ભવિષ્યે ભલભલા અભિનેતાઓને, અભિનય ક્ષેત્રે ભારે પડે એવા એક અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કે પછી એને પતાવી દેવામાં આવ્યો હતો, એ વાત બારેક મહિના પછી પણ વણઉકલી રહી છે. ખૂબ મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર રોડ ટચ એક વિસ્ફોટકો ભરેલી ગાડી મળી આવી હતી. એ ભયજનક ઘટના સંદર્ભે બિચારા એક ગુજરાતી વેપારીનું કથિત રીતે ખૂન પણ કરી નાંખવામાં આવ્યું હતું. વર્તમાને આ આખો મામલો કયાં પહોંચ્યો છે, એની સમાજને કોઇ જ ભાળ નથી.
તાજેતરમાં મુંબઇ ખાતેના ઉદ્યોગપતિ અને જાણીતાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદરાને, પોર્નફિલ્મોના મામલે હિરાસતમાં લીધા છે. આવી ઘટનાઓ બને ત્યારે શરૂઆતમાં પોલીસ ખાતા તરફથી ધમધમાટ અને ધોધમાર તપાસનો દોર શરૂ થાય છે. સમયના વિતવા સાથે બધું નરમ અને ઠંડુ પડતું જાય છે. આ સ્થિતિએ પ્રશ્નો તો ઊભા જ છે કે, સુશાંતસિંહના કેસમાં, મુકેશ અંબાણીના કેસમાં તથા પોર્ન ફિલ્મોને કારણે પકડાયેલા રાજકુંદરાના કેસમાં આગળ ઉપર તથ્યો બહાર આવશે ખરાં?! ત્યાર પછી કસુરવારોને યોગ્ય સજા થશે ખરી?! કે પછી ‘સમરથકો ના કોઇ દોષ ગુંસાઇ’ ની જેમ બધું રફેદફે થઇ જશે?! સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.