ભારતીય સેનાએ જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર ૨૬ સ્થળોએ ડ્રોન જોવા મળ્યાં હતાં. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે, જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો છે. પાકિસ્તાનના ડ્રોન હુમલામાં ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં એક સ્થાનિક પરિવારનાં સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં બંને પક્ષે ડ્રોનનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે, કારણ કે તે મોટર કાર કરતાં સસ્તાં હોવા છતાં કરોડો ડોલરના ખર્ચે ખરીદવામાં આવેલાં ફાઇટર જેટ વિમાનને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ કાંઈ આજકાલની વાત નથી. અમેરિકાએ ૧૯૯૧ ના ગલ્ફ યુદ્ધમાં પાયોનિયર RQ-2A નામના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી એક ડ્રોન ફૈલાકા ટાપુનું સર્વેક્ષણ કરવા આવ્યું ત્યારે પાંચ ઇરાકી સૈનિકોએ માન્યું કે અમેરિકાનું સૈનિકો સાથેનું વિમાન તેમના પર હુમલો કરવા આવી રહ્યું છે, ત્યારે તેમણે સફેદ ધ્વજ લહેરાવીને ડ્રોન સમક્ષ આત્મસમર્પણ કરીને ઇતિહાસ રચ્યો હતો. તે સમયે યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ નવી વાત હતી, પણ હવે યુદ્ધના મેદાનમાં ડ્રોનનો ઉપયોગ સામાન્ય બની ગયો છે.
ઓપરેશન સિંદૂરથી લઈને યુક્રેનના યુદ્ધમાં અને મ્યાનમારથી લઈને લાલ સમુદ્રમાં ચાલતાં યુદ્ધ દરમિયાન ડ્રોનથી કરવામાં આવતાં આક્રમણને કારણે દરેક જગ્યાએ સૈન્યને યુદ્ધની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે. યુક્રેન નાનાં ઘરે બનાવેલા ડ્રોનનો હથિયાર તરીકે ઉપયોગ કરીને તેને મુખ્ય પ્રવાહમાં લાવ્યું તે વાતમાં કોઈ શંકા નથી, પરંતુ લશ્કરી નિષ્ણાત માઈક મેકકે એક એપિસોડમાં નિર્દેશ કરે છે તેમ ઇસ્લામિક સ્ટેટ છેક ૨૦૧૬માં ઇરાકમાં ગઠબંધન દળો પર ગ્રેનેડ ફેંકવા માટે સસ્તાં અને દુકાનમાંથી ખરીદેલાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હતું.
આજકાલ યુદ્ધમાં જે ડ્રોન વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે તે દરેક સાઈઝમાં અને દરેક કિંમતમાં જોવા મળે છે. ૧૯૯૧ના ગલ્ફ યુદ્ધમાં વપરાયેલાં વિન્ટેજ RQ-2A ડ્રોન ૧૪ ફૂટ લાંબા હતા અને તેની પાંખો લગભગ ૧૭ ફૂટ પહોળી હતી. તેની સરખામણીમાં હાલમાં વપરાતાં રીપર MQ-9 જેવા ટોચના લશ્કરી ડ્રોન લગભગ ૬૬ ફૂટ પહોળા હોય છે અને તેની કિંમત ૩ કરોડ ડોલરથી વધુ છે. ભારતે તેવાં ૩૧ લશ્કરી ડ્રોનનો ઓર્ડર કર્યો છે. પાકિસ્તાન દ્વારા હાલના યુદ્ધમાં વપરાતાં તુર્કી મૂળના બાયરાક્તર અકિન્સી ડ્રોનની કિંમત પણ લાખો ડોલર હોય છે, પરંતુ યુદ્ધમાં ક્રાંતિ લાવનારા ડ્રોન સરખામણીમાં નાનાં અને સસ્તાં હોય છે.
