શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલની કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝ પેકી અંડર ગ્રાઉન્ડ રૂટ એટલે કે કાપોદ્રાથી કાદરશાની નાળ સુધીના વિસ્તારમાં સોઇલ ટેસ્ટિંગની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. જયારે એલિવેટેડ રૂટ એટલે કે કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીમાં પણ સોઇલ ટેસ્ટિંગ થઇ રહ્યું છે. સાથે સાથે એલિવેટેડ રૂટ માટે પિલર પર મુકાનારા પાઇલની ટેસ્ટિંગ કામગીરી પણ ચાલી રહી છે. જે એકાદ માસમાં જ પુર્ણ થવાની હોય આગામી ઓકટોમ્બર માસથી પિલર નિર્માણની કામગીરી શરૂ થઈ જશે.
આશરે 12 હજાર કરોડના આ પ્રોજેકટના બન્ને રૂટ માટે આનુસાંગિક કાર્યવાહીઓ તો થઇ જ રહી છે. પરંતુ બાંધકામ માટેની કામગીરી હવે શરૂ થઇ રહી છે. સંભવત: આગામી આઠ-દસ દિવસમાં સરસાણા કન્વેશન સેન્ટર ખાતે મેટ્રો સ્ટેશનની કામગીરી પણ શરૂ થઇ જાય તેવી શકયતા છે. એલિવેટેડ રૂટ એટલે કે ડ્રીમ સિટીથી કાદરશાહની નાળના 11 કિલોમીટરનું કામ સદભાવ અને શિંગલા એમ જોઇન્ટ વેન્ચર એજન્સીને મળ્યું છે. તેણે સબ ઇજારદાર પટેલ ઇન્ફ્રા કંપની સાથે સહિયારી કામગીરી શરૂ કરી હોય પાઇલ ફાઉન્ડેશન નિર્માણની કામગીરી હાલમાં ચાલી રહી છે.
આ રૂટમાં આશરે 3 હજાર પાઇલની જરૂર પડશે તેથી એજન્સીઓ દ્વારા 700થી 800 કર્મચારીઓને તેમજ 10 જેટલા રિંગ મશીનોને કામે લગાડી દેવાયા છે. હાલમાં ભીમરાડ ખાતે ફાઉન્ડેશન નિમાર્ણ કરવામાં આવી રહ્યું છે. આગામી સપ્તાહ સુધી પાઇલ નિર્માણનું કામ પુર્ણ થતાં તેના લોડ ટેસ્ટનું કામ શરૂ કરાશે. પાઇલના લોડ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરી પિલર બનાવવાનું કામ ઓક્ટોબરથી શરૂ કરાશે.