સૈન્યની જમીનનો સૌ પ્રથમ ડિજિટલ સર્વે

કક્ષા મંત્રાલય અંતર્ગત આવેલી જમીનનું હાલમાં ડિજિટલ સર્વેનું કાર્ય પૂર્ણ થયું. દેશભરમાં થયેલાં આ સર્વેમાં 17.78 લાખ એકર જમીન આવરી લેવામાં આવી. આઝાદી પછી આવું પ્રથમ વખત બન્યું છે કે રક્ષા મંત્રાલયના હસ્તકની જમીનનો સર્વે કરવામાં આવ્યો હોય. આ મહાકાય કાર્ય ત્રણ વર્ષ સુધી ચાલ્યું અને તેમાં હજારો કર્મચારીઓ ડ્રોન, ઉપગ્રહ અને 3D મૉડલિંગનો ઉપયોગ થયો છે. ડિફેન્સ એસ્ટેટ્સ ઑફિસના રેકોર્ડ મુજબ રક્ષા મંત્રાલય દેશની સૌથી મોટી જમીન માલિકી ધરાવે છે.17.78 લાખ એકરમાં પ્રસરેલી આ જમીનમાં 62 કન્ટોનમેન્ટ એટલે કે છાવણીઓ આવેલી છે, જેનો વિસ્તાર 1.61 લાખ એકર અંદાજવામાં આવ્યો છે. જ્યારે બાકીની 16.38 લાખ એકર જમીન કેન્ટોનમેન્ટ વિસ્તારની બહાર છે.

રક્ષા મંત્રાલયનો આ પ્રોજેક્ટ ત્રણ વર્ષથી કાર્યરત હતો, તેમાં દેશભરની ડિફેન્સની જમીનનો તાગ મેળવીને તેને ડિજિટાઇલઝ કરવાની હતી. કાર્ય સરળ નહોતું, પણ દેશનું ડિફેન્સ ચુસ્ત છે અને તેમાં આરંભકાળથી શિસ્ત જળવાઈ છે એટલે તે પાર પાડી શકાયું. 62 કન્ટોનમેન્ટ પાંચ અલગ-અલગ ક્ષેત્રના કમાન્ડ હેઠળ આવે છે, તેમાં સૌથી વધુ કન્ટોનમેન્ટ સેન્ટ્રલમાં આવે છે. તે પછી સાઉથર્ન કમાન્ડમાં વધુ કન્ટોન્ટમેટ છે, જેમાં ગુજરાતનું એક માત્ર અમદાવાદ કમાન્ડ પણ આવે છે. વેસ્ટર્ન કમાન્ડમાં ઉત્તર-પશ્ચિમી સ્થળ છે, જ્યારે ઇસ્ટર્ન કમાન્ડમાં માત્ર ચાર કન્ટોનમેન્ટ છે અને નોર્ધન કમાન્ડમાં એક છે. દેશના વિવિધ રાજ્યોમાં આ રીતે ડિફેન્સનું નેટવર્ક પ્રસરેલું છે. આમાંના મહદંશે કન્ટોનમેન્ટ અંગ્રેજ કાળમાં સ્થપાયેલા છે અને તેથી પણ તે સ્થળો રણનીતિની દૃષ્ટિએ અગત્યના છે. તેમાં સૌપ્રથમ કન્ટોનમેન્ટની સ્થાપના 1765 બૈરકપુરમાં (કલકત્તાથી 35 કિ.મી.ના અંતરે) થઈ હતી, બીજી કન્ટોનમેન્ટની સ્થાપના એ જ વર્ષે પટનાના દાનાપુરમાં થઈ હતી. આમ આ દરેક કન્ટોનમેન્ટનો ઇતિહાસ 250થી 300 વર્ષ જૂનો છે. આ કન્ટોનમેન્ટની જમીનોનો અંદાજ કાઢવો તો સરળ હતો પરંતુ તેના બહારની જમીનનું કાર્ય મુશ્કેલ હતું, જે હવે પાર પડી ચૂક્યું છે. બહારની જમીનમાં ફાયરીંગ રેંજ, પરીક્ષણ સ્થળ અને અન્ય ઉદ્દેશની જમીનોે પણ સામેલ છે.

