Editorial

વિશ્વમાં મોટી મંદીનો ભય હાલ ટળી ગયેલો જણાય છે

કોવિડનો રોગચાળો હવે વિશ્વભરમાં લગભગ સમાપ્ત થઇ ગયો છે જ્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ હજી ચાલુ છે. આ બંને પરિબળોએ છેલ્લા ત્રણ વર્ષોમાં વિશ્વભરમાં મોટા આર્થિક વમળો સર્જ્યા છે. રોગચાળો હજી તો પુરો શમ્યો ન હતો અને ગત વર્ષના ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. રોગચાળાની વિપરીત આર્થિક અસરોમાંથી હજી તો વિશ્વ માંડ બહાર આવી રહ્યું હતું અને તેણે યુક્રેન યુદ્ધના પગલે સર્જાયેલા વમળોનો સામનો કરવાનો વખત આવ્યો. જો કે રોગચાળાની આર્થિક અસરો કરતા યુક્રેન યુદ્ધની આર્થિક અસરોની બાબતમાં તફાવત એ હતો કે રોગચાળાની વિપરીત આર્થિક અસરો લગભગ સમગ્ર વિશ્વ પર થઇ હતી જેની સામે રશિયા યુક્રેન યુદ્ધની વિપરીત આર્થિક અસરો અમેરિકા સહિતના પશ્ચિમી દેશો, ખાસ કરીને યુરોપિયન દેશો પર વધારે થઇ, સખત મોંઘવારી અને ચીજવસ્તુઓની અછત જેવા સંજોગો આ દેશોમાં ઉભા થયા.

આમ પણ આમાંના અનેક દેશો રોગચાળા પછી સપ્લાય ચેઇન ખોરવાવાની સમસ્યાનો સામનો કરી જ રહ્યા હતા અને તેમાં આ યુદ્ધ આવી પડ્યું અને તેણે આ દેશોની સ્થિતિ વધુ બગાડી. હજી તો યુદ્ધ ચાલુ જ હતું અને ચીનમાં કોવિડના રોગચાળાનું નવું મોજું શરૂ થયું હોવાના અહેવાલો ફરતા થયા અને આ મોજામાં હજારો લોકોના મોત થઇ રહ્યા હોવાના અહેવાલ સાથે દુનિયાભરમાં ફરીથી ગભરાટ ફેલાયો અને ફરીથી દુનિયામાં રોગચાળાનું નવું મોજું શરૂ થાય તેવી દહેશત પણ ફેલાઇ અને આની અસર વિવિધ દેશોના શેરબજારો પર પણ થઇ. પરંતુ સદભાગ્યે આવું કોઇ મોજું દુનિયામાં ફેલાયું નથી અને ચીનમાં પણ હવે રોગચાળો મંદ પડી ગયો હોવાના સંકેતો છે ત્યારે વિશ્વમાં આર્થિક પ્રવૃતિઓએ ફરી વેગ પકડ્યો છે, દુનિયાભરના શેરબજારોમાં સુધારા દેખાઇ રહ્યા છે અને મંદી સહિતના મોટા આર્થિક વમળોમાં વિશ્વ સપડાઇ શકે છે તેવો ભય હાલ તો ટળી ગયેલો જણાય છે અને એક વિશ્લેષણ પ્રમાણે ચીનનું અર્થતંત્ર ફરી વેગ પકડવાના સંકેતો બતાવી રહ્યું છે તે આખા વિશ્વના અર્થતંત્ર માટે એક આશાનું કિરણ છે.

ચીનમાં તેની સામ્યવાદી સરકારની રબર સ્ટેમ્પ સંસદનું વાર્ષિક સત્ર ચાલી રહ્યું છે અને તેમાં સરકારે દેશના અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે સરકાર પ્રયાસરત હોવાનું જણાવ્યું છે. ચીની આર્થિક અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લાખો લોકોને ઘરોમાં ગોંધી રાખનાર વાયરસ વિરોધી નિયંત્રણોના અંત પછી ૧૨ મિલિયન નવી નોકરીઓનું સર્જન કરીને અને ગ્રાહ ખર્ચને પ્રોત્સાહન આપીને તેઓ આ વર્ષના પ ટકાની આસપાસના વિકાસના લક્ષ્યને આંબી શકશે. કેબિનેટના આયોજન અધિકારીઓએ વિકાસને ફરી બેઠો કરવા માટેના ખર્ચની એ અન્ય પ્રોત્સાહનોની કોઇ વિગતો જાહેર કરી ન હતી જે વિકાસ ગયા વર્ષે ૩ ટકા સુધી નીચે જતો રહ્યો હતો. પણ તેમણે જણાવ્યું હતું કે તેઓ રવિવારે વડાપ્રધાન લી કેકિઆંગ દ્વારા જાહેર કરવામાં આવેલા લક્ષ્યોને પહોંચી વળવા શ્રેણીબધ્ધ પગલાઓનું આયોજન કરી રહ્યા છે.