તેથી યુક્રેન જેવા ગરીબ દેશે ૨૦૨૪ માં દસ લાખથી વધુ ડ્રોન બનાવ્યાં હતાં અને જો તેની પાસે ભંડોળ હશે તો યુક્રેન ડ્રોનનું બમણું ઉત્પાદન કરશે. શું કોઈ સૈન્ય ૨૦ લાખ ફાઇટર પ્લેન ખરીદવાની આશા રાખી શકે છે? એક B2 સ્ટ્રેટેજિક બોમ્બરની કિંમત ૧ અબજ ડોલરથી વધુ હોય છે, પરંતુ કાળા સમુદ્રમાં રશિયાના ૪૦% નૌકાદળના કાફલાને નષ્ટ કરનાર યુક્રેનિયન ડ્રોન મગુરા V5 ની કિંમત ફક્ત ૨,૫૦,૦૦૦ ડોલર હતી. લાલ સમુદ્રમાં હુથીઓએ ૧૦ કરોડ ડોલરથી વધુના કાર્ગો સાથેનાં જહાજો ડૂબાડી દીધાં છે, જેમાં વાપરવામાં આવતાં દરેક ડ્રોનની કિંમત ફક્ત ૧૦૦,૦૦૦ ડોલર હતી. નિષ્ણાતો કહે છે કે ડ્રોન વડે લડવામાં આવતાં યુદ્ધની ઓછી કિંમતને કારણે તેની સરખામણી ફરીથી ઘોડેસવાર-વિરુદ્ધ-મશીનગનના યુદ્ધ સાથે કરવામાં આવી રહી છે.
જ્યાં ટેન્ક અને ફિલ્ડ ગન એક સમયે વિરોધીઓને ડરાવતા હતા, હવે તેનું સ્થાન ડ્રોને લઈ લીધું છે. ડ્રોન નિષ્ણાત ક્રિસ્ટોફર મિલર કહે છે કે સૈન્યને ડ્રોન યુદ્ધમાં ઝડપથી અનુકૂલન સાધવાની જરૂર પડશે કારણ કે મોર્ટાર ફાયરિંગ જેવી જૂની ફ્રન્ટ લાઇન તકનીકો ખૂબ ધીમી હોય છે. જ્યાં મોર્ટારથી લક્ષ્યને નિશાન બનાવવામાં અને તેને ફટકારવામાં ઓછામાં ઓછી પાંચ મિનિટ લાગે છે, ત્યાં AI ધરાવતું ડ્રોન ૯૦ સેકન્ડમાં કામ કરી જાય છે અને જ્યારે મોર્ટાર ફક્ત બે કિલોમીટર સુધી જ પ્રહાર કરી શકે છે, ત્યારે નાના ડ્રોન પણ ૧૫થી ૨૦ કિ.મી. સુધી ઊડી શકે છે.
યુક્રેન પાસેથી શીખીને દક્ષિણ કોરિયાએ તેના નાના મોર્ટારને તબક્કાવાર રીતે બંધ કરવાનું અને સૈનિકોને ડ્રોન પાઇલટ બનવા માટે તાલીમ આપવાનું નક્કી કર્યું છે. નિષ્ણાતો કહે છે કે યુક્રેન પાસે ડ્રોન પાઇલટોને તાલીમ આપવા માટે ૨૦ શાખાઓ છે. તેના નિષ્ણાત પાઇલટો ઇનબિલ્ટ કેમેરાનો ઉપયોગ કરવાને બદલે ગણતરી દ્વારા ડ્રોન ચલાવી શકે છે. તેમાંથી એક પાઇલોટને છ મહિનામાં ૪૦૦ રશિયન સૈનિકોને મારવા બદલ યુક્રેનનો હીરો ઓફ ધ રિપબ્લિક મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
અલબત્ત, તમે મિસાઇલ વડે ડ્રોનને તોડી પાડી શકો છો, પરંતુ તે કામ એટલું આસાન નથી. ઇરાકમાં ગઠબંધન દળોએ બંદૂકોથી આવું કર્યું હતું, પરંતુ જ્યારે સેંકડો ડ્રોનનું બનેલું એક આખું ટોળું તમારા પર હુમલો કરવા ધસી આવે છે, ત્યારે પ્રતિકારક પગલાં લેવા વધુ મુશ્કેલ બને છે. મોટા ડ્રોનને ખતમ કરવા માટે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર અથવા S400 જેવી અત્યાધુનિક મિસાઇલોનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉપયોગ ભારત પાકિસ્તાનની મિસાઇલોને તોડી પાડવા માટે કરે છે, પરંતુ તેમાં પુરવઠો અને ખર્ચ એક અવરોધ છે. હાલમાં કોઈની પાસે મોટી સંખ્યામાં હુમલો કરનારા ડ્રોન માટે કોઈ ફુલપ્રૂફ કાટ નથી.
