AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપના ( BHAJAP ) ઉમેદવારોને લઈને ભારે હોબાળો, હંગામો અને કકળાટ શરૂ થયો છે. ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ ભાજપમાં રાજ્યભરમાં ભડકો થયો છે, અને ઠેરઠેર વિરોધ સાથે કેટલાક લોકોએ ભાજપ સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી, તો કેટલાકે ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ ( CONGRESS) માંથી ઉમેદવારી નોંધાવી હતી. પરિણામે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે.
કોંગ્રેસમાં પણ ક્યાંક અસંતોષ અને વિરોધનો સૂર ઉભો થયો છે. પાટણમાં કોંગ્રેસના મહિલા આગેવાનની ટિકિટ કપાતા રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે ટિકિટના મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં ભારે કકળાટ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસમાં ભારે વિરોધ ઊભો થયો હતો. તો જિલ્લા- તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોને લઈને શિસ્તબંધ ગણાતી એવી ભાજપ પાર્ટીમાં જ જૂથવાદ અને વિરોધ સપાટી ઉપર આવ્યો છે. જેને પગલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત સિનિયર આગેવાનો ચોંકી ઉઠયા છે.
ભાજપ યુવા મોરચાના કાર્યકરો રજૂઆત કરવા દોડી આવતાં ભાજપ કાર્યાલયના દરવાજા બંધ કરી દેવા પડ્યા
તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને મહેસાણા જિલ્લામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ટિકિટના મુદ્દે ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત માટે દોડી ગયા હતા. એક તબક્કે ભાજપ કાર્યાલયના દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા. આ સાથે જ પૂર્વ શહેર પ્રમુખ કૌશિક વ્યાસ (KAUSHIK VYAS) ની ટિકિટ કપાવાના સાથે યુવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હોવાથી તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, અને રીતસર નાના બાળકની જેમ રડી પડ્યા હતા. જેના પગલે મહેસાણા ભાજપમાં આંતરિક બળવો ઉભો થયો છે.
સુરેન્દ્રનગરમાં માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ નહીં મળતાં હજારો કાર્યકરો ખફા
તેવી જ રીતે સુરેન્દ્રનગરમાં પણ ભાજપ દ્વારા માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા માલધારી સમાજ રોષે ભરાયો હતો, અને હજારો માલધારી કાર્યકરોએ ભાજપને રામ રામ કરી દીધા હતા.
અમરેલીમાં ખાંભામાં ભાજપના સિનિયર આગેવાન જશુભાઈ મોભ કોંગ્રેસમાં જોડાયા
સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભામાં પણ ભાજપમાં ભારે વિવાદ સાથે વિરોધનો વંટોળ ભભૂકી ઉઠયો હતો. ભાજપના સિનિયર આગેવાન જશુભાઈ મોભ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જેના પગલે અમરેલીમાં ભાજપમાં સોપો પડી જવા પામ્યો છે.
પાલનપુરમાં સિનિયર કાર્યકરોની ટિકિટ કપાતાં ભાજપમાં ડખો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભાજપમાં આંતરિક સાથે રોષ ભભૂકી ઉઠયો છે. વોર્ડ નંબર એક અને ચારમાં સિનિયર કાર્યકરોની ટિકિટ કપાતા પાલનપુરમાં ભાજપમાં ડખો ઉભો થયો છે.દક્ષિણ ગુજરાતમાં પણ ટિકિટના મુદ્દે ભાજપમાં ભવાઈ
આ ઉપરાંત ભાજપમાં અબડાસા, દાહોદ, જુનાગઢ, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ટિકિટના મુદ્દે ભાજપમાં ડખા સાથે વિરોધનો વંટોળ ઉભો થયો છે.