Columns

ચમનિયાનો ચાતુર્માસ

૧૦૦૧ ટકા ચાતુર્માસ માટે મને અપૂર્વ આદર છે. શાસ્ત્રોક્ત રીતે ચાતુર્માસનું મહત્ત્વ વિશેષ છે, એ પણ જાણું..! ચોમાસાના ચાર મહિના સાચવવાની વિધિને ચાતુર્માસ કહેવાય! એ પણ ખબર! પણ શું ચાતુર્માસ એટલે, સામાજિક-શારીરિક-આધ્યાત્મિક કે માનસિક રીતે પોષણ આપે એને જ ચાતુર્માસ કહેવાનો? દરેક વાતે કાળજી તો આખી જિંદગી લેવાની હોય. ચાતુર્માસ એટલે ચાર મહિના અને જીવતરની વચ્ચે આવતું ટોલનાકું.

વાણી-વર્તન-વિચાર કે વ્યવહારથી જે કંઈ ધોવાણ થયું હોય, તેનો પશ્ચાત્તાપ કરીને, મિચ્છામિ દુક્કડમ કહેવાનો તહેવાર એટલે ચાતુર્માસ. આ ચાર માસમાં આધ્યાત્મિક વિચારધારાથી વાતાવરણ મલમલી બની જાય. ચોકડીઓ સ્વસ્તિક થઇ જાય. જપ-તપ-વ્રત-ધ્યાન-યમ-નિયમ અને સંયમની ભાવના સળવળવા માંડે. ડૂબતાના હાથમાં તણખલું આવ્યું હોય એમ, સાવધ બની જાય. કાનમાં આધ્યાત્મિક હવન ચાલતો હોય એમ, ઘંટ હોય તો સંત બની જાય અને સંત હોય તો વસંત બની જાય. હું તો કહું છું કે, ચાતુર્માસ નહિ, હવે તો ચાતુર અઠવાડિયાં રાખવાં જોઈએ. જીવડો દર મહિને સખણો તો રહે. કારણ કે જીવતરનો કોઈ ધોરીમાર્ગ હોય તો એ ભક્તિ જ છે દાદૂ!

પણ મારે જે વાત કરવી છે, એ આધ્યાત્મિક ચાતુર્માસની નથી, સહનશીલતાના ચાતુર્માસની છે. ચાર માસ સુધી, પત્ની પિયરવટું કરી જાય અને પતિએ જે સહન કરવાનું આવે એ સહનશીલતાના ચાતુર્માસની વાત છે. એના કપાળમાં કાંદા ફોડું, ચમનિયાને ત્યાં ગત વરસે ઘટના એવી ઘટેલી કે, ચમનિયાની ‘વાઈફ’ચમની, બરાબર ચાતુર્માસ બેઠો ને એ જ દિવસે પિયરવટું કરી ગયેલી. નારી એવી નારાયણી નીકળી કે, ચાર માસ સુધી રિટર્ન નહિ થઇ. ચમનિયાની હાલત એવી કફોડી થઇ કે, જાણે નાક ઉપર ભમરાએ માળો બાંધ્યો હોય, એમ કોઈને મોંઢું ના બતાવાય. (બોલ્લો, આને પણ ચાતુર્માસ કહેવો કે નહિ..? આ તો એક ગમ્મત..!) ચમનિયાએ એવી કઠણ વ્યથા જાણ્યા પછી, ભગવાનને પ્રાર્થના કરીએ કે, કોઈની પણ ‘વાઈફ’ચાતુર્માસ કરવા ગઈ હોય એમ, ચાર મહિના સુધી પિયર નહિ જાય.

વાત આગલા વર્ષની છે, પણ ચાતુર્માસ બેસે એટલે માથામાં શિંગડું ફૂટતું હોય એવી વેદના ચમનિયાને થાય. વીતેલી ભૂતાવળ યાદ આવવા માંડે. ચાતુર્માસ બેસે ને એનું પ્રેસર ‘ડેન્સ’કરવા માંડે. માંહ્યલો આજે પણ ફફ્ળવા માંડે. ચાતુર્માસ બેસે એટલે પત્નીનાં ચરણોમાં પડી બોલવા માંડે કે,

“ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ..!
ત્વમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવા..!”
(લેએએએએ….એમાં તમે શેના ખીખીખીખી કરો છો? એ તો જેને વીતી હોય એને ખબર પડે કે, કેટલા વિસે ચારસો વીસ થાય..? ) પત્નીના હાથનું ગરમગરમ ઝાપટેલું હોય, એ યાદ તો આવે જ ને મામૂ..? બંદાએ ક્યારેય એક કલાકનો ઉપવાસ નહિ કરેલો હોય અને પેટમાં બિલાડાં બોલવા માંડે ત્યારે વાઈફ નહિ યાદ આવે તો બીજું કોણ યાદ આવવાનું? આપ મુઆ વિના સ્વર્ગે નહિ જવાય, એના જેવી વાત છે. જો કે, પિયરવટું કારણ વગર તો કર્યું જ ના હોય. ચમનિયાના મગજમાં પણ ધુમાડો તો હતો જ. ચમની રહી ગામડેની, એટલે ચમનિયામાં પણ ખાનસાહ્યબી આવેલી કે,

હું જ મારી સવાર છું ને હું જ મારી સાંજ છું,
ચાંદ છે મારા હૈયામાં ને હું જ મારી રાત છું,
એને કોણ સમજાવવા જાય કે…….
દૃષ્ટિ બદલ રસમંજન દુનિયા આપોઆપ બદલાઈ જશે.
બાકી તું જ તારી પૂનમ છે ને તું જ તારી અમાસ છે.”

