અમેરિકાના બે સૌથી મોટાં પાવર સેન્ટરો છે તેમાંનું એક રાષ્ટ્રપતિનો હોદ્દો છે અને બીજું ફેડરલ રિઝર્વના ચેરમેનનો હોદ્દો છે. ફેડરલ રિઝર્વ ડૉલર છાપવાની સત્તા ધરાવતું હોવાથી તે અમેરિકાના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ તાકાત ધરાવે છે કારણ કે, ડૉલરનો ઉપયોગ વિશ્વના અનેક દેશો રિઝર્વ કરન્સી તરીકે પણ કરી રહ્યા છે. વ્યાજના દરોમાં ફેરફાર કરવો કે નહીં તેની સત્તા ફેડરલ રિઝર્વના ચેરમેનના હાથમાં હોય છે. વ્યાજના દરમાં વધારા કે ઘટાડા દ્વારા તેઓ અમેરિકાના અર્થતંત્ર પર પણ કાબૂ ધરાવે છે.
જો ફેડરલ રિઝર્વ વ્યાજના દરોમાં ઘટાડો કરે તો લોન સસ્તી બને છે, બજારમાં નાણાંનો પ્રવાહ વધે છે, તેજી આવે છે, પણ ફુગાવો વધે છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજના દરમાં વધારો કરે તો બજારમાં નાણાંનો પ્રવાહ મંદ થઈ જાય છે, મંદી આવે છે, ફુગાવો ઘટે છે અને સરકારના ખર્ચમાં પણ વધારો થાય છે. ફેડરલ રિઝર્વ એક સ્વાયત્ત સંસ્થા છે પણ તેના ચેરમેનની નિમણુક અમેરિકાના રાષ્ટ્રપતિ ચાર વર્ષ માટે કરતા હોય છે. આ ચાર વર્ષ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ પણ કોઈ ખાસ કારણ વગર ફેડરલ રિઝર્વના ચેરમેનને બરતરફ કરી શકતા નથી કે રાજીનામું આપવાની ફરજ પાડી શકતા નથી. ફેડરલ રિઝર્વના વર્તમાન ચેરમેન જેરોમ પોવેલની નિમણુક પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પે જ કરી હતી. હાલમાં તેમના હોદ્દાની લગભગ એક વર્ષની મુદ્દત બાકી છે ત્યારે વ્યાજદરમાં ઘટાડા બાબતમાં તેમની અને ટ્રમ્પ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો આગ્રહ છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો કરવો જોઈએ, જેથી બજારમાં તેજી આવે અને અમેરિકી સરકારના વ્યાજના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજદરમાં ઘટાડો ન કરવાના મતના છે કારણ કે, તેમનું માનવું છે કે વ્યાજદરમાં ઘટાડો કરવાથી ફુગાવો વધશે. વળી અત્યારે અમેરિકામાં એવી કોઈ મંદી નથી કે વ્યાજદરમાં ઘટાડો કરવો પડે. જેરોમ પોવેલના આ વલણથી ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે કારણ કે, જેરોમ પોવેલ સ્વાયત્ત સંસ્થાના સ્વાયત્ત ચેરમેન છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો પુરવાર કરી શકે કે જેરોમ પોવેલે કોઈ ગેરરીતિ આચરી છે, તો તેઓ પોવેલને બરતરફ કરી શકે છે પણ જો તેવું કરે તો માત્ર અમેરિકાના જ નહીં પણ દુનિયાભરના બજારોમાં તોફાન આવી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ પર પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે પોવેલ મૂર્ખ છે. તેમણે વ્યાજ દર ખૂબ ઊંચા રાખ્યા છે, પરંતુ આઠ મહિનામાં તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંકના ચેરમેન તરીકે પોવેલનો કાર્યકાળ ૧૫ મે, ૨૦૨૬ સુધી છે.
જોકે, પોવેલ વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ સમય પહેલાં પદ છોડશે નહીં. ૧૯૧૩ના ફેડરલ રિઝર્વ એક્ટમાં જણાવાયું છે કે ફેડ ગવર્નરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને સેનેટની સલાહ અને સંમતિથી ચાર વર્ષના કાર્યકાળ માટે ચૂંટાય છે. રાષ્ટ્રપતિ પાસે ફેડ ચેરમેનને દૂર કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. જો કે, તેઓ કોઈ કારણ સાબિત કરીને તેમને દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે. જેરોમ પોવેલને પહેલી વાર ૨૦૧૭ માં ટ્રમ્પ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા. પછી ૨૦૨૧ માં જો બાઇડેનની સરકારે તેમનો કાર્યકાળ બીજા કાર્યકાળ માટે લંબાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાજ દર તાત્કાલિક લગભગ ૩ ટકા સુધી ઘટાડવા માંગે છે તેનાં બે કારણો છે. પહેલું એ કે તેનાથી તેમની મંજૂરી રેટિંગ વધશે પણ બીજું એ કે અમેરિકન સરકારનું દેવું વધી રહ્યું છે. તેના ૩૬ અબજ ડૉલરના દેવા પરનું વાર્ષિક વ્યાજ બિલ હવે અમેરિકાના સંરક્ષણ ખર્ચ કરતા પણ વધી ગયું છે. દરોમાં ઘટાડો કરવાથી વ્યાજ બિલમાં નાટ્યાત્મક ઘટાડો થશે અને એવું લાગશે કે નવું વહીવટીતંત્ર અર્થતંત્રનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષરવાળા બિગ બ્યુટીફુલ બિલમાં ધનિકો માટે કરવેરા ઘટાડાયા છે અને ખર્ચમાં વધારો થયો છે. આગામી ૩૦ વર્ષોમાં તે દેવું નાટકીય રીતે દૂર કરશે, તે આ ભ્રમ પેદા કરવા માટે ઉત્સુક છે. હાલમાં, અમેરિકાનું દેવું જીડીપીના લગભગ ૧૨૦ ટકા છે, જે એક દાયકા પહેલાં ગ્રીસ અને યુરોપિયન યુનિયન સાથે દેવા સંકટનું કારણ બન્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પનાં બિલ સાથે ૨૦૫૪ સુધીમાં અમેરિકાનું દેવું GDPના ૧૭૦ ટકાથી ૧૯૦ ટકા સુધી વધી શકે છે. સૌથી મોટી ચિંતા ફેડરલ રિઝર્વ નાણાંકીય નીતિ માટે જવાબદાર એજન્સી તરીકેની સ્વતંત્રતા જાળવી શકશે કે કેમ તે છે.
