ખરે દિવાળી પણ આવી પહોંચી અને આ વર્ષ પણ જોત-જોતામાં પુરું થઇ જશે. તહેવારનો ઉત્સાહ અત્યારે બંધાશે અને પછી ક્યાંક ક્યાંક બધું ફટાફટ દોડી રહ્યું છેનો વિચાર પણ મગજમાં આવશે. સ્વાભાવિક છે સ્વજનોને મળીને તહેવાર ઉજવવાનું ટાણું છે પણ દોડધામ તહેવાર અને ફરી દોડધામ વચ્ચે જે સમય મળવાનો છે એમાં મનને પ્રફુલ્લિત કરવા બીજું શું કરશો? મિત્રો કે સ્વજનોની મહેફીલમાં નાસ્તાની ઉજાણી અને હાસ્યની છોળ વચ્ચે સંગીતની સંગત હોય તો? અથવા તો દિવાળીની રજાઓમાં એક દિવસ એવો કે કોઇ ન હોય પણ માત્ર ઘરનાં સાથે બેસીને સરસ મજાનું સંગીત સાંભળે તો? સંગીત શા માટે?
તાજેતરમાં અમેરિકાના ટેક્સાસની હ્યુસ્ટન યુનિવર્સિટીએ એક નવો ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની વાત કરી છે. આ પ્રોગ્રામનું ફોકસ છે ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’. હીલિંગ શબ્દ માટે ગુજરાતીમાં જે અર્થ છે તેમાં છે રુઝ આવવી, દરદ મટાડનાર, સાજું કરનાર વગેરે. આજ કાલ આમ પણ ઘણી બધી બાબતે હીલિંગને મહત્વ અપાય છે જે માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ હોય છે. આપણને પશ્ચિમ સંસ્કૃતિનો મોહ છે અને રહેવાનો પણ એ લોકો આપણાં મૂળિયાંને વધુ ગંભીરતાથી લઇ રહ્યાં છે. સંગીત શીખવું, સાંભળવું કે શીખવવું પણ મેડિટેશન જેવો એક અનુભવ હોઇ શકે છે. આપણે ત્યાં મ્યુઝિક થેરાપી પર કૉલેજિઝ કે યુનિવર્સિટીમાં હજી સંગીતનો થેરાપીમાં ઉપયોગ થતો હોવાનું સાંભળવા નથી મળ્યું પણ આપણા શાસ્ત્રોમા સંગીતના મહત્વની વાતોનો અખૂટ ભંડાર છે.
મુંબઇનાં જાણીતા પત્રકાર, લેખક, ગાયક અને એક ઉમદા ઇન્ટરવ્યુઅર એવાં નંદિની ત્રિવેદીએ ‘સેહત કે સૂર’ નામનું પુસ્તક સર્જયું છે જેમાં વિવિધ રાગ-રાગિણી કઇ રીતે કોઇને પણ હીલ કરવા માટે લેખે લાગી શકે તેની વિગતવાર વાત કરાઇ છે. ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’નો આ રાગ જે યુએસએમાં છેડાયો છે તેનો સંદર્ભ આપી જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, “વિશ્વમાં સૌથી પહેલો મ્યુઝિક થેરપી પ્રોગ્રામ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં 1944માં લોન્ચ થયો હતો. મ્યુઝિક થેરાપી માત્ર વાંચીને નહીં, અનુભવી સંગીતજ્ઞ કે યોગ્ય થેરાપિસ્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. સ્વર, નાદ, મંત્ર, ઓમકાર, સંગીત તથા સાત ચક્રોના સંબંધને માન્યતા મળી ચૂકી છે.”
તેમણે પોતે પણ પોતાની સાથે થયેલો એક અનુભવ વહેંચ્યો જે તેમણે પોતાની એક નોંધમાં પણ ટાંક્યો છે જ્યારે તે પોતે કોઇ કારણોસર ખુબ સ્ટ્રેસમાં હતા અને તેમણે પોતાની મિત્રને ઘરે જવાનું નક્કી કર્યું. મિત્રએ તેમના પ્રાથમિક પરોણાગત કરી અને પછી મેડિટેશન રૂમમાં જ્યાં મંત્રોચ્ચારનું સંગીત હતું ત્યાં થોડી વાર સુવાનું સૂચન કર્યું. એક કલાકનો સમય ક્યાં વીત્યો તે ખબર પણ ન પડી અને કોઇપણ પ્રકારની એન્ટિ એન્ક્ઝાઇટી પિલ કે બીજી કોઇ દવા વિના મન શાંત થયું હતું. નંદિની ત્રિવેદીનાં પુસ્તક ‘સેહત કે સૂર’માં સંગીતને કારણે હીલિંગનો અનુભવ થયો હોય તેવા કિસ્સા તો ટાંકેલા છે જ પણ સાથે કયા રાગની મન પર કે શરીર પર કેવી અસર થાય, શાસ્ત્ર સાથે જોડાયેલા નવ રસ વગેરેની પણ વિગતો આપેલી છે.