ચમનીએ સોળ સોમવારને બદલે સોળ મહિનાના સોમવાર કરેલા હોય એમ, હાલત એવી થઇ કે, સાપના માથે દેડકી ચઢી ગઈ હોય એમ, ચમની પણ માથેની મળી. ચમનિયાની ખાનસાહ્યબી રાતોરાત ઉતારી દીધી. સીધી પિયરની જ વાટ પકડી લીધી. માથાકૂટ એ ઊભી થઇ કે, લોકો ચાતુર્માસમાં ભજન-કીર્તન કરતાં હતાં ત્યારે ચમનિયો વાસીદા કરવા લાગ્યો. ધૂળના ઢગલા કાઢવા માંડ્યો. રસોડા સાથે પણ કસરત કરી જોઈ, પણ ફાવ્યું નહિ. ઘરના તકિયા-ગાદલા-ફર્નીચર-વાસણ-ચીપિયા-બેડાં બધાં જ જોઇને ડોળા કાઢતાં હોય એવું લાગ્યું.

મીઠું ક્યાં છે, મરચું ક્યાં છે, ચા ક્યાં છે, ખાંડ ક્યાં છે, કયું બટન દબાવવાથી ગીઝર ચાલુ થાય વગેરે પ્રશ્નોના જવાબ જડ્યા નહિ ત્યારે સૌથી ભોટ હોવાનું બ્રહ્મ-જ્ઞાન લાધ્યું. ઘરમાં કોઈ બોલનારું નહિ, ઝઘડનારું નહિ, પ્રેમ કરનારું નહિ, આ ખાલીપાએ એવો કોરી ખાધો કે, એના કપાળમાં કાંદા ફોડું, ચાર મહિનામાં ૧૪ કિલો વજન ઊતરી ગયું. લેંઘાઓ ઢીલ્લા પડી ગયા. વાઈફ તો ગઈ પણ શરીરની ચરબી પણ ઘર ખાલી કરી ગઈ. મસાલાના ડબ્બાઓ મંદ મંદ હસતા હતા. ચાહ-ખાંડના ડબ્બાઓ રાક્ષસી અટ્ટહાસ્ય કરીને ટોણો મારતા હતા કે, જીવનમાં સુખી રહેવું હોય તો અમારી જેમ જોડે રહેવાનું. ઉચ્ચ-નીચના ભેદ નહિ રાખવાના. ચમનિયો એવો વૈરાગી બની ગયો કે, માત્ર ભગવાં જ ચઢાવવાનાં બાકી રહ્યાં.

સુખ, શાંતિ અને વ્યવસ્થા ગુંગળાવા લાગી. પહેલા જ દિવસે અનુભૂતિ થઇ કે, ‘WIFE IS NOT WONDERFUL INSTRUMENT OF LIFE..!’પત્ની વગર ઘર જાણે સ્મશાનઘાટમાં ફેરવાઈ ગયું. એવું ‘ફીઈઈલ’કરવા લાગ્યો કે, ભક્તોને જે ફળ મળવાનું હશે તે ગમે ત્યારે મળશે પણ પત્નીના પિયરવટાનું, ચાતુર્માસનું ભૂંડું ફળ તત્કાળ મળી ગયું. જ્યારે પણ કોઈ સુખી દંપતીને બહાર લટાર મારતાં જુએ, એટલે આત્મા કકળવા માંડે. હવે એને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે, સ્ત્રી માત્ર ઘરની લક્ષ્મી નથી. ઘરની શોભા પણ છે..! પત્ની પિયર ચાલી જાય ત્યારે જ સમજાય કે, સંત-સાધુના ચાતુર્માસ કાઢવા તો સહેલા, પણ પત્ની વગર પતિએ ચાતુર્માસ કાઢવા એટલે, દોરડા ઉપર મોટર સાઈકલ ચલાવવા જેટલું અઘરું છે. આને કહેવાય સાંસારિક ચાતુર્માસ..!

લાસ્ટ બોલ
તમારી પત્ની પિયરવટું કરીને ચાલી ગઈ તો તમને કેવું લાગે છે?
ચાતુર્માસ વેઠતો હોય તેવું.
પત્ની વિના તમારી હાલત કેવી છે?
ફોન ચાર્જીંગમાં છે ને સ્વીચ ઓફ છે તેવું. બસ બંધ ટી.વી. સામે જોયા કરું છું, કારણ કે રીમોટ પણ લેતી ગઈ છે.
તારા કપાળમાં કાંદા ફોડું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top