Comments

ઇઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચેની લડાઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાઈ ગયું છે. ચીન તાઈવાન પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે ત્યારે ઇઝરાયલ અને ગાઝા પટ્ટીના ઉગ્રવાદીઓ વચ્ચે નવેસરથી ફાટી નીકળેલા યુદ્ધમાં રવિવાર સુધીમાં ૨૪ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી વિમાનોના હુમલામાં ગાઝા પટ્ટીનાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયાં હતાં, જ્યારે ગાઝા પટ્ટીથી છોડવામાં આવેલાં રોકેટો દક્ષિણ ઇઝરાયલમાં વિનાશ વેરી રહ્યાં હતાં. ગાઝા પટ્ટીનો વિસ્તાર માત્ર ૩૬૫ ચોરસ કિલોમીટર જેટલો છે. તેમાં ૨૩ લાખ લોકો ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેમની એક બાજુ ઇજિપ્ત છે અને બીજી બાજુ ઇઝરાયલ છે. ગાઝાના લોકોને પોતાની જીવનજરૂરિયાતની ચીજો માટે ઇઝરાયલ પર નિર્ભર રહેવું પડે છે. ઇઝરાયલ અને ઇજિપ્ત દ્વારા તેમના હલનચલન પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

બીજા વિશ્વયુદ્ધ પછી પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાયલ નામનો નવો દેશ વસાવવામાં આવ્યો ત્યારે પેલેસ્ટાઇનની ભૂમિના ત્રણ ટુકડા થયા હતા. મુખ્ય જમીન પર ઇઝરાયલ બન્યું હતું, જ્યારે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટી પેલેસ્ટાઇનના હાથમાં રહ્યાં હતાં. ૨૦૦૭ માં ગાઝા પટ્ટીનો કબજો હમાસ નામના ઉગ્રવાદી જૂથે લીધો તે પછી તેણે ઇઝરાયલ સામે ચાર મોટાં યુદ્ધો કર્યાં છે. તેમાંનું છેલ્લું યુદ્ધ ૨૦૨૧ ના મે માં લડવામાં આવ્યું હતું, જેમાં ૧૧ દિવસની લડાઈમાં હમાસે ઇઝરાયલ તરફ હજારો રોકેટો છોડ્યાં હતાં, જેમાં ઇઝરાયલનાં ૧૩ નાગરિકો માર્યા ગયાં હતાં. ઇઝરાયલે વળતા હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં ગાઝા પટ્ટીનાં ૨૫૦ નાગરિકો માર્યા ગયાં હતાં.

ગાઝા પટ્ટીમાં વર્તમાનમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તે હમાસ અને ઇઝરાયલ વચ્ચે નથી પણ ઇસ્લામિક જિહાદ નામના આતંકવાદી જૂથ અને ઇઝરાયલનાં સુરક્ષા દળો વચ્ચે છે. ઇસ્લામિક જિહાદની સ્થાપના ૧૯૮૦ ના દાયકામાં થઈ હતી. તેને ઇરાન દ્વારા શસ્ત્રોની અને નાણાંની મદદ મળે છે. હમાસની સરકાર ચલાવવાની જવાબદારી હોવાથી તે આક્રમક બની શકતું નથી.

ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે આવેલી સાંકડી ગાઝા પટ્ટી યહૂદીઓ અને આરબો વચ્ચેના સાત દાયકાના સંઘર્ષનું સ્થાન બની ગઈ છે. ૧૯૪૮ માં ઇઝરાયલનું સર્જન થયું તે પહેલાં વેસ્ટ બેન્ક અને ગાઝા સહિતનો વિસ્તાર પેલેસ્ટિન તરીકે જ ઓળખાતો હતો. તેની બહુમતી વસતિ આરબ મુસ્લિમોની હતી. ૧૯૪૮ ની ૧૪ મી મે ના રોજ સત્તાવાર રીતે ઇઝરાયલની ઘોષણા કરવામાં આવી હતી. બે હજાર વર્ષ પછી વિશ્વમાં પહેલી વાર યહૂદી રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું હતું. ઇઝરાયલનું સર્જન થયું તેના બીજા દિવસે ઇઝરાયલ અને પાંચ મુસ્લિમ દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. તેમાં એક બાજુ ઇજિપ્ત, જોર્ડન, સીરિયા, ઇરાક અને લેબેનોન જેવા દેશો હતા તો બીજી બાજુ ઇઝરાયલ હતું. આ લડાઇને અંતે ગાઝા પટ્ટી પર શાસન કરવાનો અધિકાર ઇજિપ્તને મળ્યો હતો.

૧૯૪૮ ના યુદ્ધના પરિણામે ઇઝરાયલમાં હજારો વર્ષોથી રહેતાં સાત લાખ જેટલાં મુસ્લિમોને પોતાની માતૃભૂમિ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તેમાંનાં હજારો ગાઝા પટ્ટીમાં શરણાર્થી તરીકે વસ્યા હતા. તેમને ક્યાંય પણ જવું હોય તો ઇઝરાયલ કે ઇજિપ્તની દયા પર જવું પડતું હતું. આજે ગાઝા પટ્ટીના ૪૦ કિલોમીટર લંબાઈ અને ૬ કિલોમીટર પહોળાઈના ક્ષેત્રમાં જે ૨૦ લાખ લોકો વસે છે તેમાંનાં ૫૦ ટકા લોકો તો આજે પણ શરણાર્થી માટેની છાવણીમાં વસે છે.

ઇ.સ. ૧૯૪૯ થી ૧૯૬૭ દરમિયાન ગાઝા પટ્ટીનો વિસ્તાર ઇજિપ્તના લશ્કરી શાસન હેઠળ હતો. તેની મોટા ભાગની વસતિ રિફ્યૂજી કેમ્પમાં રહેતી હતી. તેઓ ભીષણ ગરીબીમાં જીવતાં હતાં. ઇજિપ્તે તેમને નાગરિકતાના અધિકારો આપ્યા નહોતા. તેમને કોઈ બીજા મુસ્લિમ દેશમાં જવાની પણ છૂટ આપવામાં આવતી નહોતી. ઇઝરાયલે તેમને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ઇઝરાયલમાં તેમની જે બાપદાદાની સંપત્તિ હતી તેનું પણ તેમને કોઈ વળતર આપવામાં આવ્યું નહોતું. ગાઝા પટ્ટીના મોટા ભાગના યુવાનો ફિદાયીન બની ગયા હતા. ૧૯૫૬ માં ઇઝરાયલે હુમલો કરીને ગાઝા પટ્ટીનો કબજો લઈ લીધો હતો, પણ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને ૧૯૫૭ માં કરાર કરવામાં આવ્યા હતા અને કબજો પાછો ઇજિપ્તને સોંપવામાં આવ્યો હતો.

૧૯૬૭ માં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે ફરી લડાઈ થઈ હતી, જે ૬ દિવસ ચાલી હતી. આ લડાઈ દરમિયાન ઇઝરાયલે ફરીથી ગાઝા પટ્ટી પર પોતાનો કબજો જમાવ્યો હતો. આ કબજો ૨૫ વર્ષ સુધી રહ્યો હતો. ૧૯૮૭ માં ગાઝા પટ્ટીનો કબજો ધરાવતા ઇઝરાયલી લશ્કર અને સ્થાનિક નાગરિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેને ઇન્તિફદા તરીકે ઓળખાવવામાં આવે છે. ૧૯૯૪ માં ઇઝરાયલે ઓસ્લો કરાર કરીને ગાઝા પટ્ટીનો કબજો પેલેસ્ટિન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (પીએલઓ) ને સોંપી દીધો હતો. તેના વડા યાસર અરાફત હતા. તેમને પણ ગાઝા પટ્ટી પર શાસન કરવામાં મુશ્કેલી પડી હતી, કારણ કે તેનાં લોકો ગરીબીથી પીડાતાં હતાં. આ દરમિયાન હમાસનો જન્મ થયો હતો જેના યુવાનો આતંકવાદના રવાડે ચડી ગયા હતા. દરમિયાન ઇઝરાયલે પોતાનાં યહૂદી નાગરિકોને ગાઝા પટ્ટીમાં કબજો જમાવવા માટે વસાવવાના પ્રયાસો પણ કર્યા હતા.

