મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની 2011 વર્લ્ડ કપ જીતના હીરો યુવરાજ સિંહને કોઈ દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહેલા યુવરાજે બેટ અને બોલ બંને વડે ભારતીય ટીમના વર્લ્ડ કપ અભિયાનને આગળ વધારવામાં મોટો ફાળો આપ્યો હતો. એક તરફ જ્યાં યુવરાજ સિંહ વર્લ્ડકપ જીતવા માટે ગ્રાઉન્ડ પર ભરપૂર જોર લગાવી રહ્યો હતો ત્યારે તેનું શરીર એક અલગ જ યુદ્ધ લડી રહ્યું હતું.
વર્લ્ડકપની જીત બાદ ખબર પડી કે યુવરાજ જે રીતે ક્રિકેટના મેદાન પર અન્ય દેશોને હરાવવામાં ભારતનો હીરો હતો તેવી જ રીતે તેણે વાસ્તવિક જીવનમાં પણ કેન્સરને હરાવ્યું હતું. દેશભરના ક્રિકેટ પ્રેમીઓ યુવરાજની લાઈફ સ્ટોરીને સિનેમાના પડદા પર જોવા આતુર છે.
હવે આવા લોકો અને યુવરાજના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. યુવરાજ સિંહના જીવન પર બોલિવૂડમાં બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે. યુવરાજના જીવન પર બનેલી બાયોપિકની જાહેરાત મોટી પ્રોડક્શન કંપની ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે રવિ ભાગચંદકા સાથે મળીને કરી છે.
‘એનિમલ’, ‘કબીર સિંહ’ અને ‘તાનાજી’ જેવી ફિલ્મોના નિર્માતા ભૂષણે કહ્યું કે તે યુવરાજ પરની બાયોપિકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ભૂષણ કુમારે કહ્યું, યુવરાજ સિંહનું જીવન જુસ્સા, નિશ્ચય અને ઉત્સાહની આકર્ષક સ્ટોરી છે. આશાસ્પદ હીરો, ક્રિકેટિંગ હીરો અને પછી રિયલ લાઈફ હીરો બનવાની તેની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. હું એક એવી વાર્તા દર્શકો સમક્ષ રજૂ કરવા માટે રોમાંચિત છું જે મોટા પડદા પર જોવા અને સાંભળવા લાયક છે.
યુવરાજે બાયોપિક વિશે શું કહ્યું?
યુવરાજે તેની બાયોપિક વિશે કહ્યું, હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યો છું કે ભૂષણ જી અને રવિ દ્વારા વિશ્વભરના લાખો ચાહકોને મારી લાઈફની રિઅલ સ્ટોરી બતાવવામાં આવશે. દરેક ઉતાર-ચઢાવ દરમિયાન ક્રિકેટ મારો સૌથી મોટો પ્રેમ અને મારી શક્તિનો સ્ત્રોત રહ્યો છે. હું આશા રાખું છું કે આ ફિલ્મ લોકોને તેમના જીવનના પડકારોને પાર કરવા અને તેમના સપનાઓને અતૂટ જુસ્સા સાથે પૂર્ણ કરવા માટે પ્રેરણા આપશે.
તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહની બાયોપિકને કો-પ્રોડ્યુસ કરી રહેલા રવિ ભાગચંદકાએ ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પર ‘સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ’ બનાવી છે. હાલમાં તે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’માં કામ કરી રહ્યો છે. યુવરાજ સિંહની બાયોપિક તેનો બીજો પ્રોજેક્ટ હશે, જે એક ક્રિકેટરની વાર્તા લઈને આવશે.