સુરતઃ આજે તા. 23 ઓગસ્ટની સવારે સુરતનો એક પરિવાર પોતાના 15 વર્ષના દીકરાનો મૃતદેહ લઈ સુરત પોલીસ કમિશનરે પહોંચ્યો હતો. ડેડબોડી સાથે પોલીસ કમિશનર કચેરી પર પરિવાર અને તેમના સંબંધીઓ પહોંચતા પોલીસ કમિશનર કચેરીમાં હોબાળો મચી ગયો હતો. પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પરિવારે દીકરાના મોત માટે એક બિલ્ડરને જવાબદાર ઠેરવતા તેની સામે કાર્યવાહીની માંગણી કરી હતી.
સિંગણપોરની ધારા હેવન સાઈટના ચોથા માળેથી પટકાતા 15 વર્ષીય ચિરાગ મીઠાપરાનું મોત નિપજ્યું
પરિવારજનો ચિરાગના મોતની યોગ્ય તપાસની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી પર ધસી ગયા
ચિરાગના મોત અંગે યોગ્ય તપાસ કરવાનું આશ્વસન આપી પોલીસે પરિવારને પરત વાળ્યો
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરીદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર અગાઉ છૂટક કામ કરવા જતો હતો. રક્ષાબંધનના તહેવાર માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઈટ પર હાલ કામ બંધ હતું. દરમિયાન ચિરાગ સાઈટ પર ગયો હતો અને ત્યાં ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાઈને મૃત્યુ પામ્યો હતો.
બનાવની જાણ થતા તેના પરિવારજનો અને સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન પરિવારે આશંકા વ્યક્ત કરી હતી કે ચિરાગનું મોત અકસ્માત નથી. તેમણે યોગ્ય તપાસની માંગણી કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ ચિરાગની ડેડબોડી એમ્બ્યુલન્સમાં મુકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્નસ આપી પરત મોકલ્યા હતા.