મચ્છરકો કભી કમજોર નહીં મત સમજના! ઘૃણા તો રાખવી જ નહીં. મચ્છરૂ એ માત્ર જીવ નથી, એક અનુભવ છે અને ફિલોસોફર છે અને મેનેજમેન્ટ ગુરુ પણ છે. આપણા ફરજંદ મોડી રાત સુધી ઘરમાં નહીં આવે, પણ મચ્છરા સાંજે સાત વાગે એટલે ગૃહપ્રવેશ કરવા માંડે, એ એમનું ટાઈમ મેનેજમેન્ટ છે. ખંતીલા તો એવા કે, ‘ડગલું ભર્યું ના હટવું ના હટવું’ જેવા! શિકાર ગમે તેટલો થાકેલો હોય કે પાકેલો હોય, મચ્છરને કોઈ સાડાબારી નહીં, લોહી ચૂસીને જ જંપે! એમના જેવો ખંત કેળવીએ તો, દુનિયાના કોઇ પણ લક્ષને વીંધવામાં ગ્રહણ નહીં નડે.
ચાઈનાનો જીનપિંગ પણ ‘જયશ્રી કૃષ્ણ’ બોલવા માંડે. માટે મચ્છર એ મચ્છરૂ નથી, આપણો ઉત્તમ ગુરુ છે! જોવાની વાત એ છે કે, મચ્છરને ખબર છે કે તેની હત્યાનો પ્રયાસ થવાનો જ છે. થશે, છતાં વીર યોદ્ધાની જેમ તૂટી પડે. આવું જોખમ ઉઠાવવામાં માહિર હોય, એને જ આત્મવિશ્વાસુ કહેવાય. વળી કરડે ત્યારે સંપૂર્ણ કરડે, અડધેથી મિશન છોડે નહીં. બકાસુર જેવા, લોહી પીધા મૂકે નહીં. પછી જ શાંતિ અનુભવે. જેને કામ પ્રત્યેની નિષ્ઠા કહેવાય. આનાથી શ્રેષ્ઠ ગુરુ કોણ? બોલ્લો, મચ્છરને ગુરુ બનાવાય કે નહિ? પણ માણસ એટલે માણસ! તરંગી માણસ! તરંગ નહીં દોડાવે ત્યાં સુધી રંગ જ નહીં પકડે! તરંગ પણ વળી કેવા? બેનમૂન!
હાથીને ખોળે બેસાડી રમાડવો છે. કીડીને ઝાંઝર પહેરાવી છમ્મક.. છમ્મક ચલાવવી છે. ઊભા-ઊભા જીરાફને ગળે વળગવું છે અને પેટ છૂટી વાત કરીએ તો, મચ્છરને હથેળીમાં સુવડાવી તેને માલિશ કરવું છે. મતલબ કે, આઝાદી મળ્યા પછી, બેફામ આઝાદી ભોગવવામાં રતિભાર પણ કસર છોડવી નહીં! ઘણાને લાગશે કે, આજે રમેશિયાને મચ્છરના પાયે બેઠી કે શું? હસાવવા માટે છેક મચ્છરના ખાનદાન સુધી ઊતરી આવ્યા? ત્યારે મુદ્દાની વાત કરું તો, મચ્છરને રક્તદાનનો ભંડારો કરીને ત્રાસી ગયો છું મામૂ! મચ્છરો ઊંઘવા જ નહીં દે તો બીજું કરું પણ શું? મચ્છર સાથે મારામારી પણ કેટલી કરું? એટલે લખવાના રવાડે ચઢી ગયો, ને હસાવવાનો ‘હાઈ-વે’ મળી ગયો.
એના કપાળમાં કાંદા ફોડું, મચ્છર ઉપર આ મારો ૩૨ મો લેખ હશે. આટલા પ્રેમપત્રો તો વાઈફને પણ લખ્યા નથી બોસ! એના કરતાં વધારે અક્ષરદાન મચ્છર માટે કર્યું હશે. એ ઉપરથી વિચાર કરો કે, મચ્છરાઓએ મારા ઉપર કેટલા હુમલા કર્યા હશે? કેટલું લોહી પીધું હશે? મારું લોહી પીવાના એટલા ચાખેલ બની ગયેલા કે, તાણીને ઊંઘ ખેંચતા હોય ત્યારે જ ગેરીલા હુમલા કરે. ‘કરાટેની તાલીમ લઈને ‘બ્લેક-બેલ્ટ’ ધારણ કરેલો હોય એમ કઈડીને ‘જાદુગર સમ્રાટ’ની માફક ગાયબ પણ થઈ જાય. હરામ બરાબર જો હાથમાં આવે તો! પોતાનું અસ્તિત્વ ટકાવવા યાર.. આપણું લોહી પીવાનું? શીખવાનું એ મળ્યું કે, ‘જેને પોતાનું લોહી બનાવતાં આવડતું નથી, એ આતંકવાદી કરતાં પણ ખતરનાક હોય છે.’
