Charchapatra

ગોવામાં વિદેશી ટુરિસ્ટો ઘટી ગયાં છે તે ગોવાની સંસ્કૃતિ માટે સારા સમાચાર છે

ભારતીય અને વિદેશી સહેલાણીઓનું સ્વર્ગ મનાતું ગોવા હવે પડી ભાંગ્યું છે એવા હેવાલોનું ખંડન કરવા ગોવાની સરકાર તનતોડ મહેનત કરી રહી છે. તેનું કારણ એ છે કે ગોવા રાજ્યનું સમગ્ર અર્થતંત્ર પર્યટકો ઉપર નભે છે. ગોવામાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, શોપિંગ વગેરે ક્ષેત્રોમાં ગોવાનાં લાખો લોકોને રોજી મળે છે. ગોવામાં જો સહેલાણીઓ આવતાં બંધ થઈ જાય તો ગોવાનું આખું અર્થતંત્ર ખોરવાઈ જાય તેમ છે. એક બાજુ પર્યટન ઉદ્યોગને કારણે ગોવામાં લાખો લોકોને નોકરીઓ મળે છે તો બીજી બાજુ પર્યટકોની અવરજવર, હોટેલો, ડિસ્કો થેક, ફાઇવ સ્ટાર વેશ્યા વ્યવસાય વગેરેને કારણે ગોવામાં પર્યાવરણીય તેમ જ સાંસ્કૃતિક પ્રદૂષણ પેદા થાય છે, જેને કારણે ગોવાનાં કેટલાંક લોકો પર્યટન ઉદ્યોગ સામે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. તેઓ તો ગોવામાં ટુરિસ્ટો ઘટી ગયાં તેનાથી રાજીના રેડ છે. કદાચ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરીને તેઓ જ ઝુંબેશ ચલાવી રહ્યા છે કે ગોવામાં આવવા જેવું નથી, કારણ કે ગોવાનાં કેટલાંક લોકો ટુરિસ્ટોને હેરાન કરે છે.

ગોવાના સરકારી આંકડાઓ કહે છે કે આ વખતે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યાના સંદર્ભમાં ગોવાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગોવાનું ડાબોલિમ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની ભીડથી ધમધમતું રહ્યું. આ સમયગાળા દરમિયાન ૧.૨૦ લાખ મુસાફરો ૬૮૩ સ્થાનિક ફ્લાઇટો અને ૨૭ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પર ૪,૭૦૦ મુસાફરો ગોવામાં આવ્યાં હતાં. ૨૦૨૩ની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૨૪માં ક્રિસમસ અને નવા વર્ષ માટે ગોવામાં આવતાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ ૨૭ ટકાનો વધારો થયો છે. ગોવાએ ડિસેમ્બર ૨૦૨૪માં ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં ૭૫.૫૧ કરોડ રૂપિયાની વધુ કમાણી કરી હતી. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે ગોવાની કુલ આવક ૪,૬૧૪ કરોડ રૂપિયા થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૩૬૩ કરોડ રૂપિયા વધુ છે. ગોવામાં પ્રવાસન સ્થાનિક લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્રોત પણ છે. ગોવામાં હોટેલ્સ, હોમસ્ટે, ટેક્સી કે બસ સેવાઓ અને સ્થાનિક હસ્તકલા અને સુવેનિયર ચીજો વેચતાં લાખો લોકો પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલાં છે.

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે ગોવામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાના દાવાને ફગાવી દીધો છે. કેટલાંક લોકોએ સોશ્યલ મિડિયા પર લગભગ નિર્જન બીચ, રેસ્ટોરન્ટ અને રસ્તાઓની તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં હતાં. મુખ્ય મંત્રીએ દાવો કર્યો હતો કે રાજ્યની તમામ હોટલો અને બીચ લોકોથી ભરેલા છે. તેમણે સોશ્યલ મિડિયા પ્રભાવકોને આ સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી છે.

