સોમપુરા ખાતે દોઢ કિ.મીનો રસ્તો ધોવાયો
ડભોઇ: ભારે વરસાદમાં બુજેઠા-કરનાળી કોતરના પાણી ફરી વળ્યાં હતાં. જેને લઈ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જે પાણીના નિકાલની વ્યવસ્થા ના હોય પાણીએ ભારે તારાજી સર્જી છે.
આઝાદી બાદ પહેલીવાર સોમપુરા અને બસ સ્ટેન્ડન જોડતો ૧.૫ કિલોમીટરનો રસ્તો એપ્રિલ – મે મહિના અગાઉ બનાવાયો હતો . પહેલા જ વરસાદમાં બુજેઠા કરનાળી કોતરોનાં પાણી ફરી વળતાં આ રોડને વ્યાપક નુકશાન થયું છે. રસ્તાના ધોવાણ અને
નુકસાનીનો સર્વે કરવા હજુ સુધી એક પણ લાગતા વળગતા તંત્રનો અધિકારી કે કર્મચારી દેખાયા નથી. જેને લઇને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સોમપુરાથી તિકલવાડા હાઇવે સુધી બસ સ્ટેન્ડને જોડતો ૧.૫ કિલોમીટરનો રસ્તો રૂ.1.45 કરોડના ખર્ચે બનાવાયો હતો.
કરનાળી તરફ્થી કોતરોનાં પાણી સોમપુરા માર્ગ પર ફરી વળતાં ખેડૂતોને પણ નુકશાન થયું છે. કહે છે કે લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યાં છે. ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે. ત્યારે નવા રોડ રસ્તાના કામો, બ્રિજ ના થતા બાંધકામની ગાંધીનગરથી સીધી તપાસ થાય તો જ કામગીરીની ગુણવત્તા જળવાઈ તેમ
છે. અધિકારીઓને આ દેખાતું નથી. તેમ ગામ લોકો રોષ ઠાલવી આ રહ્યાં છે . કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં કરોડો રૂપિયા ડૂબે છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. સરકાર પ્રજાલક્ષી કામગીરી માટે અઢળક ગ્રાંટ આપે છે પણ સ્થાનિક અધિકારીઓની નિષ્કાળજીને લઈ લોકોના ટેક્ષના નાણાં પાણીમા ધોવાઈ ગયા છે . સરકાર વિજીલેન્સ તપાસ કરે તો કૌભાંડના મોટા માથાની સંડોવણી બહાર આવે એવી શકયતા નકારી શકાય એમ નથી.