Charchapatra

જ્યોતસે જ્યોત જલે

હમણાં થોડા દિવસ પહેલાં વોટ્સએપ ગ્રુપમાંથી એક મેસેજ આવ્યો, જે હકીકત ન હોય, પરંતુ એમાં માણસાઇને ઉજાગર કરતી ઘણી જ અગત્યની વાત કરી.  જેમાં એક તરફ તહેવારોની મોસમમાં બજારનાં દુકાનદારોમાં  ઉત્સાહ જોવા મળતો હતો અને ચારે બાજુની દુકાનોમાં અને શેરીમાં લાઇટોનો ઝગમગાટ કરવાની  તૈયારી થઇ રહી હતી એ જ સમયમાં પાડોશના મકાનના રિનોવેશનનું કામકાજ ચાલતું હોવાને કારણે એ મકાનની એક દુકાનમાં ઠંડા/મીઠા પીણાં વેચતા દુકાનદારને  બિલ્ડર દ્વારા વસ્તિની પાંખી અવરજવરવાળી નજીકની ગલીમાં એક દુકાન ફાળવાયેલ. 

આ નવી જગ્યામાં ગ્રાહકની ગેરહાજરીમાં એની જે હાલત થતી જોવા મળે છે એ દ્રશ્યને ઉજાગર કરતી  સ્થિતિની નજીકની દુકાનમાં કામે આવેલ એક વ્યક્તિએ એ દુકાનના માલિકને  વાત કરતા એ લાગણીશીલ દુકાનદાર ભૂતકાળના પાડોશી દુકાનદારને કેવી રીતે મદદરૂપ થવું એ વિચારમાં પડી ગયેલ. એને કોઇ ઉપાય સૂઝતો નહોતો એ દરમિયાન એની જ દુકાનમાં દિવાળીના શુભ પ્રસંગને દીપાવવા દીવા સળગાવવામાં વ્યસ્ત એક કારીગરને એના  જોડીદારને કહેતા સાંભળ્યો કે દરેક દીવો અલગ અલગ સળગાવવા કરતાં સળગેલા એક દીવાથી બીજા દીવા સળગાવવા વધુ સરળ છે.

કારીગરોના આ સંવાદે એ દુકાનના માલિકને સમજાવી દીધું કે  મુસીબતમાં આવી પડેલ નજીકના જ  પાડોશી દુકાનદારને કેવી રીતે મદદરૂપ થઇ શકાય. એણે આજુબાજુના દુકાનદારોને મળીને મુસીબતમાં મુકાયેલ  પાડોશી  દુકાનદારને મદદરૂપ થવા સમજાવતા  દરેક દુકાનદારે એમને ત્યાં આવતા ગ્રાહકોના સ્વાગત માટે પેલા મીઠા પીણાનાં દુકાનદારને ત્યાંથી પીણાં મંગાવી એમની દુકાનનાં ગ્રાહકોનું સ્વાગત કરવાનું નક્કી કર્યું.  એમના આ  સામુહિક નિર્ણયનો અમલ થતાં એમનાં ગ્રાહકો પણ રાજી થયા  અને મુસીબતમાં મુકાયેલ દુકાનદારને પણ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધો. સામાન્ય લાગતી આ વાત થોડામાં ઘણું કહી જાય છે.  આ જ પ્રમાણે  મુશ્કેલીમાં મુકાયેલ માણસને અન્ય માણસો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરતાં થાય તો ભાઇચારાની લાગણીને પણ બળ મળે જે અંતે સુદ્રઢ સમાજના નિર્માણમાં મદદરૂપ થઇ શકે. 
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top