શું કહો છો ચમનિયા? એમાં રડતા હોય ને પીયરિયાં મળી ગયાં ને ભાગતા ભૂતની ચોટલી હાથમાં આવી ગઈ હોય એમ, મારા હાથમાં મચ્છરનું એક પુસ્તક આવી ગયું. મને ખબર છે કે, મચ્છરો એ મારા ફાધરની જાગીર નથી, એટલે બળતરા તો નહીં થઇ પણ એમાંનો એક લેખ વાંચ્યા પછી, મચ્છરનો માઈક્રો આત્મા મારામાં પ્રવેશ પામ્યો. ખૂબ ચગેલો પેલો ફિલ્મી ડાયલોગ ભેજામાં ઘૂમરાવા લાગ્યો કે, ‘એક મચ્છર સાલા આદમીકો (ખાલી જગ્યા) બના દેતા હૈ!’(આ ખાલી જગ્યામાં તમારે જે સમજવું હોય તે સમજવાની છૂટ છે!) તમે મારી કદર કરો કે નહીં કરો, પણ મચ્છર સાથે ભાઈબંધી કરવામાં મેલેરિયાને બદલે, હું હસાયરાને
રવાડે ચઢી ગયો! એને આડ-અસર માનવાની ભૂલ રખે કરતા! એક વાત છે, દરેક મચ્છરો એકસરખાં હોતાં નથી. કેટલાંક શાકાહારી તો કેટલાંક જૈન પ્રકૃતિના પણ હોય. જે પીડા નહીં આપે, પણ કોઈની પીડા જોઇને પોતાનું હૃદય નીચોવી કાઢે! કેટલાંક તો ભારે ખૂંખાર! કોઈ પણ લશ્કરી તાલીમ લીધી નહીં હોવા છતાં, આતંકવાદી કરતાં પણ ઝનૂની! અંધારામાં પણ શિકાર શોધીને, ચોક્કસ જગ્યાએ જ હુમલો કરે. અમુક તો વામકુક્ષી કરનારને પણ નહીં છોડે. સાલા બપોરિયાં બગાડે! પછી જેવા જેવા મચ્છર અને જેવા એના નસીબ! લોહી ચૂસી ગયો તો ઠીક, ને રંગે હાથ ઝડપાય ગયો તો, માણસ મસેળી પણ નાંખે. એવો મસેળે કે, ચુસેલું લોહી પણ ઓકાવી દે!
માણસ છે ભાઈ! મચ્છર જેટલો પણ ભરોસો નહીં થાય! મારે એવું જ થયું મામૂ! મચ્છરની આત્મકથા વાંચતો હતો ને, એક મચ્છર એની ગર્લફ્રેન્ડ સાથે આવીને, મારી તર્જનીની ટોચ ઉપર બેસી ગયા. (મને ખબર જ હતી કે તમે પૂછવાના જ છે કે, ‘તમને કેમ ખબર પડી કે એ મચ્છરની ગર્લફ્રેન્ડ હતી? અલ્યા પરણ્યા નહીં હોય પણ કોઈની જાનમાં તો ગયા હોય ને? એના નખરા એવા હતા!) મિજાજ જોતાં લાગ્યું કે, બંને ‘ડેઇટીંગ’ ઉપર નીકળ્યાં હતાં. જો કે, એ માટે મારી તર્જનીને રિસોર્ટ તરીકે પસંદ કરી, કરી એનો આનંદ પણ થયો પણ મને જોઇને, અચાનક મચ્છરીએ મચ્છરના કાનમાં કંઈ કાનાફૂસી કરી હોય એવું મને લાગ્યું. (મચ્છરની જાતમાં પણ સ્ત્રી હોંશિયાર હોય, એવું પહેલી વાર સમજાયું!) ભાષા તો સમજાય નહીં પણ કદાચ આવું જ કહ્યું હશે કે, ‘‘બેબી!
આ જગ્યા મને ડાઉટફૂલ લાગે છે. ચાલ ચાલી જઈએ, નહીં તો આપણી ઘોર અહીં જ ખોદાઈ જશે. જોડકું ગણગણ્યું ખરું, પણ કરડ્યું નહીં પણ મચ્છરી ડોકાં હલાવીને મારી ‘રેકી’ કરતી હોય એવું લાગ્યું. ચપટીમાં પકડીને મસળી નાંખવાની એક વાર તો ઈચ્છા પણ થઇ પણ ‘મચ્છરી’એ કાઢેલા ડોળા જોઇને એવો રાઉસ થઇ ગયો કે, મારી ઈચ્છા ત્યાં જ મરી પરવારી! મારા ભેજામાંથી એક દુહો સરી પડ્યો,
મચ્છરી કહે માનુસ કો, તું ક્યોં રોંદે મોહી
એક દિન ઐસા આયેગા મૈ રોંદેગી તોહી
મસળવાનું છોડી, હું સાવ જીવદયાપ્રેમી બની ગયો. વિચારોમાં પરિવર્તન આવી ગયું કે, જેમ બધા સાપો ઝેરી હોતા નથી એમ, આ બંને ત્રાસવાદી નથી, માત્ર મોજ કરવા જ આવ્યા છે. એટલે નક્કી કર્યું કે, ‘Let’s them enjoy!’ કર ભલા તો હોગા ભલા! બહુ ચિંતન કર્યા પછી, મનને મનાવી લીધું કે, મચ્છરો સાથે આપણી આદિકાળથી લોહીની સગાઇ છે. એમની નસોમાં આપણું લોહી છે. એ મરી જાય ત્યારે ભલે મુંડન નહીં કરાવીએ, પણ મર્યાદા તો રાખવી પડે. ખુદના સગા ભલે મોંઢું છુપાવે, મચ્છરો તો રોજિંદો વ્યવહાર રાખે. એની હત્યા કરીએ તો સ્વજન હત્યાનું પાપ લાગે! શું કહો છે ચમનિયા?
લાસ્ટ બોલ
ચમનચલ્લીનું ભેજું એટલે ગેસના ખાલી ચૂલા જેવું! મને કહે, ‘રમેશિયા ગઈ કાલે રાતે મેં મચ્છરોને ઉલ્લુ બનાવ્યા. મચ્છરદાની બાંધી ખરી, પણ એમાં હું સૂતો જ નહીં!
તારા કપાળમાં કાંદા ફોડું..!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.