Columns

બિટકોઈન કૌભાંડમાં કર્ણાટકની ભાજપ સરકારના પાયા હચમચી ગયા છે

પેપર કરન્સીના અસ્તિત્વ સામે જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે ક્રિપ્ટોકરન્સી છે. પેપરકરન્સી પર સરકારનો કન્ટ્રોલ હોવાથી તેને ગમે ત્યારે, ગમે તેટલી પેપર કરન્સી સરકાર છાપી શકે છે. ક્રિપ્ટોકરન્સી ખાનગી હોવાથી તેના ઉત્પાદન અને વિતરણ પર સરકારનો કોઈ કન્ટ્રોલ નથી. બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં જે તોતિંગ વળતર મળી રહ્યું છે તે જોઈને ભારતના આશરે દસ કરોડ નાગરિકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા લાગ્યા છે. ભારતમાં કુલ પેપર કરન્સી ૨૮ લાખ કરોડ છે. તેની સરખામણીમાં ક્રિપ્ટોકરન્સીમાં ૬ લાખ કરોડનું રોકાણ થયું છે. થોડા સમય પહેલાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો, પણ સુપ્રિમ કોર્ટે તે પ્રતિબંધ દૂર કર્યો હતો. આજની તારીખમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ચલણી નોટ તરીકે થઈ શકતો નથી; પણ કોમોડિટી તરીકે તેની લેવેચ જરૂર થઈ શકે છે. ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા ભાવોને કારણે ભારતના લોકો શેરો વેચીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા લાગ્યા છે.

ક્રિપ્ટોકરન્સીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ ગણાતો હતો કે તેનું હેકિંગ થઈ શકતું ન હોવાથી તેને સલામત રોકાણ માનવામાં આવતું હતું. હવે કર્ણાટકના ૨૬ વર્ષના યુવાન શ્રીક્રિશ્ના રમેશે બિટકોઇન એક્સચેન્જ હેક કરીને સાબિત કરી આપ્યું છે કે બિટકોઈન પણ સલામત નથી. શ્રીક્રિશ્નાએ પોલિસ સમક્ષ કરેલા દાવા મુજબ તેણે ૨૦૧૬માં હોંગકોંગનું બિટફિનેક્સ નામનું એક્સચેન્જ હેક કરીને  તેમાંથી ૨૦,૦૦૮ બિટકોઈન ચોરી લીધા હતા. આ બિટકોઈન તેણે શરાબ અને શબાબમાં ઉડાવી દીધા હતા, પણ તેની પાસે ૩૧ બિટકોઈન બચ્યા હતા. આ બિટકોઈન કર્ણાટક પોલિસે જપ્ત કર્યા હતા, જેનો બજારભાવ ૯ કરોડ રૂપિયા જેટલો હતો. હવે આ બિટકોઈન ગુમ થઇ ગયા છે. તેમાં કર્ણાટકની પોલિસ ઉપરાંત કેટલાક પ્રધાનો પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. આ કૌભાંડને કારણે કર્ણાટકની બસવરાજ બોમ્માઈ સરકારના પાયા હચમચી ગયા છે.

જો કોઈ ફળદ્રુપ ભેજાંનો હેકર ધારે તો ઇન્ટરનેટના માધ્યમથી કેવો ખળભળાટ મચાવી શકે તેનું ઉદાહરણ શ્રીક્રિશ્ના રમેશ છે. તે ચોથાં ધોરણમાં ભણતો હતો ત્યારથી તે કોમ્પ્યુટર હેક કરતાં શીખ્યો હતો. પોતાની શાળાનું કોમ્પ્યુટર હેક કરીને તે ગેરહાજર રહીને પણ હાજરી પૂરાવતો અને પરીક્ષાનાં પરિણામો પણ બદલી કાઢતો હતો. દસ વર્ષની ઉંમરે તેણે પોતાની પહેલી કોમ્પ્યુટર ગેમ ડિઝાઇન કરી હતી. તે નવમાં ધોરણમાં આવ્યો ત્યારે તેણે ઇન્ટરનેટ પર ઘણા મિત્રો બનાવ્યા, જેમણે તેને હેકિંગની અત્યાધુનિક ટેકનિકો શીખવી. દસમાં ધોરણમાં આવ્યો ત્યારે તે હેકિંગ કરીને હજારો ડોલર કમાવા લાગ્યો હતો.

૨૦૧૭માં તેણે પહેલી વખત બિટક્લબ નેટવર્કને હેક કરીને તેમાંથી ૧૦૦ બિટકોઈન ચોરી લીધા હતા. ૨૦૧૮માં તેણે જુગાર રમવાની ચીની વેબસાઇટ પીપીપોકર હેક કરીને હજારો ડોલરની કમાણી કરી હતી. શ્રીક્રિશ્ના આ રીતે હેક કરેલા ડોલરનો ઉપયોગ કરીને ડાર્ક નેટ પરથી ડ્રગ્સ ખરીદવા તેમ જ વેચવા પણ લાગ્યો હતો. ૨૦૧૮માં બેંગલોરના પબમાં ડ્રગ્સના વેચાણ બાબતમાં મારામારી થઈ તેમાં મુખ્ય આરોપી વિધાનસભ્યનો પુત્ર પકડાઈ ગયો હતો, પણ શ્રીક્રિશ્ના છટકી ગયો હતો. તે ગયાં વર્ષના નવેમ્બરમાં પકડાઈ ગયો હતો. કર્ણાટક પોલિસે તેને કસ્ટડીમાં રાખીને તેની પાસે અનેક સાઇબર ક્રાઈમની કબૂલાત કરાવી લીધી હતી.

