સુરત: શિયાળામાં આરોગ્યવર્ધક નીરો પીવા માટે શહેરીજનો વહેલી સવારે નીકળી પડે છે. જેથી શહેરમાં વિવિધ જગ્યાએ નીરા વેચાણની શરૂઆત થઈ ગઈ છે. મનપાના ફૂડ વિભાગે સવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં નીરાનુ વેચાણ થતું હોય તે સંસ્થાઓને ત્યાં તપાસ કરી હતી. મનપા દ્વારા કુલ 8 સંસ્થાઓમાંથી સેમ્પલો લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
- મનપાના ફૂડ વિભાગે ઠંડી ઊડાડી, વહેલી સવારે 8 કેન્દ્રમાંથી નીરાના સેમ્પલ લીધાં
- નીરોગી રહેવા માટે શહેરીજનો નીરા તરફ વળ્યાં
- ઠેર ઠેર ધૂમ વેચાણ શરૂ થતાં નીરાની ગુણવત્તા ચકાસવા આરોગ્ય વિભાગની કસરત
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોર્યાસી તાલુકાના લાજપોર ખાતે નૂતન ગ્રામ ઉદ્યોગ મંડળ સંસ્થા દ્વારા વેચાણ કરવામાં આવતા આશાપુરી માતાના મંદિર પાસે, રૂસ્તમપુરા તથા આચાર્ય તુલસીગેટ મેઈન રોડ, ઉધના અને જોગર્સ પાર્ક, ઘોડદોડ રોડ પરથી નીરાના સેમ્પલો લેવાયા હતા. કતારગામ ડો. શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડન પાસે, કતારગામ તથા ધોળકિયા ગાર્ડનની બહારથી નીરાના સેમ્પલો લેવાયા હતા.
આ ઉપરાંત સુરતમાં ભાગળ બુંદેલાવાડ ખાતે શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સ.મં.લી. દ્વારા વેચાણ કરવામાં આવતા 11/950-51, સિંધીવાડ, ચોક બજાર તથા પ્લોટ નં.6, નીરા ભવન, સબરસ હોટલ પાસે, સ્ટેશન રોડ, સુરત અને મેઈન રોડ, બુંદેલાવાડ, ભાગળ ખાતેથી નીરાના સેમ્પલો લઇ તપાસ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.