સંગીત એટલે માત્ર વાદ્યો કે ગાયન જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં તો મંત્રોચ્ચાર પણ તાલબદ્ધ રીતે થાય છે. અમદાવાદ સ્થિત તેજસ રાવલ યંત્ર-મંત્ર અને તંત્રના જાણકાર અને કોસ્મિક એનર્જી હીલર છે. તેજસ રાવલનું કહેવું છે કે, “જ્યારે તમે કોઇ મંત્રોચ્ચાર કરો ત્યારે તેના શબ્દોને એક સૂર કે એક ચોક્કસ તાલમાં બોલાતા હોય છે. સ્વાભાવિક છે તેનો એક રિધમ બંધાય. હું મારી પાસે આવનારા, જેમને મંત્રોચ્ચાર પર ક્યારેક તરત વિશ્વાસ નથી બેસતો તેમને કહું છું કે માત્ર એ શબ્દોના ધ્વની અને રિધમને ધ્યાનમાં રાખો અને પછી તમને શું અનુભવ થાય છે તેની વાત કરો. નાદનું મહત્વ બહુ મોટું છે અને એ સાબિત થયું છે કે તેનો પ્રભાવ મન, શરીર અને કર્મની દિશા પર પણ પડે છે.”
તો મુંબઇના સ્પિરિચ્યુઅલ હીલર બબિતા કકરાનિયાએ પોતાના ક્લાયન્ટ્સને સાઉન્ડ મેડિટેશનની અસરથી લાગણીઓને સંતુલિત કરતાં અને નકારાત્મકતાથી દૂર જતાં જોયા છે. તેઓ નિયમિત પણે કોર્પોરેટ્સમાં અને નાના ગ્રૂપ્સમાં સાઉન્ડ હિલિંગ મેડિટેશનના સેશન્સ લે છે જે સાત ચક્રોને ફોકસમાં રાખીને કરાવાય છે. ભારતમાં સંગીતના હિલીંગ પાવરની માત્ર સમજ નહીં બલ્કે જ્ઞાન રહેલું છે. હ્યુસ્ટનમાં જે કોર્સ શરૂ થયો તેની પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાં મ્યુઝિક થેરાપિસ્ટને બહુ ઝડપથી નોકરી મળી જાય છે અને હવે ત્યાં આ થેરાપિસ્ટની માંગ સામે ઉપલબ્ધિમાં ખેંચ પડવા માંડી છે. સંગીતની ડિગ્રી અને હેલ્થને લગતી સમજની દિશામાં શિક્ષણ આપવાનો એક કોન્શિયસ પ્રયાસ કરાયો છે જેથી સારા મ્યુઝિક થેરાપિસ્ટ મળી રહે.
આ તો થયા ફેક્ટ્સ એટલે કે જે છે તેની વાત અને સંગીતની અઢળક શક્યતાઓના એક પાસા પર એક નજર. કોઇ ગીત વાગે અને આપણે ઝૂમી ઉઠીએ અને કોઇ ગીત વાગે અને આપણે રોઇ પડીએ તો એ બીજું કંઇ નહીં પણ સંગીતની આપણા મન પર, આપણી લાગણીઓ પરની એક અસર છે. આપણા શરીરનો પણ એક રિધમ છે, તેના વાઇબ્રેશન્સ છે – તરંગો છે અને સંગીત એક બહુ સશક્ત માધ્યમ છે જેની મદદથી આપણે શરીરના રિધમને, મનની સ્વસ્થતાને એક સંતુલિત સ્તરે લાવી શકીએ. સંગીત આખરે ક્ષમતાની વાત છે, તે કલાકાર કે પરફોર્મરના જાગૃકતાનું પ્રતિબિંબ છે અને માટે જ તેનામાં રૂઝવવાની – હીલિંગની શક્તિ છે.
બાય ધ વેઃ
સંગીતને સાથી બનાવી દેવાય તો દિવાળીનો મિજાજ દિવસમાં એકાદ વાર તો અનુભવી જ લેવાય. આ કારણોસર જ સંગીતને જીવનનો અંતરંગ ભાગ બનાવવું જોઇએ. વળી દરેક રાગ તેના પ્રહર, તેના રસ પ્રમાણે કયા રોગમાં કામ લાગી શકે તેની જાણકારી આપતા મ્યુઝિક થેરાપીના કોર્સ હ્યુસ્ટનની માફક ભારતમાં શરૂ થાય તો ય મજા પડી જાય. મનના ઘા પર સંગીતથી બહેતર મલમ બીજો ન હોઇ શકે તે માનવા માટે આપણે કોઇ સંશોધન કે ડિગ્રી કોર્સની જરૂર નથી, આપણે બધા વહેલી સવારે ઑલ ઇન્ડિયા રેડિયોનું ઓપનિંગ મ્યુઝિક, રાત્રે દુરદર્શનના સમચારનું સંગીત અને મોડી રાત્રે હવા મહેલ સાંભળીને ઉછરેલાં છીએ ત્યારે સંગીતની શક્તિ સમજાવવા આપણને પશ્ચિમી સમજની જરૂર નથી. હા ત્યાંથી એ શીખવું રહ્યું કે આપણી પાસે જે લખલૂટ વારસો છે તેને સાચવવો કેવી રીતે, તેનો અમલ આધુનિક યુગમાં કેવી રીતે કરવો અને તેનું મૂલ્ય કેવી રીતે કળવું. બાકી તમારી દિવાળીમાં ધડાકા ઓછા પણ હીલિંગ સૂર અને તાલ તમારે કાને પડે એવી શુભેચ્છા.