62 કન્ટોનમેન્ટ સિવાય પૂરા દેશભરમાં ડિફેન્સની જમીનના 4900 ક્ષેત્ર છે, જેની માપણી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે તેમાં કેટલાંક ક્ષેત્ર અતિદુર્ગમ વિસ્તારમાં આવેલાં છે. આ અગાઉ ડિફેન્સની જમીનના સરવે મેન્યૂઅલી થતાં હતાં, પણ પછીથી અવારનવાર ડિફેન્સની જમીન પર થઈ રહેલા દબાણથી તેની સરવે વધુ ચોક્કસ રીતે થવી જોઈએ તેવી ડિમાન્ડ થતી ગઈ. 2018માં નિર્મલા સિતારામન રક્ષા મંત્રી હતાં ત્યારે તેમણે ડિજિટલ સરવેના પ્રોજેક્ટને બહાલી આપી. નિર્મલા સિતારામને આ પ્રોજેક્ટ લૉન્ચ કરતી વેળાએ કહ્યું હતું કે, જે રીતે શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે તે પ્રમાણે ડિફેન્સની જમીન સુરક્ષિત કરવાની જરૂર છે. દેશની સુરક્ષા અર્થે આ જમીનનું આગવું મહત્ત્વ છે અને તેમાં વીસ લાખ જેટલાં સૈન્ય પરિવારો વસે છે. તેમણે એમ સુદ્ધાં કહ્યું હતું કે, ડિફેન્સની જમીન પર કોઈ દબાણ ન થાય તે માટે દેશની કોર્પોરેશનની ઓથોરિટીને પણ સૂચન કર્યું હતું. તત્કાલીન રક્ષા મંત્રીને આ બધું કહેવાની જરૂર એ માટે પણ વર્તાઈ કારણ કે અત્યાર સુધી ડિફેન્સની અનેક એકર જમીન પર દબાણ થઈ ચૂક્યું છે કાં તો તે અવાવરુ થઈ પડી છે.

ઉપરની વિગતથી થોડો ઘણો ખ્યાલ આવી શકે કે કેટલી મોટી જમીનનો સર્વે કરવાનો હતો. આ સર્વે મેન્યુઅલી થાય તો તેમાં વર્ષો નીકળી જાય પણ ટેક્નોલોજીના કારણે તે શક્ય બન્યું. તેમાં પણ મોડર્ન સર્વે ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જેમાં એક છે ‘ઇલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન’ ઇન્સ્ટ્રુમેન્ટ. સામાન્ય રીતે સર્વે અને બીલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. તેની મદદથી અંતરનું માપ ઊંચાઈ અને પહોળાઈ દ્વારા લઈ શકાય છે. આ સિવાય ‘ડિફરેન્શિયલ GPS’નો પણ લોકેશન એક્યુરસી માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થળ નિશ્ચિત કરીને તેનું ચોક્કસ અંતર આ દ્વારા મેળવી શકાય છે.

આ પૂરી પ્રક્રિયામાં ડ્રોન ઇમેજરી બેઝ્ડ સર્વેએ સૌથી અગત્યનો ભાગ ભજવ્યો. રાજસ્થાનમાં જ્યાં ડિફેન્સની લાખો એકર જમીન આવેલી છે ત્યાં તો ડ્રોન ઇમેજરી થકી જ સર્વે શક્ય થઈ શક્યો છે. આ પૂરી ટેક્નોલોજી કામ કેવી રીતે કરે છે તે પણ રસપ્રદ છે. જેમ કે, ડ્રોનમાં કેમેરા ફીટ કરવામાં આવેલા હોય છે, તેના દ્વારા વિવિધ એન્ગલ્સથી તસવીર ખેંચાય છે અને તે દરેક તસ્વીર એકબીજા સાથે જોડાઈને એક મોટું ચિત્ર ઊભું થાય તે માટે ઓટોમેટ ટેગીંગ થાય છે. આ રીતે પૂરા વિસ્તારનું ચિત્ર તેના થકી ઉપસે છે અને સાથે સાથે તેનો માપ આધારિત સર્વે જનરેટ થાય છે. આ રીતે સર્વેમાં પર્વતીય વિસ્તાર અને જમીનના ઢોળાવવાળા વિસ્તારનો પણ અંદાજ મળે છે. આ માપણી કરવામાં દેશના વિભિન્ન વિસ્તાર હતા, જેની ખાસિયત વેગવેગળી હતી તેથી તેની માપણીનાં સાધનો પણ અલગ-અલગ હતાં. જેમ કે, રાજસ્થાનમાં મહદંશે ડ્રોન ઇમેજરી દ્વારા સર્વે સૌથી ઉપયોગી રહ્યો. એ જ રીતે જ્યારે પર્વતીય વિસ્તારની વાત આવી ત્યારે તેમાં 3D મોડલિંગ ટેકનિક વધુ કામમાં આવી. આ સિવાય ડિફેન્સની જમીન પર દબાણ થયું છે કે કેમ તે જાણવા માટે ‘સેટેલાઇટ ઇમેજ ટાઇમ સીરિઝ’ સિસ્ટમનો ઉપયોગ થયો છે. આ સિસ્ટમ દ્વારા તુરંત જ ખ્યાલ આવી જાય કે જમીન પર શું શું બદલાવ આવ્યો છે.

