ઈંડામાંથી બચ્ચું બહાર આવે અને ગણતરીના દિવસોમાં જયારે હજી બીજા પક્ષીનાં બચ્ચાં માંડ કિલકારી મારતાં શીખ્યાં હોય ત્યાં બાજ પક્ષીની માદા પોતાના તાજા નાના બચ્ચાંને પોતાના પંજામાં લઈને આકાશમાં ઊંચી ઉડાન ભરે છે.બાજ માતા પોતાના બચ્ચાને જેટલી જલ્દી અને જેટલી અઘરી ઊડવાની ટ્રેનિંગ આપે છે એવી અન્ય કોઈ પક્ષી માતા આપતી નથી.
બાજ માતા પોતાના તાજા જન્મેલા બચ્ચાને લગભગ ૧૨ કિલોમીટર ઊંચે લઈ જાય છે જે ઊંચાઈ પર વિમાન ઊડે છે.આ ઊંચાઈ સુધી પહોંચતાં બાજ માતાને ૭ થી ૯ મિનિટ લાગે છે અને આકાશમાં ઉપર પહોંચ્યા બાદ શરૂ થાય છે બચ્ચાંની કઠીન પરીક્ષા…અને અચાનક આટલી ઊંચાઈથી માતા બાજ પોતાના બચ્ચાને પંજામાંથી છોડી દે છે…અને બચ્ચું નીચે ધરતી તરફ પડવા લાગે છે.
લગભગ ૨ કિમી સુધી બચ્ચાને કંઈ ખબર જ પડતી નથી.સાત કિલોમીટર સુધી આવતા બચ્ચાની નાની જકડાયેલી પાંખો ખૂલવા લાગે છે અને નવ કિલોમીટર સુધી આવતાં પાંખો પૂરેપૂરી ખીલી જાય છે અને બચ્ચું પહેલી વાર પાંખો ફફડાવવા લાગે છે. હવે તે ધરતીથી માત્ર ત્રણ કિલોમીટર એટલે કે માત્ર ૩૦૦૦ મીટર દૂર છે પણ બચ્ચાને ઊડતાં આવડતું નથી.તે ધરતી તરફ નીચે ધસતું જાય છે અને માત્ર ૭૦૦/૮૦૦ મીટર દૂર હોય છે, પણ બચ્ચું ઊડી શકતું નથી.તેની પાંખોમાં એટલી તાકાત નથી અને જયારે તે ધરતીથી ૪૦૦/૫૦૦ મીટર દૂર હોય છે અને તેનું મોત નજીક દેખાય છે ત્યારે અચાનક એક પંજો આવી તેને પકડી લે છે અને પાંખોમાં સમાવી લે છે.
આ પંજો તેની માતાનો હોય છે, જેણે તેને ઊંચાઈએથી છોડ્યું હોય છે પણ તે બચ્ચાની નજીક જ ઊડતી હોય છે.તે બચ્ચાને પકડી લે છે.આ અઘરી ટ્રેનિંગ સતત ચાલતી રહે છે.જ્યાં સુધી બચ્ચું ઊડતાં ન શીખી જાય.આટલી અઘરી ટ્રેનિંગ બાદ એક શક્તિશાળી બાજ આકાર લે છે જે પોતાના કરતાં દસ ગણા વધુ વજનવાળાં પ્રાણીઓનો શિકાર કરે છે. બાજ પક્ષીની માદાની આ ઊડવાનું શીખવવાની રીત અપનાવવા જેવી છે.પોતાનાં બાળકોને પ્રેમ કરો,ચાહો ,પોતાની નજીક રાખો પણ સાથે સાથે તેને જીવનની મુશ્કેલીઓ સાથે પણ રૂબરૂ કરાવો,મુશ્કેલીઓનો સામનો કરતાં, પડકારો સ્વીકારતા અને તકલીફો સામે લડતાં શીખવાડો.જરૂર ન હોય, છતાં દરેક સંઘર્ષનો સામનો કરતાં શીખવાડો.તો જ તેઓ ઊંચી ઉડાન ભરી શકશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.