સુરત: વરાછા ખાતે રહેતી અને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીને ફિલ્મોમાં કામ અપાવનાર યુવકે સસ્તામાં સોનું દુબઈથી લઈ આવવાનું કહીને 6 લાખ લીધા હતા. બાદમાં પૈસા નહી આપી અભિનેત્રીનો ફોન પણ નહી ઉપાડી ઠગાઈ કરી હતી. અંતે અભિનેત્રીએ ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- કાસ્ટીંગનું કામ કરતા યુવકે બહેનના લગ્ન માટે દુબઈથી સોનું લઈ આવવાનું કહી પૈસા લીધા હતા
- આરોપીએ અભિનેત્રીને અંધકાર અને ધ લોટરી ફિલ્મમાં કામ અપાવ્યુ હતુ
કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી પ્રમાણે વરાછા લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતી 27 વર્ષીય રીંકલ રાજુભાઇ લેઉવા ગુજરાતી ફિલ્મોમાં અભિનેત્રી છે. આજથી પાંચ વર્ષ પહેલા ઇન્ટાગ્રામ મારફતે તેનો પરીચય કાસ્ટીંગનું કામ કરતા અનંત ભરતકુમાર ફળદુ (રહેવાસી વુંદાવન પાર્ક સોસાયટી ઉત્રાણ જે મૂળ.જામનગર) સાથે થયો હતો. બાદમાં અનંતએ રિંકલને પોતાના આલ્બમાં કામ આપવાનુ કહી મિત્રતા કેળવી હતી. અને તેણીને અંધકાર અને ધ લોટરી જેવી ફિલ્મોમાં કામ પણ અપાવ્યું હતું. જેને કારણે તેણીનો આનંત ઉપર વિશ્વાસ હતો.
દરમિયાન વર્ષ 2024 માં રીંકલની બહેનના લગ્ન હતા. જે માટે તેને સોનાના દાગીના લેવા હતા. આ વાત તેને અનંતને કરી હતી. અનંતે જામનગરમાં તેમનું જ્વેલરીનું જ કામ છે. અને તે પોતે દુબઈથી સસ્તામાં સોનું લાવતો હોવાનું કહ્યું હતું. રીંકલે તેની પર વિશ્વાસ મુકીને 6 લાખ સોનું લાવવા માટે ઓનલાઈન ટ્રાન્સફર કરીને આપ્યા હતા. લાંબો સમય વિતી ગયા પછી અનંત ગોલ્ડ નહી લાવતા રીંકલે પુછવા ફોન કર્યો તો ઉપાડ્યો નહોતો. બાદમાં તેની સાથે ઠગાઈ થયાનું ખ્યાલ આવતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.