Comments

શિવશક્તિની આગ સરકાર અને સંસ્થાઓની સંવેદનાની પણ અગ્નિપરીક્ષા

સૂર્યપુત્રી તાપીને કિનારે વસેલ હુરતમાં કાંઈ એવું વરદાન લઈને વસે છે, કે એ પડીને પણ બમણા વેગથી બેઠું થાય છે. ભલે પછી એને શિવાજી એક કરતાં વધુ વખત લૂંટે. તાપીની રેલ કે આખા શહેરમાં ભયનો ઓથાર ઊતરી પડે એવો પ્લેગ એને ધમરોળે. એક સમયે જે ઉદ્યોગોની ઓળખ હોય એ ઉદ્યોગ માંદગીને બિછાને પડીને ડચકાં લેવા માંડે. આવો કોઈ પણ પડકાર આવે, ભલભલાની ધીરજની કસોટી લેવાઈ જાય, પણ એમાંથી એ વધુ મજબૂત બનીને બહાર આવે એનું નામ હુરત. રક્તબીજ કરીને એક રાક્ષસ હતો. એને વરદાન હતું કે એનાં લોહીનાં જેટલાં ટીપાં જમીન પર પડે એ દરેકમાંથી એક રક્તબીજ પેદા થાય. આથી તદ્દન ઉલટું વરદાન હુરતને છે. ગમે તેવા પડકારને ઝીલતાં હુરતીના લોહી-પસીનાનાં ટીપાં હુરતની ધરતી પર પડે. હુરતની સમૃદ્ધિ નવપલ્લવિત બનીને મહોરી ઊઠે. સાવ સૂકા ઝાડનાં ઠૂંઠાં જેવું થયેલું સુરત ફરી પાછું વસંતનાં વધામણાં કરતું થઈ જાય.

નાના મોટા વાવંટોળને તો એ ગાંઠે જ નહીં ને. આવા ખુમારીવાળા શહેરમાં ક્યારેક ક્યારેક એવા પણ બનાવો બનતા રહે કે જે આપણી સંવેદના અને શ્રદ્ધાને હચમચાવી દે. ક્યાંક આગ લાગે, ક્યાંક વહેલી સવારે સરસ્વતીની આરાધનામાં પ્રવૃત્ત થનાર ટ્યુશન ક્લાસે જનાર દીકરી પર દુષ્કર્મ થાય. કોઈ ફેક્ટરી ભયંકર આગમાં સપડાય. તો વળી પાછું સુરત એનો મૂળભૂત જુસ્સો અને ખુમારી પાછાં મેળવી લે. એટલે જ સ્તો સુરતીલાલાની એક અલગ ઓળખ છે. સુરત હવે મૂળ સુરત રહ્યું નથી. સુરતમાં મીની ગુજરાત નહીં પણ મીની ભારત વસે છે. એણે સૌને સમાવ્યાં છે એ એક વાત પણ જે કોઈ અહીંયા આવ્યાં એ પણ સુરતી સંસ્કૃતિમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયાં. એ બધાની જ સાચી ઓળખ, ‘હુરતી’ છે. થોડાંક વર્ષો પહેલાં સુરત ફ્લાય ઑવરનું શહેર કહેવાતું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એ ઉજવણીનું શહેર બન્યું છે. એની સંસ્થાઓનો એક જમાનો હતો. આજે લગભગ બધું જ રાજ્યાશ્રિત હોય તે રીતે ચાલે છે.

હમણાં શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટમાં આગ લાગી. જિંદગીને હળવાશથી લેવાવાળો જીવ એટલે હુરતી. શિવશક્તિ ટેક્ષ્ટાઇલ માર્કેટમાં બધું નિયમ મુજબનું હશે એવું કહેવાનો કોઈ ઇરાદો નથી. મોટા મોટા સરકારી અધિકારીઓ પણ એકાદ ટર્મ સુરત મળી જાય એની ખેવના કરતા હોય. હુરતી મૂળ ‘પતાવટ’વાળો જીવ છે, ઝઘડો નહીં પણ સમાધાન. આ એનો જીવનમંત્ર છે અને મોટા ભાગે સુરતના અધિકારીઓ પણ સહકારિતાને અપનાવીને જનસેવા એ જ પ્રભુસેવા (પ્રસાદ જે મળે તે)માં લાગી જતા હોય છે એટલે અત્યારે શિવશક્તિ માર્કેટમાં કોની બેદરકારીથી, કઈ સવલતો નહોતી એની ચિંતા કરવાનું ઉચિત માનતો નથી કારણ કે, બાત નિકલેગી તો ફિર બહોત દૂર તક જાયેગી. સુરતનાં લોકસેવકો પણ વિશિષ્ટ છે.

