1970 ની આસપાસ જ્યારે સુરતના સલાબતપુરામાં રૂપમ ટોકીઝ બંધાઈ હતી ત્યારની વાત કરીએ તો રૂપમ થિયેટરના માલિક રમણલાલ બ્રીજલાલ હતા અને તેઓ સુરતના મેયરપદે હતા. થિયેટર કમ્પ્લીટ થયા પછી પહેલા શો પહેલાં સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી તેમાં મુકેશ મહાત્મા જે હાલના ભાજપના કાર્યકર્તા છે તેઓ તે કથામાં બેઠા હતા. (આ વાત મુકેશ મહાત્માના ભાઈ વિજય મહાત્માએ મને કહી હતી) અને રૂપમ થિયેટરનું જે પડદો પડતો અને ઊંચકાતો તે પડદો કોર્પોરેટર રતિલાલ બાટલાવાળાએ બનાવી આપ્યો હતો.
70 એમ. એમ. ની સ્ક્રીન અને સ્ટીરીયો ફોનિક સાઉન્ડ એ થિયેટરની આગવી વિશેષતા હતી. પહેલું પિક્ચર વેર ઇગલ્સ ડેર હતું અને તે ફિલ્મ જોવા લાઈનો લાગતી હતી. લોકો 70 એમ.એમ. ના પડદા અને સ્ટીરીયો ફોનિક ડોલ્બી સાઉન્ડના વખાણ કરતા હતા. આવું વૈભવશાળી a c થિયેટર તે જમાનામાં સુરતની આનબાન અને શાન કહેવાતું હતું ત્યારે મનોરંજન માટે પ્રથમ સાધન થિયેટરોમાં બેસી ફિલ્મ જોવાનું હતું. નવી ફિલ્મની સમયસર ટિકિટ મળી રહે તે માટે વગદાર લોકો થિયેટરના મેનેજર સાથે ઘરોબો રાખતા હતા.
લગ્ન પ્રસંગે જમવાનાં આમંત્રણ કે તહેવારોમાં મીઠાઈની ગિફ્ટ પણ આપતા હતા. થિયેટર હાઉસફુલ હોય ત્યારે તેવા વગદાર લોકોને બોક્સમાં બેસીને ફિલ્મ જોવાની સગવડ મળી રહેતી હતી. હવે જમાનો બદલાતાં લોકો ઘરે ઘરે ટી.વી. પર જ ફિલ્મો જોતાં થયાં તેથી થિયેટરો તરફ લોકોનો લગાવ ઓછો થયો. આજે કેટલાંય ઘરોમાં હોમ થિયેટરો બનાવી લોકો ઘરમાં જ ફિલ્મ જુએ છે. થિયેટરોના વૈભવશાળી જમાનાનો હવે અસ્ત થયો છે અને તેનું મૂક સાક્ષી એક જમાનાનું વૈભવશાળી કહેવાતું રૂપમ સિનેમા ભૂતકાળની જાહોજલાલીની યાદ અપાવતું હજુયે ડચકાતું ડચકાતું ચાલી રહ્યું છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.