શહેરા: શહેરા ના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાક સહિત ઇંટોના ભઠ્ઠાઓને પણ નુકશાન થયેલ હતુ. તાલુકા પંથકના ખેડૂતો ઉનાળા પાક થયેલ નુકશાન ને લઈને સરકાર પાસે સહાયની માંગ કરી રહયા છે…
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડા સાથે આવેલ વરસાદના કારણે જગતનો તાત ચિંતાતુર થયો હતો.વાંટાવછોડા ગામ સહિત તાલુકાના અનેક ગામોમાં ઉનાળુ પાક તેમજ શાકભાજી અને કેરીના પાકને નુક્શાન જવાની શક્યતાને લઈને ખેડૂત વર્ગ હાલ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. પવન સાથે આવેલા વરસાદના કારણે બાજરી સહિત અન્ય ખેતરમાં રહેલ પાક તેમજ સુકો ઘાસચારો પણ પલડી જતા ખેડૂત ની અનેક આશા પર પાણી ફરી વળ્યુ હતુ.
ઈંટોના ભઠ્ઠા તેમજ કાચા મકાનની દીવાલોને પણ નુકશાન આ વરસાદ ના કારણે થયેલ હોવાનું જાણવા મળી રહયુ છે. સરકાર વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને બને તેટલી મદદ કરે તેવી આશા પણ હાલ ખેડૂતો રાખી રહયા છે. ‘” તાઉ તે “” વાવાઝોડા સાથે આવેલા વરસાદે સામાન્ય માણસ તેમજ ખેડૂત વર્ગ ને પણ મુશ્કેલીમાં મૂકી દેવા સાથે જનજીવન પર તેની અસર થવા પામી હતી. ત્યારે વહીવટીતંત્ર હવે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી જઈને પરિસ્થિતિનો તાગ મેળવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે.
વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ખેતરમાં રહેલા અમારા ખેતી પાકને નુકશાન થયુ છે. ખેતીના પાક સાથે અમારો પશુઓનો ઘાસચારો પણ પલડી ગયો છે. સરકાર ખેડૂતોને પાક નુકશાન ને લઈને સહાય કરે તેવી અમારી માંગ છે. ઉલ્લેખનિય છે કે અચાનક આવી પડેલા વાવાઝોડાને કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. કારણ કે ઉભો પાક પવનને કારણે જમીન દોષ થઇ ગયો છે. જ્યારે કેટલોક પાક પલડી ગયો છે.