સુરત: શહેરમાં એક બાદ એક મોટી દુર્ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે તા. 10 જુલાઈની સવારે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી હતી, જેના લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે નજીકની રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવૂડના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. લાકડાના કારખાનામાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ હતી. આગે કારખાનાના પહેલા માળે આવેલા લૂમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતા જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી જઈ આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું છે. આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ છે.
વધુમાં મળતી માહિતી અનુસાર ઉધનામાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવૂડ બનાવવાનું કારખાનું છે જેમાં આગ લાગી હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના લુમ્સના કારખાના સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાયવૂડ બનાવવાનું કારખાનું હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી.
ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યાની આસપાસ આગનો કોલ મળ્યો હતો. પહેાં 3 ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી. જોકે આગ ભીષણ હોય અન્ય 6 જેટલા ફાયર સ્ટેશન પરથી લાશ્કરોને બોલાવાયા હતા.
પટેલે વધુમાં કહ્યું કે, પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે સૌ પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પ્લાયવુડના કારખાનામાં આગ લાગી હતી. જે ઝડપથી પહેલાં માળે આવેલા લુમ્સના કારખાના સુધી પહોંચી હતી. કોઈપણ વ્યક્તિ અંદર ફસાયો હોવાનું અત્યારસુધી જાણવા મળ્યું નથી. પાંચ અલગ અલગ ભાગીદારો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.