આ પૂરી કવાયત કરવાનું સરકારનું એક કારણ એ પણ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે ડિફેન્સની જમીન લેવા અર્થે સરકાર નવી નીતિ ઘડવા માંગે છે. હાલમાં જે એક્ટ છે તે મુજબ ડિફેન્સની જમીન લેવી સરકાર માટે મુશ્કેલ છે, પણ તે સરળ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તે માટે ડિફેન્સ પાસે ક્યાં અને કેટલી જમીન છે તેનો અંદાજ પણ મેળવવાનો હતો. અત્યારે કન્ટોન્ટમેન્ટ બિલ, 2020 પર કામ થઈ રહ્યું છે જે અંતર્ગત કેટલાંક કન્ટોનમેન્ટ ઝોનમાં પણ નવા પ્રોજેક્ટ લાગુ કરવામાં સરળતા રહેશે. આ ઝોનમાં રોડ,રેલવે,મેટ્રો અને ફ્લાય ઓવરની જોગવાઈ છે. આ માટે ડિફેન્સને માર્કેટ મુજબ જમીનનું વળતર પણ ચૂકવવામાં આવશે. કન્ટોનમેન્ટ વિસ્તારના વિકાસ વિશે સૈન્ય અધિકારીઓનો મત પણ હકારાત્મક છે. તેમનું માનવું છે કે આવાં અનેક પ્રોજેક્ટ વર્ષોથી વિલંબમાં છે. આમાંથી મહદંશે પ્રોજેક્ટ પ્રજાના હિતમાં છે અને નવી નીતિ મુજબ તો સૈન્ય-પ્રજા બંનેને તેનાંથી લાભ થશે.

જમીનનો સર્વે યોગ્ય રીતે થવો કેમ જરૂરી છે તે વિશે પૂર્વ સૈન્ય અધિકારી એક કિસ્સો ટાંકે છે. તેઓ કહે છે કે, “ડિફેન્સ એસ્ટેટ દ્વારા દિલ્હીના નોર્થ કેમ્પસની જમીન મેટ્રો માટે નજીવા દરે ફાળવવામાં આવી. મેટ્રોના બદલાયેલા પ્લાન મુજબ પછીથી તે જમીન મેટ્રો માટે ઉપયોગમાં લેવામાં ન આવી અને પછીથી તેને એક ખાનગી કંપનીને ખૂબ ઊંચા ભાવે વેચી દેવામાં આવી.” આ રીતે પૂરા દેશભરમાં અનેક ડિફેન્સની જમીનના કિસ્સા બન્યા છે જ્યાં ખાનગી કંપની કે લોકોએ તેનો લાભ ઉઠાવ્યો હોય. આ માપણીને લઈને સૌથી અગત્યની બાબત એ છે કે તેની કોઈ પણ માહિતી શૅર કરવામાં આવી નથી. માહિતી શૅર ન કરવાનું કારણ સુરક્ષા દર્શાવવામાં આવ્યું છે. ડિફેન્સની આ જમીનની વિગતમાં સૌથી મોટો હિસ્સો થલસેનાનો છે. તે પછી સૌથી વધુ જમીન એરફોર્સ પાસે છે.નેવી પાસે ખૂબ નાનો હિસ્સો છે,તે સિવાય પણ અન્ય નાની-મોટી સંસ્થાઓ ડિફેન્સની છે જેમની પાસે સારી એવી જમીન છે. સરકારી ક્ષેત્રની દરેક સૂક્ષ્મ બાબતો આ રીતે કાગળ પર આવવી જોઈએ અને શક્ય હોય ત્યાં એ જાહેર પણ થવી જોઈએ.

Most Popular

To Top