Editorial

ડોલરની સામે રૂપિયાનું પતન કેન્દ્રની મોદી સરકારની શાખ પણ ઓછી કરી રહ્યું છે

ફરી ડોલરની સામે રૂપિયો ગગડી ગયો. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એક ડોલરનો ભાવ 4 રૂપિયાની આસપાસ હતો. આઝાદી બાદથી રૂપિયો સતત ડોલર સામે ગગડતો જ રહ્યો છે. ક્યારેય એવું બન્યું નથી કે લાંબા સમય સુધી રૂપિયો ડોલરની સામે મજબૂત થયો હોય. ડોલરની સામે રૂપિયો ગગડવાથી નિકાસમાં ફાયદો થાય છે પરંતુ તેની સામે આયાતમાં એટલો જ માર પડે છે. ભૂતકાળમાં જ્યારે ડોલરની સામે રૂપિયો ગગડતો હતો ત્યારે ભાજપના નેતાઓ કોંગ્રેસની સરકારને જવાબદાર ઠેરવતા હતા.

હાલમાં જ્યારે ભાજપની જ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર છે ત્યારે પણ રૂપિયો ડોલરની સામે ગગડી જ રહ્યો છે. ડોલરની સામે રૂપિયાના પતનને ભારતની કોઈપણ સરકાર અટકાવી શક્યું નથી. ચાહે તે ભાજપની સરકાર હોય કે પછી કોંગ્રેસની. ડોલરની સામે રૂપિયો 78.96 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. એટલે કે લગભગ 79 રૂપિયાની સામે એક ડોલર મળે છે. ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ડોલરની સામે રૂપિયો ગગડી રહ્યો છે અને ભારતનું અર્થતંત્ર ધીરેધીરે નબળું થઈ રહ્યું છે.

ડોલરની સામે રૂપિયાના પતનને અટકાવવા માટે થોડા સમય પહેલા જ આરબીઆઈ દ્વારા રેપોરેટર વધારવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા અન્ય પગલાઓ પણ લેવામાં આવ્યા પરંતુ તેમ છતાં પણ આ મહિનામાં જ ડોલરની સામે રૂપિયામાં 1.87 ટકાનો ઘટાડો થયો છે. આ જોતા. વર્ષ 2022માં અત્યાર સુધીમાં ભારતીય ચલણમાં 6.28 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ડોલરની સામે રૂપિયા 79.50 સુધી પહોંચી જશે. એટલે કે 80નો આંક તેનાથી દૂર નહીં હોય.

મંગળવારે રૂપિયો 48 પૈસા તૂટ્યો હતો. જ્યારે બુધવારે રૂપિયો 11 પૈસા તૂટ્યો હતો. આમ તો એવું માનવામાં આવી રહ્યું છે કે વિદેશી રોકાણકારો દ્વારા એક જ મહિનામાં ભારતીય બજારોમાંથી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પરત લઈ લેવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે અમેરિકામાં મોંઘવારી અને ફુગાવો વધી રહ્યો છે. જેને પહોંચી વળવા માટે રોકાણકારો પોતાનું રોકાણ પરત લઈ રહ્યા છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી 2.25 લાખ કરોડનું રોકાણ પરત ખેંચાઈ ગયું છે. પી-નોટ દ્વારા પણ વિદેશી રોકાણમાં ઘટાડો જોવા મળ્યો છે. યુએસ રિઝર્વ દ્વારા અગાઉ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ ડોલર મજબુત થયો હતો અને તેની માંગ વધી હોવાથી રૂપિયાનું પતન થયું હતું.

આખા વિશ્વમાં હાલમાં રશિયા-યુક્રેનનું યુદ્ધ અને સાથે સાથે અન્ય ભૌગોલિક કારણોથી અનિશ્ચિત્તાનો માહોલ છે. આખા વિશ્વમાં સૌથી મજબુત ચલણ તરીકે ડોલરને માનવામાં આવે છે અને તેને કારણે જ તમામ રોકાણકારો ડોલરને ખરીદવા માટે દોડી રહ્યા છે. ડોલરની ખરીદીને કારણે સામે અન્ય ચલણોમાં રૂપિયો નબળો પડી રહ્યો છે. આ સ્થિતિની સાથે સાથે ક્રુડ ઓઈલમાં થઈ રહેલો ભાવ વધારો પણ રૂપિયાને મુસીબતમાં મુકી રહ્યો છે.

ડોલરની સામે રૂપિયો ગગડવાને કારણે હવે તમામ આયાતો મોંઘી થઈ રહી છે. ક્રુડ વધારે મોંઘું થશે કારણ કે ભારત તેના કુલ ક્રુડ ઓઈલ પૈકી 85 ટકા આયાત કરે છે. ક્રુડના ભાવોની સીધી અસર પેટ્રોલ-ડિઝલ પર અને તેને કારણે ફરી મોંઘવારીમાં વધારો થશે. જે રીતે આયાતકારોને રૂપિયો ગગડવાનું નુકસાન થશે તેવી જ રીતે નિકાસકારોને તેનાથી ફાયદો પણ થશે. એનઆરઆઈ માટે ભારતમાં રોકાણનો આ સારો અવસર છે.

જોકે, નિકાસનું પ્રમાણ આયાતની સરખામણીમાં ઘણું ઓછું હોવાથી ફાયદાને બદલે નુકસાન વધું થશે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે આરબીઆઈ વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરવો પડશે. જેને કારણે આ ભંડોળ ઘટશે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવાની જવાબદારી જે તે કેન્દ્ર સરકારની હોય છે. જેને કારણે હવે કેન્દ્રની મોદી સરકારની એ જવાબદારી બને છે કે રૂપિયો ગગડતો અટકે અને ડોલરની સામે વધુ મજબુત થાય. ભારત એટલું મોટું ઉત્પાદક દેશ નથી. જેને કારણે તેણે મોટાભાગની વસ્તુઓ વિદેશથી આયાત કરવી પડે છે. આ સંજોગોમાં ડોલરની સામે રૂપિયાની નબળાઈ ભારતના અર્થતંત્રને મોટો ફટકો મારી શકે છે.

ભૂતકાળની સરકારો દ્વારા આ રીતે રૂપિયાને વધુ ગગડતો અટકાવવામાં આવ્યો જ છે પરંતુ આ વખતની મોદી સરકારે હજુ સુધી આ સમસ્યા પ્રત્યે જોઈએ તેટલું ધ્યાન આપ્યું નથી. રૂપિયાનું ડોલરની સામે પતન સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે ભારતના અર્થતંત્ર માટે મોટી મુશ્કેલી સર્જી શકે તેમ છે જેથી આ મુદ્દે કેન્દ્ર સરકાર વહેલી જાગે અને રૂપિયાને બચાવે. નહીં તો રૂપિયો ગગડતો ડોલરની સામે 100નો આંક પાર કરી જશે તે નક્કી છે.

Most Popular

To Top