Comments

ખેડૂત પાણીના અભાવે લાચાર બની જાય છે

સૌરાષ્ટ્રમાં કયાંય બારમાસી વહેતી નદી નથી. વિકાસનો મુખ્ય આધાર ખેતી છે અને ખેતી વરસાદ આધારિત છે. અધૂરામાં પૂરું દરિયાતટ નજીકની જમીન ક્ષારયુક્ત છે, તો મધ્ય ગુજરાતની જમીન ખડકાળ છે. ખેતીની ઉપજ પાંખી રહેતાં ખેતમજૂરોને આખું વર્ષ રોજીરોટી મળતી નથી. સ્થળાંતર કર્યા વિના બીજો ઉપાય રહેતો નથી. આજથી ચારેક દાયકા પહેલાં તો ગુજરાતની ગૌરવગાથામાં ગવાતું કે “નદીયું, ખળકે નિરઝળાં-મલકતાં પીએ માલ ચાર પગાં ચરતાં ફરે જ્યાં કદી ના આંગણ કાળ” તેવા પ્રદેશો, હવે સુકાતા ચાલ્યા છે.

૧૯૬૦થી ૪૦ વર્ષ દરમ્યાન રાજકોટ જિલ્લામાં ૧૬ વર્ષ દુષ્કાળ રહ્યો છે. જ્યારે ભાવનગર જિલ્લાએ ૧૩, અમરેલી જિલ્લાએ ૧૨ અને ભાલ પ્રદેશે ૧૫થી વધુ દુષ્કાળ પસાર કર્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક સંસ્થાઓ અને જળ સંસાધન વિભાગ દ્વારા ચેક ડેમો બંધાયા છે પણ તેથી કુલ ખેતીની જમીનના માત્ર ૩૮ % ને સિંચાઇનો લાભ મળ્યો છે. બીજી તરફ વરસાદની અનિયમિત સ્થિતિના કારણે હવે કૃષિ માટેના ડેમોનું પાણી શહેરી વસ્તી પૂરતું, અનામત રહેવા લાગ્યું છે અને ભૂગર્ભમાંથી પાણી ખેંચવાની પ્રવૃત્તિ પણ વધી છે. ૧૯૯૫માં જે ક્ષેત્રમાં ૨૨થી ૨૬ મીટરના ઊંડાણે પાણી મળતું, ત્યાં પાણીનાં તળ ૪૦ થી ૫૮ મીટર સુધી ઊંડાં જતાં રહ્યાં છે. એટલું જ નહીં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ૭૬૦ ગામોમાં ભૂતળ ક્ષારયુક્ત અને ફ્લોરાઇડયુકત બન્યાં છે.

વસ્તીવધારાના કારણે પાણીનો એકંદરે વપરાશ વધ્યો છે. ભૂતળની જળસંગ્રહની ક્ષમતા ઘટી છે. અનિયમિત ચોમાસાના કારણે ચેકડેમો મહદંશે ખાલી રહે છે ત્યારે પ્રશ્ન થાય કે પાણીના અભાવે ગામડાંઓની શી સ્થિતિ રહેતી હશે? પાણીના અભાવની સ્થિતિમાં સામાજિક વ્યવસ્થા કઈ તરફ જશે? આ ભૂમિકાથી પાણીના અભાવના કારણે જેમનો વિકાસ સ્થગિત થયો છે તેવા ગુજરાતનાં ૫,૦૦૦ કુટુંબો વચ્ચે ફરીને તેમની સ્થિતિનો અભ્યાસ આ લેખના લેખકે તાજેતરમાં કર્યો છે જેની વિગતો વાચકો માટે રસપ્રદ બનશે.

પાણીની વિશેષ અછત ભોગવતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામોમાં આજે પાણી પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન સરેરાશ ૩૦-૩૨ દિવસમાં ૬૦-૮૦ સે.મી. વરસાદ નોંધાય છે. આમ છતાં ડિસેમ્બર મહિનો આવતાં ગામડાંઓ પાણીની અછત વચ્ચે ઘેરાવા લાગે છે. અનેક ગામોને પાણી મેળવવા માટે આજે પણ ૩ થી ૪ કિ.મી. દૂરના અંતરે પણ જવું પડે છે. વધતા તાપમાનના કારણે વૃક્ષોનો નાશ થતો રહે છે અને જમીનની જળસંગ્રહશક્તિ ઘટતી જાય છે. જસદણ તાલુકાના ચિતલિયા ગામે હવે સ્થાનિક રીતે પાણી મળવાનું શક્ય નથી. આથી પુરુષો ધંધારોજગારને ગૌણ રાખીને સાઇકલ ઉપર, બળદગાડામાં અથવા મોટરસાઇકલ લઈ દૂરનાં વાડી-ખેતરોથી પાણી લાવે છે.

