આપના લોકપ્રિય સમાચારપત્રના આ ચર્ચાપત્રના વિભાગમાં સામાન્ય જનતાને રોજબરોજના જીવનમાં અનુભવાતી મુશ્કેલીઓને યોગ્ય પ્રસિદ્ધિ આપવામાં આવે છે અને તેની ધારી અસર પણ વર્તાઈ રહી છે અને એ રીતે ખરેખર એના નામ પ્રમાણે એક સાચા ‘મિત્ર’ તરીકેનું નામ સાર્થક કર્યું છે. સમાચારપત્રોમાં લગભગ રોજે રોજ સમાચાર આવે છે કે પદયાત્રીઓને સીટી બસ બીઆરટીએસ બસ ટ્રોલીવાળા કે કારવાળા અડફટે લઈને કચડીને ભાગી જાય છે. કારણ કે ફૂટપાથ પર તો કાર પાર્કિંગ સ્કૂટર પાર્કિંગ છે.
ચા-ખાવા પીવાની નાસ્તાની લારીઓ ગલ્લાવાળાઓ, પાથરણાવાળાઓ બુટ મોજા વેચવાવાળાઓ કેટલેક ઠેકાણે તો 20-25 વર્ષથી ફૂટપાથ પર અડ્ડો જમાવીને પદયાત્રીઓને રોડ પર ચાલવા મજબૂર કરીને પોતાના વેપાર ધંધા એકદમ બિન્દાસથી ચલાવીને હજારો રૂપિયા કમાય છે. કારણ કે હપ્તાનું રાજ ચાલે છે. પદયાત્રીઓ મરે કે ઘાયલ થાય તેમાં હપ્તાવાળાના બાપનું શું જવાનું છે? ભલે તે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય તે તો બધા ખાલી મ્હોરા છે. સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી કમિશનરશ્રીને કેટલાય email મોકલ્યા બધા પરત ફરે છે. ઈમેલ બોક્સમાં સ્વીકારાતા જ નથી. સુરતના વર્તમાન ધારાસભ્ય અને લોકસભાના સભ્યોને ઇ-મેઈલ મોકલ્યા છે પણ કોઈએ જવાબ આપવાની તસ્દી પણ લીધી નથી. આ છે આપણા લોકસેવકો.
સુરત – રજનીભાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.