શ્રીક્રિશ્ના રમેશે ૨૦૧૯માં કર્ણાટક સરકારની ઇ-પ્રોકરમેન્ટ સાઇટ હેક કરીને તેનાં એક ખાતાંમાંથી ૧૮ કરોડ રૂપિયા અને બીજાં ખાતાંમાંથી ૨૮ કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. આ પરાક્રમ તેણે હિમાલયના આનંદા સ્પામાં આરામ ફરમાવતા કર્યું હતું. તેણે હેમંત મુડપ્પા નામના ઇસમના ખાતાંમાં આ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સીઆઇડીના કહેવા મુજબ હેમંતે તેમાંથી ૧૧ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીના આક્ષેપ મુજબ શ્રીક્રિશ્નાએ જનધન ખાતાં હેક કરીને દરેક ખાતાંમાથી બે-બે રૂપિયા તફડાવી લીધા હતા. જો ભારતમાં ૪૦ કરોડ જનધન ખાતાં હોય તો પણ તેના હાથમાં ગરીબોના ૮૦ કરોડ રૂપિયા આવી ગયા હતા.

શ્રીક્રિશ્નાના દાવા મુજબ તે ૨૦૧૬માં જ્યારે નેધરલેન્ડમાં હતો ત્યારે તેણે પહેલી વખત રિવર્સ એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હોંગકોંગનું બિટનેક્સ એક્સચેન્જ હેક કર્યું હતું. તેણે બીજી વખત ઇઝરાયલના હેકરોની મદદથી બિટનેક્સ એક્સચેન્જ હેક કર્યું હતું. તેણે ૨૦,૦૦૮ બિટકોઈન ચોર્યા હતા, પણ ત્યારે એક બિટકોઈનનો ભાવ માત્ર ૧૦૦થી ૨૦૦ રૂપિયા હતો. તેણે રોજના એકથી બે લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવીને આ બિટકોઈન વાપરી કાઢ્યા હતા.

શ્રીક્રિશ્ના બે વર્ષ સુધી નાસતો ફરતો હતો, પણ તે ૨૦૨૦ના નવેમ્બરમાં બેંગલોર પોલિસના હાથે પકડાઇ ગયો હતો. તેણે ડાર્કનેટ પરથી ગાંજો ખરીદવા માટે બિટકોઈનની લેવેચ કરતાં રોબિન ખંડેલવાલને બિટકોઈન ચૂકવ્યા હતા. તેનો સાથીદાર પોસ્ટ ઓફિસમાં ગાંજાનું પાર્સલ છોડાવવા ગયો ત્યારે પકડાઈ ગયો હતો. તેણે આપેલી માહિતીના આધારે પોલિસે શ્રીક્રિશ્નાની ધરપકડ કરી હતી. પોલિસે કસ્ટડીમાં તેની તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે ઓછામાં ઓછી ૬ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. શ્રીક્રિશ્નાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોલિસને જણાવ્યું હતું કે તેના વોલેટમાં ૩૧ બિટકોઈન છે, જેની કિંમત ૯ કરોડ રૂપિયા હતી. આ બિટકોઈન ક્યાં ગુમ થઇ ગયા તે રહસ્ય છે.

કર્ણાટકમાં બિટકોઈન કૌભાંડ પકડાયું તેને કારણે ભાજપ સરકાર સંકટમાં મૂકાઈ ગઈ છે, કારણ કે તેમાં કેટલાક ટોચના અધિકારીઓ અને રાજકારણીઓ પણ સંડોવાયેલા હોવાનું મનાય છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઇ તાજેતરમાં દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેઓ ખૂબ ટેન્શનમાં હતા. તેમણે કહ્યું કે, હું તમારીસાથે બિટકોઈન કૌભાંડ બાબતમાં ચર્ચા કરવા માગું છું.  વડા પ્રધાને તેમને કહ્યું હતું કે તેની ચિંતા કરવાની જરૂર નથી. કર્ણાટકના વિપક્ષોએ બિટકોઈન કૌભાંડ બાબતમાં હોબાળો મચાવવાનું શરૂ કર્યું છે. તેમનો આક્ષેપ છે કે ભાજપની સરકાર બિટકોઈન કૌભાંડમાં ભીનું સંકેલી લેવાના પ્રયાસો કરી રહી છે. વિપક્ષના કહેવા મુજબ જો સીટ દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવશે તો ભાજપ સરકારને રાજીનામું આપવાની ફરજ પડશે.

ભારતના રોકાણકારો જે ઝડપે બિટકોઈન તરફ વળી રહ્યા છે તે જોતાં સરકારની ચિંતા વધી ગઈ છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ હતો ત્યારે તેનો વેપાર ચોરીછૂપીથી થતો હતો, પણ સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ ઉઠાવી લીધો તે પછી તેના સોદા ખુલ્લેઆમ થવા લાગ્યા છે. તાજેતરમાં ટી-૨૦ના વર્લ્ડ કપ દરમિયાન ટીવી પર પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટેની લોભામણી જાહેરખબરો આવતી હતી. આ જાહેરખબરો બિટકોઈનમાં સોદાઓ કરતી કોઈનસ્વિચ કુબેર, કોઈનડીસીએક્સ, વઝિરેક્સ અને ઝેબપે જેવી કંપનીઓ દ્વારા આપવામાં આવતી હતી. રિઝર્વ બેન્કને ડર છે કે જો લોકો પેપર કરન્સીને બદલે ક્રિપ્ટોકરન્સી વાપરવા લાગશે તો રૂપિયો ડૂબી જશે. તાજેતરમાં આ જોખમની ચર્ચા કરવા વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ ખાસ બેઠક પણ મળી ગઈ હતી. સરકાર જો ફરીથી ક્રિપ્ટોને પ્રતિબંધિત કરશે તો દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top