ફેડરલ રિઝર્વનો વ્યાજદર હાલમાં ૪.૨૫ અને ૪.૫૦ ટકા વચ્ચે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી મુજબ વ્યાજદરમાં એક ટકાનો ઘટાડો થાય તો અમેરિકાની સરકાર પરનું વ્યાજ ભારણ ૩૬૦ અબજ ડૉલર જેટલું ઘટે છે. જો ડોનાલ્ડ ટ્રમ્પની માગણી મુજબ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ત્રણ ટકાનો ઘટાડો કરે તો સરકારના વ્યાજ ભારણમાં વાર્ષિક આશરે એક ટ્રિલિયન ડૉલરનો ધરખમ ઘટાડો થઈ શકે છે પણ ફેડરલ રિઝર્વ ૦.૨૫ ટકાથી વધારે ઘટાડો કરવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જડ છે, માટે તેઓ વ્યાજદરમાં તેમની માગણી મુજબનો ઘટાડો કરતા નથી, માટે તેમને બરતફર કરવા જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પે શોધી કાઢ્યું છે કે ફેડરલ રિઝર્વ મુખ્યાલયમાં નવીનીકરણ પ્રોજેક્ટના સંચાલનમાં છેતરપિંડી માટે પોવેલને બરતરફ કરી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફેડના ૨.૫ અબજ ડૉલરના નવીનીકરણ પ્રોજેક્ટ પર ટિપ્પણી કરતાં પહેલાં છેલ્લા મહિનાઓમાં ફેડરલ રિઝર્વના વડાની ઘણી વખત ટીકા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયો પર જેરોમ પોવેલની ટિપ્પણીઓ બદલ તેમને મૂર્ખ તરીકે ઓળખાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સૂચવ્યું હતું કે નવીનીકરણીય પ્રોજેક્ટનો ખર્ચ તેમની હકાલપટ્ટીનો સંભવિત માર્ગ હોઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ વર્તમાન ફેડ ચેરમેન પોવેલને દૂર કરવાનું અભૂતપૂર્વ પગલું ભરે તો તેમણે કાયદેસર રીતે હટાવવાનું કારણ સમજાવવું પડશે અને તેમના આરોપોને સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવા પડશે. કોલંબિયા લો સ્કૂલના એસોસિયેટ પ્રોફેસર લેવ મેનાન્ડે જણાવ્યું હતું કે કેટલાક કાયદાઓમાં ઉલ્લેખ છે કે ફરજમાં બેદરકારીને કારણે અધિકારીને દૂર કરી શકાય છે.
ગયા બુધવારે શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં જેરોમ પોવેલે કહ્યું હતું કે ટ્રમ્પે અપેક્ષા કરતાં વધુ ટેરિફ વધાર્યા છે. આનાથી વસ્તુઓના ભાવ વધશે, જેના કારણે ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતા વધી શકે છે. જેરોમ પોવેલે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે તેઓ વ્યાજ દર ઘટાડવાની ઉતાવળમાં નથી. પહેલા તેઓ જોવા માંગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો અર્થતંત્ર પર શું પ્રભાવ પડે છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાજ દર ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દર ઘટાડ્યા પછી ટ્રમ્પે કહ્યું કે, પોવેલે પણ ઘણા સમય પહેલાં ECB ની જેમ વ્યાજ દર ઘટાડી દેવા જોઈતા હતા અને હવે ચોક્કસપણે ઘટાડવા જોઈએ. તેલના ભાવ અને કરિયાણાના ભાવ ઘટ્યા છે તેમ જ નવા ટેરિફને કારણે અમેરિકા વધુ ધનવાન બની રહ્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ અને તેમના સાથીઓ મંગળવારથી શરૂ થયેલી બે દિવસીય બેઠકમાં હાજરી આપી રહ્યા છે. આ બેઠકમાં વ્યાજ દરો અંગે નિર્ણય લેવામાં આવશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા પર રાજકીય દબાણ વધી રહ્યું છે, વેપાર નીતિઓમાં ફેરફારો થઈ રહ્યા છે અને આર્થિક સૂચકાંકોમાં ઊતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.
આ અઠવાડિયે ખાસ વાત એ છે કે ફેડરલ રિઝર્વની બેઠકની સાથે અમેરિકાની સરકાર ત્રણ મુખ્ય આર્થિક આંકડા જેવા કે જીડીપી, રોજગાર અને ફુગાવાના આંકડા પણ જાહેર કરશે, જેના પર ફેડરલ રિઝર્વ ખાસ ધ્યાન આપે છે. મોટા ભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે ફેડરલ રિઝર્વ આ વખતે પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં અને તેને સ્થિર રાખશે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં અમેરિકાની આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી શકે છે, જેનું મુખ્ય કારણ વેપાર ખાધમાં તીવ્ર ઘટાડો હોઈ શકે છે. ફેડરલ રિઝર્વ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની લડાઈ કેવું સ્વરૂપ ધારણ કરે છે, તેના પર આખી દુનિયાની નજર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.