વડોદરા : સરકારમાં રજુઆત બાદ મળેલ બાંહેધરી બાદ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.આજે સતત બીજા દિવસે પણ કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાતા હડતાળ યથાવત રાખી તલાટી કમ મંત્રીઓ કામગીરીથી અળગા રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પગાર, પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોનો મુદ્દે બીજી ઓગસ્ટ મંગળવારથી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે રાજ્યના તલાટી કમ મંત્રી મહામંડળે આગામી 13 થી 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગ્રામ પંચાયત કચેરીઓમાં પૂર્ણ માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવા જણાવ્યું છે.
તેમજ હાલ વરસાદના કારણે સર્જાતી વિપરીત પરિસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કામગીરી સિવાય તમામ કામગીરી બંધ કરવા પણ આહવાન કર્યું છે. સાથે જ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વર્ષ 2018 થી સતત ગુજરાત સરકારને રજૂઆતો કરતા આવ્યા છીએ એમ છતાં યોગ્ય નિરાકરણ આવતું નથી. કોરોના કાળની ગંભીર પરિસ્થિતિ બાદ ગત વર્ષે 2021 માં સાતમી સપ્ટેમ્બરે હડતાલનું એલાન કર્યું હતું.પરંતુ તે સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવવાની બાહેધરી મળતા હડતાલ મોહુક રાખી હતી.
તે પછી નવ મહિના વીતી ગયા છતાંય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે.એમ છતાંય કોઈ જ ઉકેલ આવ્યો નથી. આથી સાતમી જુલાઈએ મળેલી કારોબારીની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ હર ઘર તિરંગા અભિયાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળના કામ સિવાય અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે વડોદરા તાલુકા પંચાયત ખાતે તલાટીઓ એકત્ર થઈ નારાજગી દર્શાવી હતી અને બીજા દિવસે પણ તેમની હડતાલ યથાવત રાખી હતી.