વડોદરા: શહેરના આજવા રોડ ખાતે પિયરમાં રહેતી પરણિતાની હાથની મહેંદીનો રંગ ઉતર્યો ન હતો. ત્યાં દહેજ ભુખ્યા સાસરીયાઓએ લગ્નના ચોથા દિવસથી જ શરૂ કરેલા અત્યાચારથી ત્રસ્ત પરિણીતાએ પતિ સહિત છ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિ સાસુ પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતા ન હતા. અને એબ્રોઇડરી મશીન લાવવા માટે પિયરમાંથી રૂપિયા 10 લાખ ન મેળવી લઇ પરણિતા ઉપર ત્રાસ ગુજારતા હતા.
શહેરના આજવા રોડ પર પિયરમાં માતાપિતા સાથે રહયી યુવતીના વર્ષ-2020માં સુરતમાં રહેતા વિનીત પટેલ સાથે સમાજના રિતીરીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પરણીતાએ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને કાકા સસરા સાથે સંયુક્ત કુટુંબમાં સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. પરંતુ, પરણીતાના હાથની મહેંદીનો રંગ ગયો ન હતો. તે પહેલા જ પતિ સહિત સાસરીયાઓએ મહેણાં-ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ અને સાસરીયાઓ જણાવતા હતા કે, તારી જેઠાણી દહેજમાં રૂપિયા 2.50 લાખની ફિક્સ ડિપોઝીટ લઇને આવી છે. પરંતુ, તારા બાપે લગ્નમાં કશું આપ્યું નથી. તેમ જણાવી દહેજ ભુખ્યા પતિ તથા સાસરીયાઓએ ભેગા મળી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
દરમિયાન પરણીતા હોળી બાદ સાસરીમાં ગઇ ત્યારે સાસુએ માટલીના રિવાજમાં થતા વ્યવહારની માંગણી કરી હતી. પરણીતાએ સાસુને કહ્યું કે, અમારામાં આવો કોઇ રિવાજ નથી. ત્યારે સાસુએ કહ્યું કે, જો તું માટલીનો વ્યવહાર નહિં આપે તો ઘરમાં પ્રવેશ મળશે નહિં. આથી પરણીતાએ રૂપિયા એક-એક હજાર વ્યવહારમાં આપ્યા હતા. પરંતુ, સાસુએ એક-એક હજાર લેવાનો ઇન્કાર કરી રૂપિયા બે-બે હજાર વ્યવહારની માંગણી કરી હતી. પરણીતાએ પોતાનો સાંસારીક જીવન ન બગડે તે માટે બે-બે હજાર વ્યવહાર કર્યો હતો.
ત્યારબાદ સાસુ બેડરૂમમાં જેઠાણીની 7 વર્ષની દીકરીને સાથે સુવા મોકલીને પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતી ન હતી અને એબ્રોઇડરી મશીન લાવવા માટે પિયરમાંથી રૂપિયા 10 લાખ લઇ આવવા માટે દબાણ કરી પરણીતાને ત્રાસ આપતી હતી. ત્યારે પિતાની વ્યવસ્થા ન હોવા છતાં, રૂપિયા 10 લાખ આપ્યા હતા. ત્યારબાદ પણ પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ આપવાનું બંધ કર્યું ન હતું. અને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પરણીતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ વિનીત અશ્વિન પટેલ, સસરા અશ્વિન પટેલ, સાસુ ઉષા અશ્વિન પટેલ, જેઠ હાર્દિક અશ્વિન પટેલ, જેઠાણી નિયતિ હાર્દિક પટેલ અને સબંધી રાજેશ જાદવ પટેલ વિરુદ્ધ દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.