ચીની અર્થતંત્રને બેઠા કરવાના પ્રયાસો વૈશ્વિક અસરો ધરાવે છે કારણ કે ચીનના નબળા રિટેલ, ઓટો અને હાઉસિંગના વેચાણને કારણે તેની આયાત ઘટી છે. આ દેશ તેના એશિયન પાડોશીઓ માટે એક મોટું નિકાસ બજાર છે અને પશ્ચિમી કંપનીઓ માટે એક મહત્વનો આવકનો સ્ત્રોત છે. અમારા ટૂલ બોક્સમાં ઘણા પોલિસી ટૂલ્સ છે એમ નેશનલ રિફોર્મ એન્ડ ડેવલપમેન્ટ કમિશનના નાયબ અધ્યક્ષ લિ ચુનલીને જણાવ્યું હતું. ચીનની સંસદની પારંપારિક વાર્ષિક બેઠક દરમ્યાન યોજાયેલ એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ જણાવાયું હતું. જો કે રવિવારે યોજાયેલ બેઠકમાં વડાપ્રધાને રજૂ કરેલ વર્ક રિપોર્ટ અસાધારણ રીતે ટૂંકો હતો અને તેમાં થોડીક જ વિગતો સમાવાઇ હતી.

જે એવું સૂચવતો હતો કે શાસક કોમ્યુનિસ્ટ પક્ષ આ મહિને નવા વડાપ્રધાન તથા મંત્રીઓની નિમણૂક થઇ જાય તેની રાહ જોઇ રહ્યો છે જે હોદ્દેદારો મોટે ભાગે દર દસ વર્ષે બદલાય છે. આ નવા પદાધિકારીઓ ચીનના અર્થતંત્રને ફરી દોડતું કરવા માટેના વિસ્તૃત પગલાઓ જાહેર કરશે એમ માનવામાં આવે છે. ચીનના અર્થતંત્રની સારી નરસી બાબતોની અસર આખા વિશ્વના અર્થતંત્રને થાય છે જે હવે નકારી નહીં શકાય કે અવગણના નહીં કરી શકાય તેવી બાબત છે. અને તેથી જ કેટલાક વિશ્લેષકો માને છે કે ચીનનું અર્થતંત્ર ફરીથી દોડવા માંડે તો તેની સાથે સાથે દુનિયાના અનેક દેશોના અર્થતંત્રો દોડવા માંડે તેમ છે અને વિશ્વ પર ઝળુંબી રહેલો આર્થિક મંદીનો ભય ટળી જાય તેમ છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજી કેટલું લંબાય તે હજી કહી શકાય તેમ નથી પરંતુ એટલું ચોક્કસ છે કે આ યુદ્ધની શરુઆતમાં તેની જે સખત વિપરીત આર્થિક અસરો પશ્ચિમી દેશો પર જોવા મળી તે હાલ તો ઘણી ઓછી થઇ ગઇ હોવાનું જણાય છે. બીજી બાજુ ચીને પણ પોતાને ત્યાં રોગચાળો ઘણે અંશે શમી ગયો હોવાની જાહેરાત કરી છે. જો કે જાન્યુઆરીમાં ત્યાં જે સ્થિતિના અહેવાલ હતા તેથી કેટલાક નિષ્ણાતો તેના દાવા અંગે શંકા કરે છે પરંતુ ચીનમાં હવે પ્રથમ નજરે હાહાકાર દેખાતો નથી તે પણ વાસ્તવિકતા છે. આ બધા સંકેતો સાથે વૈશ્વિક અર્થતંત્રમાં હાલ તો મોટી મંદીનો ભય ટળી ગયેલો જણાય છે.

Most Popular

To Top