અમેરિકા પહેલો દેશ હતો જેણે દુનિયાને ડ્રોન હુમલો શું છે તે શીખવ્યું. અમેરિકાએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સીરિયા, ઇરાક, સોમાલિયા અને યમનમાં હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે. તુર્કી અને અઝરબૈજાન એવા દેશો છે જેમણે ડ્રોન યુદ્ધને વ્યાપકપણે અપનાવ્યું છે. ૨૦૨૦ માં તુર્કીમાં બનેલ વિસ્ફોટકોથી ભરેલાં ડ્રોને લિબિયામાં હફ્તારનાં દળોને નિશાન બનાવ્યું હતું.
આ ડ્રોન કૃત્રિમ બુદ્ધિથી સજ્જ હતું અને તેથી તેને કોઈ આદેશની જરૂર નહોતી. અમેરિકા સિવાય ભારત, ઇઝરાયલ, ચીન, ઈરાન, ઇટાલી, પાકિસ્તાન, તુર્કી અને પોલેન્ડે ૨૦૧૯ સુધીમાં માનવરહિત હવાઈ વાહનો વિકસાવ્યાં હતાં. ડ્રોન હુમલામાં બોમ્બ ફેંકવા, મિસાઇલ ફાયર કરવા, લક્ષ્યને તોડી પાડવા અને અન્ય કેટલાંક કાર્યો કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં ડ્રોન હુમલા દ્વારા લક્ષિત હત્યાઓ કરવામાં આવે છે. હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડ્રોનને બહારથી કમાન્ડ કરવાની જરૂર રહી નથી.
ભારતીય સશસ્ત્ર દળો અને ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાનના મોટા ભાગના હુમલા હવામાં જ નાશ પામ્યા હતા. પાકિસ્તાને છેલ્લા બે દિવસમાં ભારતમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે, પરંતુ આ ડ્રોન અને મિસાઇલો ભારત પર હુમલો કરે તે પહેલાં જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના આકાશમાં જે બન્યું તે કોઈ સામાન્ય સુરક્ષા પડકાર નહોતો પરંતુ પાકિસ્તાન દ્વારા સુનિયોજિત આતંકવાદી ષડયંત્રનો એક ભાગ હતો.
૩૫ થી વધુ સ્થળોએ એકસાથે ઊડતાં ૫૦૦ ડ્રોન ફક્ત દેખરેખ રાખવાની જ નહીં પણ પ્રહાર કરવાની શક્તિ પણ ધરાવે છે. આ કોઈ સંયોગ નથી પણ યુદ્ધ રણનીતિનો સંકેત છે. આ ડ્રોન હુમલાની શક્તિ પાકિસ્તાનની નવી હાઇબ્રિડ યુદ્ધ યુક્તિઓને પ્રદર્શિત કરે છે. આ હુમલો ફક્ત ભારતીય પ્રદેશનું સર્વેક્ષણ કરવા માટે જ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેનો ઉદ્દેશ ભારતીય સુરક્ષા દળોને મૂંઝવણમાં મૂકવાનો અને આતંકવાદીઓની ઘૂસણખોરી માટે માર્ગ બનાવવાનો પણ હતો. રાત પડતાંની સાથે જ LOC ના વિવિધ સેક્ટરમાં અચાનક ગોળીબાર શરૂ થઈ જાય છે, જેનો ઉદ્દેશ ઘોંઘાટ અને અરાજકતા વચ્ચે ડ્રોન વડે આતંકવાદીઓની ઘૂસણખોરીને સરળ બનાવવાનો છે.
તે જ સમયે ભારતીય સેના પાકિસ્તાનની આ ચાલનો યોગ્ય જવાબ આપી રહી છે અને તેમાં તે સફળ થઈ રહી છે. જેમ જેમ અમેરિકા, ચીન, ભારત વગેરે મોટી સેનાઓ ડ્રોનને મોટી સંખ્યામાં સામેલ કરવાનું શરૂ કરે છે, તેમ તેમ દુનિયાના દેશોએ AI ક્ષમતાઓ ધરાવતાં ડ્રોન વિશેના પ્રશ્નોનો પણ સામનો કરવો પડશે. સ્વાયત્ત ડ્રોન હેકિંગ, જામિંગ અને GPS સ્પૂફિંગથી બચી શકે છે, પરંતુ શું તેઓ તેમના માનવ માલિકો ઇચ્છે છે તે લક્ષ્યોને ફટકારશે? જો ડ્રોન દુશ્મન પર ત્રાટકવાને બદલે તેને છોડનારા માલિક ઉપર જ હુમલો કરી બેસે તો શું થાય? તેની કલ્પના કરતાં ધ્રૂજી જવાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.