તા. 5 ઓક્ટોબરની ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકની રવિવારીય પૂર્તિ અંતર્ગત ‘જીવનસરિતને તીરે’ કોલમમાં ખૂબ સરસ વાત થઈ જે જીવનમાં અપનાવવા જેવી ખરી. ‘ચાંદ મિલતા નહીં સબકો સંસાર મેં..! કહેવાય છે કે, ‘‘નસીબમાં હોય એનાથી વધુ અને સમયની પહેલાં કોઈને કશું પ્રાપ્ત થતું નથી.’’ સંતોષ એ શાંતિનું પ્રથમ સોપાન છે. પણ વધુ ને વધુ ભૌતિક સુખની પ્રાપ્તિની દોડમાં માનવી ઈમાનદારીને નેવે મૂકે છે! એંશી હજારના પગારદાર અધિકારી 3 લાખની લાંચ માંગતા ખંચકાતો નથી! વર્તમાન સમયમાં એંશી હજારનું વેતન (પગાર) ઓછો કહેવાય? પણ માનવીને સંતોષ નથી! પ્રામાણિકતાથી, શાંતિથી જીવન પસાર કરી શકાય છે. કોઈ બદનામીનો ડર તો નહીં!
અખબારી આલમ દ્વારા વારંવાર લાંચ લેતાં ઝડપાયાના સમાચાર જાણવા મળે જ છે. એ લોભની નિશાની નહીં, તો બીજું શું કહેવાય? મહત્ત્વાકાંક્ષા જીવનમાં હોવી જરૂરી તો છે જ, તો જ પ્રગતિ સાધી શકાય પણ એ પરિશ્રમ અને શુધ્ધ દાનતથી પાર પાડવી યોગ્ય ગણાય. અતિ મહત્ત્વાકાંક્ષી બનવા જતાં ક્યારેક આબરૂને કલંક ન લાગી જાય એ પણ મહત્ત્વની બાબત છે. પરિશ્રમ એ જ પારસમણી. અને હકનું અવશ્ય પામવું જોઈએ. કારકિર્દી જોખમાય એ સંપૂર્ણ અયોગ્ય ઘટના કહેવાય. અતિ લોભ એ પાપનું મૂળ છે, જે અસંતોષમાંથી પ્રગટે છે. જે મળ્યું છે એ જાણીએ. પ્રભુનો ઉપકાર માની શાંતિથી જીવન વ્યતીત કરીએ એ શાણા અને ઈમાનદાર માનવીની માનસિકતા અને દૃષ્ટિકોણ કહી શકાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.