ભારતીય જનતા પક્ષના કેન્દ્રીય મંત્રી-કમ-પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈનું આ સુરત. ગૃહમંત્રી હર્ષભાઈનું આ સુરત છે. વગર ચૂંટણી લડ્યે મેમ્બર ઑફ પાર્લામેન્ટ બનીને સુરતમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર મુકેશ દલાલનું આ સુરત છે. આ સુરતમાં એક ધીરુભાઈ ગજેરા પણ વસે છે. કોર્પોરેટરથી કારકિર્દી શરૂ કરનાર ધીરુભાઈ ૧૯૯૦માં વિધાનસભામાં ચૂંટાયા. અમે સાથી સભ્યો રહ્યા છીએ. તે વખતે ભાજપ ઉપર કૉંગ્રેસનું આક્રમણ નહોતું થયું એટલે બધો પહેલી ધારનો ચોખ્ખો માલ હતો. આ ધીરુભાઈ થોડાક અશાંત જીવ ખરા પણ હજુય જનહિતમાં એમની આંતરડી કકળે.

શિવશક્તિ માર્કેટની આગને કારણે ધીરુભાઈના મત મુજબ લગભગ ૮૦૦ કુટુંબ અનિશ્ચિતતાના અંધારપટમાં ધકેલાઈ ગયાં છે. હજુ ગઈ કાલ સુધી જે કરોડપતિ હતાં તે રોડપતિ થઈ ગયાં છે. ધીરુભાઈએ અપીલ કરી છે કે, આવી દુર્ઘટના ઘટી છે ત્યારે ઉત્સવપ્રિય સંસ્થાઓ અને એથીયે સવાયું ઉત્સવપ્રિય સરકારી તંત્ર ઉત્સવો ઉજવવાનું બંધ કરી એ કરોડો રૂપિયા શિવશક્તિનાં અસરગ્રસ્તોને બેઠા કરવામાં વાપરે. સરકારી ઉત્સવ-તાયફાઓ બંધ કરી આ ખર્ચને શિવશક્તિ માર્કેટનાં પીડિત પરિવારોની મદદ માટે વાપરો. આ પરિવારોનું જે કંઈ હતું તે બધું ભસ્મીભૂત થઈ ગયું છે. આ પરિવાર નોંધારાં બની ગયાં છે. આ પરિવારોને ઊભાં કરવા માટે સરકારે એને મદદરૂપ થવું જોઈએ. રાજકોટમાં અગ્નિતાંડવ થયું ત્યારે ફાયર સેફ્ટીનાં કડક પગલાં લેવાયાં. એ માટે વ્યાપાર-ધંધા બંધ રાખી સુરતમાં તો એક અભિયાન ચલાવાયું હતું. આ અધિકારીઓ જેમણે ફાયર સેફ્ટીનાં સર્ટિફિકેટો આપ્યાં તેમને સદોષ માનવવધના અધિકારી કેમ ન ગણવા જોઈએ.

કવિ કલાપીની એક રચના છેઃ ‘ગ્રામમાતા.’ રાજાના વિચારોમાં અને મનમાં પાપ પેઠું. એમાં શેરડીમાંથી રસ સૂકાઈ ગયો. એ કથાવસ્તુને અંતે ખેડૂત વૃદ્ધા એટલે કે ગ્રામમાતા ધ્રૂસકે ધ્રૂસકે રડતાં પ્રશ્ન કરે છેઃ ‘રસહીન થઈ છે ધરા કે પછી દયાહીન નયો નૃપ? નહીં તો આવું ના બને, કહી માતા ફરી રડી.’ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની આ તક છે, ચંદ્રકાંતભાઈ, હર્ષભાઈ, મુકેશભાઈ – આપ આજના નૃપ છો, માનવી પણ છો. ધીરુભાઈની માફક તમારી આંતરડી કકળે છે ખરી? એક જમાનામાં વીજકાપ હોય ત્યારે સચિવાલયમાં એરકન્ડિશનર બંધ કરી દેવાતાં. સરકારની સંવેદનાનું એ પ્રતીક હતું, માટે. સુરતે તો રાજાને ઓળઘોળ થઈને બધું આપ્યું. રસ્તામાં આંખોની પાંપણો બિછાવીને વધાવ્યાં છે. ધીરુભાઈ ૮૦૦ અસરકારક પરિવારો ગણે છે, પણ આ બધાંનાં સબટાયરો હશે, એમની પાસેથી માલ લેનારાં હશે, એમને માલ વેચનારાં હશે, એમને નાણાં ધીરનારાં હશે, કેમ પહોંચી વળાશે આ બધાંને?

ટોકનિઝમ નહીં ચાલે. ખૂબ મોટો પ્રયાસ જરૂરી બનશે. આ પ્રસંગ છે, રાજ અને રાજાની સંવેદનાની અનુભૂતિ કરાવવાનો. માણસાઈનો તકાજો છે માણસ તરીકે વર્તવાનો. શું આવતા ત્રણ મહિના માટે સુરત કોઈ પણ પ્રકારની સરકારી અથવા સરકારપ્રેરિત કે પછી સંસ્થાઓપ્રેરિત ઉત્સવો ઉપર પ્રતિબંધ નહીં મૂકે? એના પૈસા એક બાજુ મૂકી એમાંથી શિવ અને શક્તિનું સાયુજ્ય ફરી સધાય એ માણસાઈના દીવાની વાટ સંકોરવાની વાત કરી શકાશે?.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top