નવા વર્ષની ઉજવણી દરમિયાન ગોવા ખાલી હોવાનું મુખ્ય પ્રધાને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે ભારત અને વિશ્વના અન્ય ભાગોમાંથી આવતાં તમામ પ્રવાસીઓ રાજ્યમાં મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. પ્રવાસીઓને આવકારવા માટે લોકપ્રિય ચર્ચ, દરિયાકિનારા અને મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી નવા વર્ષ નિમિત્તે રસ્તાઓ પર ઘણી ભીડ હતી અને આવનાર દરેકનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોવાના પર્યટન મંત્રી રોહન ખંતેએ આરોપ લગાવ્યો હતો કે ખાસ ટૂલકીટના માધ્યમથી કેટલાક સોશ્યલ મિડિયા પ્રભાવકોને પૈસા આપવામાં આવ્યા હતા, જેથી તેઓ ગોવાની છબીને ખરાબ કરી શકે.

એક એક્સપેરિએન્શિયલ ટ્રાવેલ કંપનીના સ્થાપક વરુણ હેગડેએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં એક્સપેરિએન્શિયલ ટૂરિઝમની માંગ વધી છે. હવે લોકો સ્થાનિક સંસ્કૃતિ, પ્રાદેશિક ખોરાક અને અન્ય પ્રવૃત્તિઓ જેવી બીચ અને પાર્ટીઓથી આગળની વસ્તુઓ શોધવા માંગે છે. આ કારણે કદાચ ફાઈવ સ્ટાર હોટેલોમાં અને ક્લબોમાં ભીડ ઘટી ગઈ છે, પણ તે ભીડ જંગલ રિસોર્ટ અને ઈકો ટુરિઝમ તરફ વળી છે. ઘણાં અમીર ભારતીયો ગોવામાં સેકન્ડ કે ત્રીજું ઘર ખરીદી રહ્યાં છે, જેના કારણે હોટેલોની ઓક્યુપન્સી પર અસર પડી રહી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ગોવામાં પર્યટનમાં ઘટાડો થયો છે. થાઈલેન્ડ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની વધતી માંગને કારણે ગોવાના પ્રવાસન પર અસર પડી છે, પરંતુ તે અસર એવી નથી કે ગોવાનો પર્યટન ઉદ્યોગ ભાંગી પડે.

ગોવાના સાંસ્કૃતિક અને વારસાના પ્રેમી તેજસ પંડિત માને છે કે ગોવાએ તેની સાચી ઓળખ જાળવી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણાં પૂર્વજોએ જે ગોવા છોડી દીધું હતું તે, હવે ખોવાઈ રહ્યું છે. આજકાલ ગોવામાં સ્થાનિક વ્યવસાયોમાં બહુ ઓછાં સ્થાનિક લોકો છે. પ્રવાસીઓને જે ગોવા બતાવવામાં આવી રહ્યું છે તે ગોવા નથી, જે આપણાં પૂર્વજોએ છોડી દીધું હતું. ગોવાની સંસ્કૃતિમાં ફાઈવ સ્ટાર હોટેલો અને ડિસ્કો માટે કોઈ સ્થાન નહોતું. ગોવા તેનાં મંદિરો, ચર્ચો અને અભયારણ્યો માટે જાણીતું હતું. જેઓ સેક્સ ટુરિઝમ માટે ગોવા આવતા હતા તેઓ હવે બેંગકોક કે મનીલા તરફ વળી જતાં હોય તો તેથી ગોવાને કોઈ નુકસાન નથી. ગોવા સરકારે વિદેશી પર્યટકોને બદલે દેશી પર્યટકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના માટે સુવિધા ઊભી કરવાની જરૂર છે.

