સુરત: સુપ્રીમ કોર્ટએ (Supreme court) કાન આમળ્યા પછી કોરોનામાં (Corona) મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને વળતર માટે સરકાર દોડતી થઈ જવા પામી છે. સરકાર દ્વારા ફોર્મ (Form ) ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવાથી માંડીને વળતર માટેની પ્રક્રિયા તેજ બનાવી દેવામાં આવી છે. જેમાં સુરત (Surat) શહેર માટે 10 કરોડ અને સુરત જિલ્લા માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી પણ કરી દીધી છે. સરકારે કરેલી ફાળવણી જોતાં હાલના તબક્કે 50 હજાર લેખે સુરત સિટીમાં 2000 જેટલા અને સુરત જિલ્લામાં 400 મૃતકોના પરિવારજનોને વળતર મળશે.
- સુપ્રીમ કોર્ટએ કાન આમળ્યા પછી વળતર માટે સરકાર દોડતી થઈ જવા પામી
- 12 કરોડ પૈકી 10 કરોડ સુરત શહેર અને 2 કરોડની જિલ્લા માટે ફાળવણી, જોકે, સત્તાવાર મોત માત્ર 1956 જ છે
કોરોનાને લઇને દેશભરમાં હાહાકાર મચ્યો છે. કોરોના વાયરસે સમગ્ર દેશના અર્થતંત્રને પાટા ઉપરથી ઉતારી પાડવા સહિત અનેક પરિવારમાં માતમ ફેલાવી દીધો હતો. કોરોનામાં સ્વજનો ગુમાવનારા પરિવારમાં ભારે રંજ ફેલાયેલો છે. આ અરસામાં દેશની સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારે ચાબુક ફટકારી કોરોનાના મૃતકોના સ્વજનોને સહાય ચૂકવવા આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે સરકારે કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિવારને પચાસ હજાર વળતર ચૂકવવા તૈયારીઓ કરી છે. સરકારે આ માટે તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે અને સાથે સાથે ગ્રાન્ટની ફાળવણી પણ શરૂ કરી દીધી છે.
હાલ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના વળતર માટેના ફોર્મ ભરાઇ રહ્યાં છે પરંતુ સરકાર પાસે ચોપડે જે સત્તાવાર વિગતો છે તે મુજબ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના મૃતકો માટે બાર કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે. સત્તાવાર રીતે આખા સુરત જિલ્લામાં કુલ મરણાંક 1956 છે. જેમાં 486 ગ્રામ્ય વિસ્તાર તેમજ 1468 સુરત શહેર વિસ્તારના છે. સરકારી દફતરે નોંધોયેલા આ આંકડાને જોઇ વળતર ચૂકવવામાં ચૂક ન થાય તે માટે બાર કરોડની ગ્રાન્ટ ફાળવી દેવાઇ છે. આ ગ્રાન્ટ પૈકી દસ કરોડ સિટી માટે અને બે કરોડ ગ્રામ્ય માટે અપાયા છે. આગામી દિવસોમાં ફોર્મ ભરાઇ ગયા બાદ તબકકાવાર ચેકની ચૂકવણી શરૂ કરાશે. જે રીતે ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે તે જોતાં સત્તાવાર મોત કરતાં વધુ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવું પડશે તેવી સંભાવના જોવાઈ રહી છે.