ઇ.સ. ૨૦૦૦ માં ગાઝા પટ્ટીમાં ફરી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનો ત્રણ વર્ષ સુધી ચાલ્યાં હતાં. પેલેસ્ટિન સરકાર અને ઇઝરાયલ વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા બિલકુલ ભાંગી પડી હતી. તેને બીજા ઇન્તિફદા તરીકે ઓળખવામાં આવે છે. યાસર અરાફતના મરણ પછી પેલેસ્ટિની ગેરિલા પણ શાંતિ પ્રક્રિયામાં સામેલ થવા તૈયાર થયા હતા. જગતના ઘણા દેશો દ્વારા પેલેસ્ટિની સરકારને માન્યતા પણ આપવામાં આવી હતી. ૨૦૦૩ માં ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન એરિયલ શેરોને શાંતિ સ્થાપવા માટે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલી લશ્કરને પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ૨૦૦૫ માં ઇઝરાયલે ગાઝા પટ્ટીમાંથી લશ્કર પાછું ખેંચી લીધું હતું. ગાઝા પટ્ટીનો કબજો ફરીથી પેલેસ્ટિન સરકારને સોંપી દેવામાં આવ્યો હતો. ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થપાઈ ગઈ હતી.

૨૦૦૬ માં પેલેસ્ટિનમાં સંસદીય ચૂંટણી થઈ હતી. તેમાં ૧૯૫૦ થી શાસન કરી રહેલા ફતાહ નામના પક્ષને હરાવીને હમાસ જૂથ બહુમતીથી ચૂંટાયું હતું. પેલેસ્ટિનના લોકો ફતાહના ભ્રષ્ટ શાસનથી કંટાળી ગયા હતા. તેમણે હમાસને શાસન સોંપ્યું હતું. તેને કારણે ઇઝરાયલને ટેન્શન થઈ ગયું હતું, કારણ કે તે હમાસને આતંકવાદી ગણતું હતું. ઇઝરાયલ ઉપરાંત યુરોપિયન યુનિયને અને યુનોએ પણ પેલેસ્ટિન સરકાર પર પ્રતિબંધો લાદ્યાં હતાં. ૨૦૦૭ માં ફતાહ અને હમાસ વચ્ચે લડાઇ ફાટી નીકળી. હમાસે ગાઝા પટ્ટી કબજે કરી તો ફતાહના હાથમાં વેસ્ટ બેન્ક રહ્યું.

ગાઝા પટ્ટીમાં હમાસની સરકાર છે, પણ ઇસ્લામિક જિહાદ જૂથ વધુ આક્રમક છે. તેના આતંકવાદીઓની સંખ્યા હમાસ કરતાં મોટી છે. તેને ઇરાન તરફથી સીધી સહાય મળતી હોવાથી તેની તાકાત હમાસ કરતાં વધુ છે. ઇસ્લામિક જિહાદ જૂથ ઇઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની મંત્રણાનો વિરોધ કરે છે. ઇઝરાયલ પર રોકેટો છોડવામાં તેની મુખ્ય
ભૂમિકા છે. ઇસ્લામિક જિહાદનો ઇરાદો આખા પેલેસ્ટાઇનને ઇઝરાયલના પંજામાંથી મુક્ત કરવાનો છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, પણ ઇરાનનો તેને ટેકો છે.

Most Popular

To Top