Business

ફૂટબોલમાં મેદાન પર ફસડાઇ પડેલા પાંચ ફૂટબોલર ક્રિસ્ટીયન એરિક્સન જેટલા નસીબદાર નહોતા

યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 દરમિયાન ડેન્માર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન ડેનમાર્કનો મિડ ફિલ્ડર ક્રિસ્ટીયન એરિક્સન મેદાન પર અચાનક ફસડાઇ પડ્યો હતો અને લગભગ એકાદ કલાક સુધી આખુ ફૂટબોલ જગત અદ્ધર શ્વાસે થયું હતું. એરિક્સન મેદાન પર જ અચેત હાલતમાં પડ્યો હતો અને અને તબીબો તેને સીપીઆર આપી રહ્યા હતા, ડેન્માર્કના ખેલાડીઓ તેને કેમેરાની નજરથી કવર કરીને ઊભા રહ્યા હતા, લગભગ 10 મિનીટ સુધી ડોકટરોએ સતત સીપીઆર આપવા સહિતની સારવાર કરીને આખરે એરિક્સનને સ્ટ્રેચર પર મેદાન બહાર લઇ જઇને પછી હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. બેભાનાવસ્થામાં હોસ્પિટલમાં દાખલ થયેલો એરિક્સન જો કે નસીબદાર રહ્યો હતો અને તે બચી ગયો અને હાલ ઝડપથી રિકવર પણ થઇ રહ્યો છે. જો કે આ પહેલા ફૂટબોલના મેદાન પર આ રીતે ફસડાઇને પડેલા એક બે નહીં પણ પાંચ ફૂટબોલ ખેલાડીઓ એરિક્સન જેટલા નસીબદાર રહ્યા નહોતા અને તેઓ મોતને ભેટી ચુક્યા છે.

આ પાંચમાંથી પહેલો ખેલાડી છે કેમરૂનનો ફૂટબોલર માર્ક વિવિઅન ફો, કે જે માન્ચેસ્ટર સિટી વતી રમતો હતો. જૂન 2003માં જ્યારે એક ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં કેમરૂનની ટીમ ફ્રાન્સમાં કોલંબિયા સામે રમી રહી હતી ત્યારે એ મેચની 72મી મિનીટમાં ફો મેદાનના સેન્ટર સર્કલમાં અચાનક ફસડાઇ પડ્યો હતો અને મેદાન પર તેને ટ્રીટમેન્ટ અપાવા છતાં તેનામાં કોઇ સંકેત ન જણાતા તેને સ્ટ્રેચર પર મેદાન બહાર લઇ જવાયો હતો, અને સ્ટેડિયમના મેડિકલ સેન્ટરમાં તેને લવાયો તે સમયે પણ જો કે તે જીવતો હતો પણ ત્યાં પહોંચવાની થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યો હતો. તેની ઓટોપ્સીમાં એવું જણાયું હતું કે ફોને હૃદય સંબંધી તકલીફ થવાને કારણે તે મૃત્યુ પામ્યો હતો.

આ ઘટનાના થોડા સમય પછી ઓક્ટોબર 2004માં બ્રાઝિલનો એક ફૂટબોલ ક્રિસ્ટીયાનો સેપાસ્ટિઆનો ડે લિમા જૂનિયર ભારતમાં નેશનલ ફૂટબોલ લિગની સિઝન દરમિયાન અન્ય ખેલાડી સાથે ભટકાવાના કારણે મોતને ભેટ્યો હતો. ક્રિસ્ટીયાનો જૂનિયરે 2003માં ઇસ્ટ બંગાલની ટી સાથે કરાર કર્યો હતો, તેની સાથે એક આખી સિઝન પુરી કર્યા પછી આ બ્રાઝિલિયન ફૂટબોલર ગોવાની ડેમ્પો ક્લબ સાથે જોડાયો હતો અને ઓક્ટોબર 2004માં મોહન બગાન સામેની મેચમાં ગોલ કરવાના પ્રયાસમાં મોહન બગાનના ગોલકિપર સાથે જોશભેર ભટકાયો હતો અને તે પછી તે ઊભો જ થયો નહોતો, મેદાન પર કે સ્ટેડિયમમાં કોઇ ડોક્ટર નહોતો અને તેના કારણે માત્ર 25 વર્ષની વયે ક્રિસ્ટીયન જૂનિયર દુનિયા છોડી ગયો.

ઓગસ્ટ 2007માં ફરી એકવાર આવી ઘટના બની. સેવિલા અને સ્પેનનો ફૂટબોલર એન્ટોનીઓ પ્યુર્ટા પણ આ રીતે જ મેદાન પર ફસડાઇ પડ્યો હતો અને તે માત્ર 22 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો. એન્ટોનિઓ મેચ શરૂ થયાની 35મી મિનીટમાં જ મેદાન પર ફસડાયો હતો તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં ત્રણ દિવસ પછી શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા તેનું મોત થયું હતું, તે પણ કાર્ડિયાક એરેસ્ટને કારણે જ મેદાન પર ફસડાયો હતો. આ ઘટનાના લગભગ બે મહિનામાં જ ડિસેમ્બર 2007માં સ્કોટલેન્ડનો ફિલ ઓ ડોનેલ સ્થાનિક ક્લબ કક્ષાની એક મેચ દરમિયાન આ રીતે જ મેદાનમાં ફસડાઇ પડ્યા પછી મોતને ભેડ્યો હતો. સ્કોટલેન્ડ, સેલ્ટિક અને શેફિલ્ડ વતી રમતા 35 વર્ષિય મિડફિલ્ડર ફિલને સારવાર મળે તે પહેલા તે મોતને ભેટ્યો હતો.

આવરી કોસ્ટનો ચિક ટિઓટે નામક એક ઇન્ટરનેશનલ ખેલાડી પણ આ રીતે 2017માં મૃત્યુ પામ્યો હતો. આઇવરી કોસ્ટનો આ ખેલાડી ન્યુકાસ્ટલ યુનાઇટેડ ક્લબ વતી પણ રમ્યો હતો અને તે ચાઇનીઝ લીગમાં પણ રમી ચુક્યો હતો. 2017માં લીગ મેચ દરમિયાનની ટ્રેનિંગમાં તે અચાનક બેભાન થયો અને તેને હોસ્પિટલ લઇ તો જવાયો પણ તે બચી શક્યો નહોતો.

Most Popular

To Top