Charchapatra

સુરત વાહનોની ‘મૂરત’

શુક્રવાર 21 નવેમ્બરના પ્રવીણભાઈ પરમારના ચર્ચાપત્રે ખૂબ સાચી વિગત રજૂ કરી છે. વધતાં જતાં વાહનો સાથે અશિસ્તસભર વાહનવ્યવહાર સંકળાયેલો છે! સાંજના સમો વાહનવ્યવહાર મર્યાદા વટાવી જાય છે! ડાબે, જમણે, સામેથી, રોંગસાઈડ, ઓવર ટેક વિ. બધી જ દિશાઓમાંથી વાહનોનું આક્રમણ થાય છે! જેનાથી તમામ વાહનચાલકો વાકેફ હશે અને નારાજ પણ હશે જ, બહેનો પણ અતિશય ગતિથી વાહન હંકારે છે અને અકસ્માત કરે ત્યારે એમનો પક્ષ લેવા અન્ય વાહનચાલક ‘ભાઈઓ’ તૈયાર જ હોય, પછી ભલે એ બહેને વાહનવ્યવહારના નિયમનું પાલન ન કર્યું હોય!

કેમ, જાણે બહેનો સદા સાચા જ હોય? મોબાઈલ પર વાત કરતાં વાહન હાંકવું ‘સર્વસામાન્ય વાત થઇ ગઇ છે! જાણે બીઝી તો એ લોકો જ! કોઇ વાહનચાલક સિગ્નલને માન આપે, કોઇ ન પણ આપે! (ડાબી બાજુ વળીને ડાબી બાજુ ચાલ્યા જવાનું! કોણ રોકી શકે? પ્રત્યેક ઘરદીઠ, દરેક વ્યક્તિનું દ્વિચક્રિય વાહન જૂદું હોય ત્યાં આવી જ પરિસ્થિતિ ઉપસ્થિત થાય! અને અકસ્માતની પરંપરા જળવાઈ રહે છે એ અખબારો દ્વારા નિયમિત જાણવા મળે જ છે. આખું સુરત વાહનનો મેળાવડો હોય એવું સંધ્યા ટાણે લાગે છે. કોઇ પણ રોડ બાકાત નથી. પછી પ્રદૂષણ મામલે દિલ્હી જેવા હાલ ન થાય તો જ આશ્ચર્ય!
રાંદેર રોડ, સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

SIRની નબળી કામગીરી
સુરતની 16 પૈકી 10 વિધાનસભામાં નોંધણી અધિકારીઓની SIR અભિયાન હેઠળ ધીમી કામગીરી અંગે કલેકટરે સખ્ત કાર્યવાહી કરી છે જે જરૂરી છે. જે તે વિસ્તારનાં મતદારોને ફોર્મ ભરવા અંગેની પૂરતી માહિતી હોતી નથી. એ અંગે બુથ પર બેઠેલા અધિકારીઓ તરફથી જરૂરી માર્ગદર્શન અને સહકાર મળતો નથી. ફોર્મ પર A.B.C. અને E રીમાર્ક કરીને ફોર્મ ભરનારાં મતદારો પાસે જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ અને એસ.એસ.સી., એચ.એસ.સી.ની માર્કશીટ માંગવામાં આવે છે, જે અયોગ્ય અને બિનજરૂરી છે કારણ કે મતદારોનાં વિતરણ ફોર્મ યા મતદારનું નામ, સરનામું અને ફોટો હોય છે. એનો અર્થ કે તમારા રેકોર્ડ પર મતદારોની સંપૂર્ણ ડેટા છે તો પછી આવા પુરાવાઓ માગવાનો શું અર્થ? આ અંગે દરેક વિસ્તારનાં નગર સેવકોએ રજૂઆત કરવી જ જોઈએ.
મોટા મંદિર – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top