એક દિવસ જીનલ શાળામાંથી રડતી રડતી આવી અને ઘરે આવીને તો તેણે પોક જ મૂકી.બધાં તેને ઘેરી વળ્યાં અને પૂછવા લાગ્યાં. શું થયું, શું થયું? જીનલ હોંશિયાર છોકરી હતી અને સ્પોર્ટ્સમાં પણ અવ્વલ, પણ આજે સ્પોર્ટ્સના સીલેકશનની દોડમાં તે ચોથી આવી; એટલે ઇન્ટર સ્કુલ સ્પર્ધા માટે તેનું સિલેકશન ન થયું એટલે તે રડી રહી હતી.જીનલે રડતાં રડતાં બધી વાત કરી.તે બોલી, ‘તેને ખબર ન હતી કે આજે સિલેકશન છે. હવે મને કોઈ ચાન્સ નહિ મળે. છેક આવતા વર્ષે ચાન્સ મળશે, તેમાં પણ સિલેક્ટ થઈશ કે પછી આજ જેવું થશે, ખબર નથી.’તે બોલતી રહી અને રડતી રહી અને મમ્મી તેને શાંત કરતી રહી. થોડી વારે જીનલ શાંત થઇ એટલે દાદાએ કહ્યું, ‘બેટા, હવે રડીને કે કોઈ પણ કારણ કે બહાનાં કાઢીને કોઈ અર્થ નથી.’હજી દાદા કંઈ કહે તે પહેલાં જીનલ ફરી રડવા લાગી.દાદા બોલ્યા, ‘અરે બેટા, મારી વાત સાંભળ.ચલ, મારી સાથે ગાર્ડનમાં ચલ.’
દાદા જીનલને લઈને ગાર્ડનમાં ગયા.ધીમે ધીમે ચાલતા હતા અને પોતાના શાળાજીવનની વાત કરતા હતા.ત્યાં એક ફૂલ ડાળી પરથી ખરીને નીચે પડ્યું.જીનલે તે ફૂલ તરત જ હાથમાં લઇ લીધું અને દાદાને કહ્યું, ‘દાદા, જુઓ કેટલું સુંદર ફૂલ છે.’દાદા બોલ્યા, ‘સરસ છે.ચલ તેને ડાળી પર ફરી જોડી દે..’જીનલ હસવા લાગી અને બોલી, ‘દાદા, એક વાર જો ફૂલ ડાળીથી ખરીને છૂટું પડી જાય, પછી તેને કંઈ પાછું ડાળી પર લગાવી ન શકાય.’દાદા બોલ્યા, ‘બરાબર છે તારી વાત.તો શું હવે ડાળી ફૂલ છૂટું પડીને ગયું એટલે રડશે?’ જીનલ બોલી, ‘ના દાદા, ડાળી શું કામ રડે? તેની પર તો બીજું નવું ફૂલ ખીલશે થોડા સમયમાં …’
દાદા બોલ્યા, ‘વાહ મારી દીકરી, તું તો બહુ સમજદાર છે તો પછી તું હમણાં કેમ રડતી હતી?’ જીનલને કંઈ સમજાયું નહિ. તે દાદા સામે જોઈ રહી.દાદા બોલ્યા, ‘જો બેટા, એક વાર ફૂલ ડાળી પરથી ખરી જાય અને છૂટું પડી જાય તો પાછું જોડી શકાય નહિ.તેમ એક વાર મોકો, તક , સમય હાથમાંથી સરી તો ફરી જલ્દી મળે નહિ તે સાચું, પણ જેમ ડાળી અને છોડ મજબૂત હોય, લીલોછમ હોય, તો ડાળી પર નવું ફૂલ ચોક્કસ ખીલે, તેમ જો ઈચ્છાશક્તિ જીવંત હોય અને મહેનત મજબૂત હોય તો ફરી મોકો કે તક અવશ્ય મેળવી શકાય.એટલે તું રડવાનું અને ખોટાં ખોટાં કારણો બતાવવાનું છોડીને તારી ઈચ્છાશક્તિ જીવંત રાખ, મહેનત કર ,રોજ કસરત કર ,ખાવામાં શિસ્ત રાખ, રોજ દોડવાની પ્રેક્ટીસ કર તો ચોક્કસ બીજો મોકો તને મળશે.’ જીનલ દાદાની વાત સમજી ગઈ અને મનમાં આખું વર્ષ મહેનત કરી આવતા વર્ષે જીતવાનું નક્કી કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.