SURAT

બુડિયા-ગભેણી ચોક્ડી પરનો ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો, સુરતના 50 હજાર વાહનચાલકોને મોટી રાહત

હજીરાથી સચીન જીઆઈડીસી, પલસાણા તરફ જતા હજીરા-ધુલિયા નેશનલ હાઈવે પર આવેલી બુડિયા-ગભેણી ચોક્ડી પર નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ખુલ્લો મુક્યો છે. આ ફ્લાય ઓવર બ્રિજના લીધે સુરતના 50 હજાર વાહનચાલકોને મોટી રાહત થશે. સચીન જીઆઈડીસી, હજીરા અને પલસાણા જતા વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.

નવનિર્મિત ફ્લાય ઓવરના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યમુનાની સફાઈ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

40 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો
બુડિયા અને ગભેણી ચોક્ડી અકસ્માત ઝોન બની ગયો હતો. અહીં અવારનવાર બનતી અકસ્માતની ઘટનાને પગલે આસપાસના ગામના રહીશોએ વિરોધ કર્યો હતો, તેના પગલે અહીં બમ્પર બનાવાયા હતા. જેથી રોજ પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવતી હતી.

આખરે તંત્રએ આ સમસ્યાના નિરાકરણ માટે અહીં 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો છે. આ ફ્લાયઓવર અને અંડરપાસ હવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાઈ ગયો છે. હવે નવા બ્રિજથી આવી દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી ધારણા છે.

આ નવી સુવિધાથી રોજના અંદાજે 50,000થી વધુ વાહનોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. હજીરાની દિશામાં આવેલી અદાણી, રિલાયન્સ, એએમએનએસ જેવી મહાકાય ઔદ્યોગિક એકમો, ડાયમંડ બુર્સ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ), તથા સચિન અને પાંડેસરા જીઆઈડીસી તરફ જતા વાહનો અહીંથી અવરજવર કરે છે. પરિણામે આ હાઇવે સર્વત્ર વ્યસ્ત રહેતો હોય છે.

આભવા અને ખજોદ ચોકડી પર પણ ફ્લાયઓવરો બનશે
બુડિયા-ગભેણી ચોકડીના લોકાર્પણ બાદ હવે સરકાર દ્વારા આભવા અને ખજોદ ચોકડી પર પણ 93 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ચોમાસા પછી આ નવી કામગીરી હાથ ધરવામાં આવશે. જેને કારણે આ વિસ્તારોના ગ્રામજનોને ટ્રાફિકના ભારથી છૂટકારો મળશે અને અવરજવર વધુ સુગમ બની રહેશે.

રિલાયન્સના ગેટ પાસે પણ બ્રિજ બનાવાશે
આ ઉપરાંત ક્વાસ પાટિયા અને રિલાયન્સ કંપનીના ગેટ નં.1 પાસે પણ ફ્લાયઓવર બનાવવાની મંજૂરી મળી છે. અહીં અંદાજે 152 કરોડના ખર્ચે નવા બ્રિજ બનશે અને તેની કામગીરી પણ ચોમાસા બાદ શરૂ થશે.

Most Popular

To Top