સુરત: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર 2024 સુધીમાં સુરત મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ જવાની વાતો કરવામાં આવી હતી. તેમજ સુરત મનપાના જે-તે સમયના પદાધિકારીઓ દ્વારા પણ એક સામાન્ય સભામાં જાહેરાત કરવામાં આવી હતી કે, ડિસેમ્બર 2024 સુધીમાં એક ફેઝ શરૂ થઈ જશે. પરંતુ ધીમી ગતિએ ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈ એક પણ ફેઝ ડિસેમ્બર સુધીમાં ચાલુ થઈ શકે તેવું જણાઈ રહ્યું નથી. જો કે હવે જુન 2025માં પ્રથમ ફેઝ શરૂ થશે તેમ જણાવાયું છે.
- સુરતમાં મેટ્રોની ગોકળગતિ, 2024માં પહેલો ફેઝ ચાલુ થવાની શક્યતા ધૂંધળી
- પહેલાં ફેઈઝનું 38 ટકા કામ અને બીજા ફેઇઝનું કામ પણ હજુ 60 ટકા બાકી
- જુન 2025માં સુરત મેટ્રોનો પ્રથમ ફેઝ શરૂ થવાની શક્યતા
સુરત શહેરમાં મેટ્રો ટ્રેનના બે કોરિડોર બની રહ્યા છે. બે કોરીડોરમાંથી એક કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં જનતા માટે ખુલ્લો મુકી દેવામાં આવે તેવી વાતો થઈ હતી. બે કોરિડોર પૈકી સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિમીનો રૂટ રહેશે, જેમાં 6.47 કિમીનો મેટ્રો કોરિડોર અંડર ગ્રાઉન્ડ રહેશે અને તેમાં કાપોદ્રાથી ચોક બજાર સુધી અંડર ગ્રાઉન્ડમાં 6 સ્ટેશન બનશે. સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે.
જ્યારે બીજો કોરિડોર ભેસાણથી સારોલી વચ્ચે રહેશે. આ કોરિડોર 16 કિલોમીટરનો રહેશે. સરોલીથી ભેસાણ કોરિડોર ટેક્સટાઈલ કોરિડોરના નામે ઓળખાશે. જુન 2025 સુધીમાં પ્રથમ ફેઝ શરૂ કરવાની તૈયારી મેટ્રોના અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવી છે.
મેટ્રોમાં આજદિન સુધીમાં કેટલી કામગીરી થઈ?
- સુરત મેટ્રો પ્રોજેક્ટમાં ફેઝ- 1 માં 62 ટકા કામગીરી થઈ
- સુરત મેટ્રો પ્રોજેક્ટમાં ફેઝ- 2 માં 40 ટકા કામગીરી થઈ
- સમગ્ર પ્રોજ્ેકેટમાં મળીને કુલ 55 ટકા કામગીરી થઈ
- ઓક્ટોબર માસમાં સોઈલ ફીલીંગની કામગીરી થઈ
- 113 પાઈલ્સ, 22 પાઈલ કેપ, 44 પાઈર, 25 મીટર ગાઈડ વોલ, 51 મીટર ડાયાગાર્ામ વોલ અને 1038 સ્કે.મીટર સ્લેબ અંડરગ્રાઉન્ડ સ્ટેશનના કન્સટ્રક્શન સાઈટ પર થયું
- ટનલમાં 87 રીંગ ઈન્સ્ટોલ કરાઈ
- 203 બોક્સ ગર્ડર સેગમેન્ટ મુકાયા
- 2 ટનલ સેગમેન્ટ અને 781 પારામેટ કાસ્ટીંગ યાર્ડમાં કાસ્ટ કરાયા
ભેંસાણથી સારોલી કોરિડોરમાં 18 મેટ્રો સ્ટેશન બનશે
ઉલ્લેખનીય છે કે, સરથાણાથી ડ્રીમ સિટી સુધી 20 મેટ્રો સ્ટેશન આવશે. ભેંસાણથી સારોલી કોરિડોરમાં 18 મેટ્રો સ્ટેશનો આવશે, જે કોરિડોર સંપૂર્ણ રીતે એલિવેટેડ હશે. મેટ્રો સ્ટેશનનું જંકશન સ્ટેશન મજૂરા ગેટ બનશે, જ્યાંથી બંને તરફની મેટ્રો બદલી કોઈપણ રૂટ ઉપર જઈ શકાશે. સુરત શહેરને મેટ્રો ટ્રેનની ભેટ મળવા માટે જઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે. હાલ બીઆરટીએસ, સિટી બસની સુવિધા સાથે આગામી દિવસોમાં મેટ્રોથી શહેરીજનોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે.