટાવી રહ્યો છે. દેશમાં તો કોરોનાનો આંક 24 જ કલાકમાં 7000થી પણ વધારે નોંધાયો છે ત્યારે લોકોએ તકેદારી રાખવાની સાથે સરકારે પણ આ મામલે હવે ઝડપથી પગલા લેવા પડશે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસની સંખ્યા સદીને ઉપર નોંધાઈ રહી છે. તેમાં પણ શુક્રવારે તો કોરોનામાં એકનું મોત પણ નોંધાયું છે. એકલા અમદાવાદમાં જ કોરોનાના 83 નવા કેસ નોંધાયા છે. સુરતમાં પણ આગામી દિવસોમાં કોરોનાના કેસની સંખ્યા ડબલ ડિજિટમાં પહોંચી જાય તો નવાઈ નતી.
ગુજરાતમાં કોરોનામાં 33 દિવસ બાદ એકનું ગાંધીનગરમાં મોત થયું છે. રાજ્યમાં અગાઉ 7મી મેના રોજ કોરોનામાં એકનું મોત થયું હતું. રાજ્યમાં 10 જિલ્લા અને 6 કોર્પોરેશનમાં કોરોનાના ફરી ફેલાવા માંડ્યો છે. જેમાં સુરતમાં 9, વડોદરામાં 14, ગાંધીનગરમાં 10, રાજકોટમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 4, જામનગર શહેર, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં 3-3 કેસ, આણંદ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરત અને વલસાડ જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. જે રીતે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તેવી જ રીતે એક્ટિવ કેસની સંખ્ચા પણ વધવા માંડી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 600ને પાર થઈ ગઈ છે. એટલી નિરાંત છે કે કોરોનાનો એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને તમામ એક્ટિવ કેસના દર્દીઓની હાલત સ્થિર છે. અગાઉ રાજ્યમાં 6ઠ્ઠી મેથી સતત 15 દિવસ કોરોનામાં એકપણ મોત નોંધાયું નહોતું. પરંતુ 7મી મેના રોજ ખેડામાં એકનું મોત થયું હતું.
આમ તો રાજ્યમાં ગત તા.30મી જાન્યુઆરીના રોજ કોરોનાની ત્રીજી લહેરની પીક આવી હતી. આ દિવસે કોરોનામાં રાજ્યમાં સૌથી વધુ 14605 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોનાના કેસ સતત ઘટતા જ રહ્યા છે. વેક્સિનને કારણે કોરોના ધીરેધીરે કાબુમાં આવવાની શરૂઆત થઈ ગઈ હતી. વેક્સિનેશને મોટી અસર કરી હતી અને કોરોનાના કેસ ઘટી ગયા હતા. કેસ ઘટવાને કારણે તંત્રએ પણ ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવા માંડી હતી. હાલમાં મોટાપાયે વેકેશનમાં લોકો ફરવા જતાં એકબીજાના સંપર્કમાં આવવાને કારણે કોરોનાના કેસની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. જોકે, વેક્સિનની અસર હજુ પણ છે અને તેને કારણે કોરોનાના દર્દીઓના ઓક્સિજન લેવલ ઘટવાની કે પછી તેમને વેન્ટિલેટર પર મુકવાની જરૂરીયાત ઊભી થતી નથી. પરંતુ આ સ્થિતિને હળવાશથી લેવા જેવી નથી. કોરોના હવે ધીરેધીરે માથું ઉંચકી રહ્યો છે અને તેને કારણે વધી રહેલા કેસ ગમે ત્યારે મોટી સમસ્યા ઊભી કરી શકે તેમ છે.
તંત્રએ હવે મોટાપાયે ટેસ્ટિંગ વધારીને કોરોનાના કેસ શોધીને તેની સારવાર કરવાની જરૂરીયાત છે. સાથે સાથે તંત્રએ વેક્સિનેશન પણ વધારવાની જરૂરીયાત છે. જેણે વેક્સિન લીધી નથી તેને વેક્સિન આપવાની અને જેણે વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે તેમને ત્રીજો ડોઝ આપવા માટે અભિયાન છેડવું જોઈએ. કોરોનાની સામે લડવાનો એકમાત્ર ઉપાય વેક્સિન છે. અગાઉ પણ વેક્સિનેશનમાં રાજ્યમાં તેમજ દેશમાં અનેક શહેરો અને ગામડાઓમાં વેક્સિનેશન તેટલા પ્રમાણમાં થયું નથી. જ્યાં વેક્સિનેશન નબળું છે ત્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને પગલે તંત્ર નહીં જાગે તો આગામી દિવસોમાં કોરોનાની ચોથી લહેર જરૂરથી આવી જશે તે નક્કી છે.