ગોવામાં વિદેશી પર્યટકોની સંખ્યામાં થયેલો ઘટાડો મુખ્યત્વે એ હકીકતને કારણે જોવા મળી રહ્યો છે કે રશિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોનાં પ્રવાસીઓ, જેઓ એક સમયે નિયમિત મુલાકાત લેતાં હતાં, તેઓ હવે શ્રીલંકા જેવાં સ્થળો પસંદ કરી રહ્યાં છે. વિદેશી પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે ટેક્સી ડ્રાઇવરો દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને તેમની પાસેથી વધુ ચાર્જ લેવામાં આવે છે.ગોવાની મોંઘી હોટેલ્સ, ફુડ અને ટ્રાન્સપોર્ટે ઘણાં પ્રવાસીઓને પરેશાન કર્યાં છે. અહીં ઘણાં લોકો સસ્તા વેકેશનની શોધમાં હોય છે, જ્યાં તેઓને ઓછી કિંમતે ઉત્તમ દરિયાકિનારા અને આકર્ષણો મળી શકે. ગોવામાં લોકોએ વિદેશીઓ પાસેથી વધુ ચાર્જ લેવાનું બંધ કરવું જોઈએ અને સસ્તી કિંમત અને સારા અનુભવો આપવાનું શરૂ કરવું જોઈએ, જેથી પ્રવાસન ઉદ્યોગ વધી શકે. અહીં હોસ્પિટાલિટી સેક્ટરને જાગવાની જરૂર છે. તમે સાધારણ અનુભવ સાથે ઊંચી કિંમત વસૂલી શકતા નથી અને પ્રવાસીઓ આવતાં રહે તેવી અપેક્ષા રાખી શકતાં નથી.

ગોવામાં વિદેશી ટુરિસ્ટોની સંખ્યામાં ઘટાડો થયો છે તે હકીકત છે. એટલે કે ચાઇના ઇકોનોમિક ઇન્ફોર્મેશન સેન્ટરે (CEIC) અનુસાર ૨૦૨૩માં માત્ર ૧૫ લાખ વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી, જ્યારે ૨૦૧૯માં આ સંખ્યા ૮૫ લાખ હતી. ચાઇના ઇકોનોમિક ઇન્ફોર્મેશન સેન્ટરે કહ્યું છે કે કોવિડ પછી ગોવામાં સ્થાનિક પ્રવાસન સતત વધ્યું છે. ગોવામાં પ્રવાસન ઘટવાનું એક મોટું કારણ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે. આ યુદ્ધને કારણે રશિયા અને ઈઝરાયલની ચાર્ટર ફ્લાઈટો ઓછી થઈ ગઈ છે. આ બંને દેશો ગોવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટા ભાગનાં વિદેશી પ્રવાસીઓ આ દેશોમાંથી આવે છે. પ્રવાસીઓ હવે થાઈલેન્ડ, શ્રીલંકા, વિયેતનામ અને બાલી જેવા દેશો તરફ વધુ વળ્યાં છે. આ દેશોનો ખર્ચ ઓછો છે, વિઝા મેળવવું સરળ છે અને પ્રવાસી સુવિધાઓ પણ સારી છે.

ચીનના ઈકોનોમિક ઈન્ફોર્મેશન સેન્ટર દ્વારા કરવામાં આવેલા શંકાસ્પદ સર્વેની ચર્ચા વચ્ચે ગોવામાં પ્રવાસીઓના ડેટાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં, પડોશી દેશે કથિત રીતે ભારતના પર્યટનને લઈને ષડયંત્ર રચવાનો પ્રયાસ કર્યો છે. આવી સ્થિતિમાં ગોવામાં પર્યટનની સ્થિતિ સરકારી ડેટા દ્વારા સ્પષ્ટ થાય છે. સરકારી આંકડાઓ મુજબ તો ગોવામાં પ્રવાસીઓની ભીડ દર વર્ષે વધી રહી છે. ગોવામાં પ્રવાસીઓ હવે અંજુના અને કેલાંગુટ જેવાં લોકપ્રિય સ્થળો પૂરતાં મર્યાદિત નથી રહ્યાં, તેઓ ઉત્તરમાં કેરીથી લઈને દક્ષિણમાં કેનાકોના સુધી ગોવાના છૂપાયેલા ખજાનાની શોધ કરી રહ્યાં છે. હોટેલો લગભગ ભરાઈ ગઈ છે. ગોવામાં ટુરિસ્ટો ઘટ્યાં હોય તો પણ તેના પરથી બોધપાઠ લઈને ગોવાનો ટુરિઝમ ઉદ્યોગ પોતાની ખામી દૂર કરી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top