સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારાથી (Saputara) શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં એક સ્થળે કેરીનો જથ્થો ભરેલી ટ્રક (Truck) ખીણમાં ખાબકી પલટી મારી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં ઝીંગાનો જથ્થો ભરેલું કન્ટેનર પલટી મારી જતા અકસ્માત (Accident) સર્જાયો હતો.
- શામગહાન પાસે કેરીનો જથ્થો ભરેલી ટ્રક ખીણમાં ખાબકી, જ્યારે ઝીંગાનો જથ્થો ભરેલું કન્ટેનર પલટી ગયું
- કેરીનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ જતા સ્થાનિકોએ લૂંટ ચલાવી
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ કર્ણાટકથી કેરીનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલી ટ્રક નં. કે.એ.40.એ.0887 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક બેકાબુ બની ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કેરીનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ જતા સ્થાનિકોએ કેરીની લૂંટ ચલાવી હતી. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજા પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં જ ઝીંગા ભરેલું કન્ટેનર પલટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આજરોજ આંધ્રપ્રદેશથી ખાદ્ય ઝીંગાનો જથ્થો ભરી ઓલપાડ તરફ જઈ રહેલું કન્ટેનર ન.એ.પી.16.ટી.એચ.2178 જે પણ સાપુતારા ઘાટમાર્ગમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનર સહીત ઝીંગાનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બન્ને બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વઘઈ રોડ નજીક સુરત-બગસરા-શિરડીની બસ 50 મુસાફરો સાથે પલટી મારી ગઈ હતી. જો કે આ આકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. તમામ મુસાફરો અને ડ્રાઈવર-કંડેક્ટરનો આબાદ બચાવ થયો હતો.
વાપી ઓવરબ્રિજ પર ટેમ્પો અડફેટે મોપેડ સવાર યુવતીનું મોત
વાપી : વાપી વૈશાલી ચારરસ્તા નજીક ઓવરબ્રિજ પર પૂરઝડપે પસાર થતાં ટેમ્પો ચાલકે એક મોપેડને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. જેમાં મોપેડ પર પાછળ બેઠેલી યુવતી નીચે પટકાતા તેના માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદા-નવસારીના ઉમરકૂઈ ગામની વિકીતા સુમન ભોયા (ઉવ.20) સારવણી ગામના સ્નેહલ સુરેશ પટેલ સાથે તેની મરજીથી છેલ્લા ત્રણેક માસથી વાપી ખાતે રહેતી હતી. શનિવારે સવારે 11 કલાકે સ્નેહલ અને વિકીતા મોપેડ નં. જીજે-21-એએન-7529 લઈને ચીખલીના રૂમલા ખાતે તેમના સબંધીના ઘરે ગયા હતા. સાંજે તેઓ મોપેડ પર નાનાપોંઢા થઈ વાપી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વાપીના વૈશાલી ચારરસ્તા નજીક ઓવરબ્રિજ પર મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર મોડીસાંજે કોઈ અજાણ્યા ટેમ્પો ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટેમ્પો હંકારી લાવી આગળ ચાલી રહેલા મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.
જેમાં મોપેડની પાછળની સીટ પર બેઠેલી વિકીતા સુમન ભોયા નીચે પટકાતા તેના માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ વિકીતાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે મોપેડ ચાલક સ્નેહલને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ટેમ્પો ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ વિકીતાના પિતા સુમનભાઈ ભોયાએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.