સુરત : હિન્દુઓની આસ્થા સમાન અયોધ્યાના રામમંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, અયોધ્યામાં સૌથી મોટુ દાન કરનાર પરિવાર મૂળ પાકિસ્તાનનો છે. વિભાજન વખતે ભારત આવી ગયેલા લખી પરિવાર તરફથી રામમંદિરને 101 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે અને હાલની બજાર કિંમત પ્રમાણે આ સોનું આશરે 68 કરોડની કિંમતનું થાય છે.
- લખી પરિવારે આપેલા 101 કિલો સોનાના દાનમાંથી ગર્ભગૃહના દરવાજા બન્યા છે
- સામાજિક પ્રસંગોમાં દિલીપકુમાર લખી સુરતમાં અનેક વખત આવી ચૂક્યા છે
લખી પરિવારના મોભી દિલીપકુમાર લખીના સાળા સુરતમાં રહે છે. તેમના સાળા શ્યામકુમાર મુંજાલના જણાવ્યા અનુસાર તેઓ પહેલા મુંબઇ રહેતા હતાં અને છેલ્લા 35 વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે. તેમના બનેવી હીરાના કારોબાર સાથે સંકળાયેલા છે અને મુંબઇમાં જ રહે છે. તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનનો છે અને જ્યારે ભાગલા થયા ત્યારે તેઓ ભારત આવી ગયા હતાં. આમ તો સમગ્ર સિંધી સમાજ જ તે સમયે ભારત આવી ગયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે કોઇ સામાજિક પ્રસંગો હોય ત્યારે જ તેમના બનેવી સુરત આવે છે. લખી પરિવાર શરૂઆતથી જ સેવાની ભાવના સાથે સંકળાયેલો છે. લખી પરિવારે સમગ્ર હિન્દુ સમાજની આસ્થા સમાન રામમંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે જે અત્યાર સુધીમાં આપવામાં આવેલું સૌથી મોટુ દાન છે. વિભાજનના કારણે પાકિસ્તાનને કેટલું નુકસાન થયું તેની તો જાણકારી નથી પરંતુ લખી પરિવાર જેવા અનેક રત્નો તેણે ગુમાવ્યા છે તે સનાતન સત્ય છે.
આ છે દિલીપકુમાર લખીનો પરિવાર
દિલીપકુમાર લખીના પિતા વિશિનદાસ હોલારામ ભારત-પાકિસ્તાનના વિભાજન પહેલા 1944માં જયપુર આવી ગયા હતાં. દિલીપકુમાર લખી 13 વર્ષની ઉંમરમાં જ વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતાં અને સાથે સાથે પિતાને વેપારમાં મદદ પણ કરતાં હતાં. 1972માં તેઓ મુંબઇના ઝવેરી બજારમાં આવ્યા હતાં અને વેપાર શરૂ કર્યો હતો. દિલીપકુમાર લખીના ત્રણ ભાઇઓ મોતીરામ વી. લખી, પ્રકાશ વી. લખી અને દીપક વી. લખી હોંગકોંગ, ન્યૂયોર્ક અને સંયુક્ત અરબ એમિરાતમાં વેપાર સંભાળે છે.
લખી પરિવારના દાનથી આ વસ્તુઓ બનાવવામાં આવી
લખી પરિવારને આપેલા સોનાના દાનમાંથી રામમંદિરના ગર્ભગૃહના દરવાજા બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં ત્રિશુળ, ડમરુ અને સ્તંભો બનાવવામાં પણ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, રામ મંદિર નિર્માણ માટે આપવામાં આવેલું આ સૌથી મોટુ દાન છે. તેમના પછી બીજા નંબરે મોરારીબાપુના અનુયાયીઓએ 16.3 કરોડનું દાન કર્યું છે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર 11 કરોડનું દાન આપનાર સુરતના જ ગોવિંદ ધોળકિયા અને 11 કરોડનો મુગટ આપનાર મુકેશ પટેલનો સમાવેશ થાય છે. સુરતના જયંતિભાઇ કબૂતરવાલાએ પણ 4 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.