પાણી જેવા જીવનમાં પ્રાથમિક સ્રોતના અભાવથી ત્રસ્ત ગામડાંઓ હવે તૂટી રહ્યાં છે, જેની પ્રતીતિ અભ્યાસમાં પણ સ્પષ્ટ થઈ છે. એટલુ જ નહીં પણ પાણીની કાયમી અછત ભોગવતાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા છે. માધ્યમિક શાળાઓ પણ છે. આરોગ્યલક્ષી સુવિધાઓ છે. પશુ સારવાર કેન્દ્ર જેવી પ્રાથમિક સુવિધાઓ તો ઉપલબ્ધ છે. પરંતુ પાણીની ખેંચથી ગામડાંઓમાં ખેતી આનુષંગિક વ્યવસાયોનું માળખું નબળું હોવાથી ઉપલબ્ધ સુવિધાઓનો પૂરતો ઉપભોગ નથી.

પાણી અને પશુ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરતા સમયે બાબાપુર ગામે રાત્રીસભામાં ૭૦ વર્ષનાં માજીએ ઊભા થઈ કહ્યું : “ભાઈ, અમારું એક ગામ સવાર-સાંજ ૧૨૦૦ મણ દૂધ ભરતું અને આજે !! અમારે ખુદે કોથળીનું દૂધ પીવાનો વારો આવ્યો છે !!! આટલું બોલતાં માડી ધ્રુસકે-ધ્રુસકે રડી પડયાં. ચારા-પાણીના અભાવે પાંજરાપોળોમાં મૂકવા પડતાં પોતાનાં પશુઓની યાદ આવતાં સભામાં હાજર સહુ લોકો ગળગળાં થઈ ગયાં. પાણીના અભાવે જ્યાં ખેતી અને પશુપાલન નબળાં પડી ગયાં છે તે ગામોમાં ગામનાં યુવકોને કોઈ છોકરી આપતું નથી.

ધીરધારનો ધંધો વધ્યો છે તે શરાફી મંડળીઓની લોન આપવાની કામગીરીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે સ્પષ્ટ જોવા મળ્યું. પાણીની ખેંચ છતાં આર્થિક ઉપાર્જન ટકાવી રાખવા નાગરિકો રાહતકામોમાં જાય-આવે છે. આવાં ગામડાંઓમાં સંકલિત બાળ અને મહિલાવિકાસ યોજના અન્વયે આર્થિક વિકાસ અને બાળકો માટે પોષક આહારનાં કામો જરૂરી દેખાય છે. પાણીની અછતના કારણે વિકાસથી વંચિત રહેતાં અને વિકાસની મુખ્ય ધારામાંથી બહાર ખસી રહેલાં ગામડાંઓમાં જમીનનું કદ વિશાળ હોવા છતાં કૃષિ ઉત્પાદન નબળું રહેતા વૃદ્ધોના હવાલે ગામ મૂકી યુવાનો શહેરો ભણી ધસી રહ્યાં છે.

પાણીના અભાવે સર્જાતી આર્થિક, સામાજિક સ્થિતિ અંગેના અભ્યાસમાં જોવા મળે છે કે કાંઠા વિસ્તાર અને મધ્ય ગુજરાત સહિત ખડકાળ વિસ્તારમાં પાણીના અભાવે આર્થિક વિકાસ સ્થગિત થયો છે. આજે ખેડૂતો ખેતીના મુખ્ય સાધન તરીકે ટ્રેકટર ખરીદ કરી કાયમી રોકાણ કરતાં અચકાય છે. પરંતુ બળદની જોડી રાખે છે અને પશુઓનું સેન્દ્રિય ખાતર ઉપયોગમાં લે છે. જો કે આવી પરંપરાગત સ્થિતિ વચ્ચેથી ખેડૂતો બહાર આવવા માંગે છે. પણ પાણીના અભાવના કારણે લાચાર છે. “પાણી એ ઊર્જા છે, પાણી એ નાણું છે.” આ સમજ ગામડાના સામાન્ય માણસની છે અને તેઓનો વેધક સવાલ રહે છે કે પાણીની અસમાન વહેંચણી કેમ? પાણીના કારણે વિકાસથી વંચિત બનેલાં નાગરિકોનો આ સવાલ ન્યાયી વિકાસ કે સમતોલ વિકાસ માટે ચિંતિત સહુ કોઈ માટે પડકારરૂપ બને છે.

ચેકડેમ જેવા પાણીના સશક્ત સ્રોતના કાંઠે વસેલાં ગામડાંનાં લોકો માટે સંશોધનનો સવાલ હતો. “તમારી સ્થિતિ પ્રમાણમાં સારી છે તો સારું એટલે શું?’’ આવા પ્રશ્નના જવાબમાં ગ્રામીણોએ કહ્યું “સારું ઢોર એક લાકડી વધુ ખમી શકે તેમ અમે એકાદ-બે દુષ્કાળ વચ્ચે પણ પાણીના ટેકે ટકી જઈએ, મારા ભાઈ !! બીજું શું !!!” મુલાકાત એકમનાં જે ગામડાંઓમાં આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી જણાય છે, ત્યાં પણ આર્થિક વિકાસનું મુખ્ય પરિબળ પણ પાણીની સારી સુવિધા રહ્યાનું જ સ્પષ્ટ થાય છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top