Comments

હકીકત છે કે અમેરિકામાં હિન્દુ સમાજનું વર્ચસ્વ વધ્યું છે

2016માં અમેરિકાની 73% પ્રજા ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ હતી. 2022માં અમેરિકાની 63 ટકા પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે. રાષ્ટ્રીય બંધારણ બિનસાંપ્રદાયિક છે તથા પ્રજા એકંદરે સહિષ્ણુ છે એટલે હિંદુ, મુસ્લિમ, શીખ, યહૂદી વગેરે ધર્મ અહીં સચવાયા છે. અમેરિકાના સઘળા ધર્મોમાં સનાતન ધર્મનું સ્થાન ચોથા નંબરે આવે છે. ટકાવારી પ્રમાણે 2015ની સાલમાં માત્ર એક ટકો પ્રજા હિંદુ હતી. પરંતુ 2019માં આ ટકાવારી વધીને 1.7% સુધી પહોંચી. 1960 પહેલાં અહીં માત્ર પચાસ હજાર હિંદુઓ હતાં. 2022ની સાલમાં વસ્તીગણતરી પ્રમાણે 30 લાખ હિંદુઓ છે.

મોટા ભાગનાં લોકો કાયદેસર ઇમિગ્રન્ટ છે. પરંતુ આશરે બે લાખ જેટલાં હિંદુઓ વિઝા વિના જ અમેરિકામાં રહી પડ્યાં છે. પ્રેસિડેન્ટ જ્હોન કેનેડી (JFK) દ્વારા જે ખરડો તૈયાર થઈ રહ્યો હતો, તે પ્રેસિડન્ટ લિન્ડન જ્હૉનસનના શાસનકાળ દરમિયાન નવો 1965નો ઇમિગ્રેશન કાયદો બન્યો. આ કાયદા મુજબ 1965 પછી એશિયાના દેશોમાંથી શિક્ષિત નાગરિકોને અમેરિકામાં દાખલ થવાની પરવાનગી મળી. સમય જતાં તેમને કાયમી સ્થિર થવાનો વિઝા (Green Card) મળ્યો અને હવે ઘણાં હિંદુઓ અમેરિકાનાં નાગરિક બન્યાં છે.

1965 પછી ભારતથી આવતા ઇમિગ્રન્ટ (NRI) વ્યક્તિઓની સંખ્યા વધવા લાગી. મોટા ભાગનાં હિંદુઓ ઘરમાં નાનું પૂજાઘર રાખતાં. આજે પણ રાખે છે, જેમની પાસે મોટાં ઘર છે, તેઓ પૂજા, પ્રાર્થના માટે અલગ ખંડ રાખે છે. અમેરિકામાં જન્મેલા ભારતીય વંશજને સનાતન ધર્મનું શિક્ષણ આપવા અને સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કરવા વસાહતી આગંતુક, શરૂઆતમાં એકબીજાને ઘેર મળતા, પરંતુ સમય જતાં મંદિરો બાંધવાની આવશ્યકતા સ્પષ્ટ બની. અહીં જન્મેલાં ભારતીય બાળકો જ્યારે શાળામાં જતાં, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ કે શિક્ષકો તેમને પૂછતાં કે તમે કયા ચર્ચમાં જાઓ છો?”

અમારાં બાળકો માટે આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ હતો. ઘરમાં જ મંદિર છે, એ વાત સમજાવવી મુશ્કેલ હતી. અમારા ગામમાં ‘યહોવા’ સંપ્રદાયના સભ્યો બારણે ટકોરા મારતા અને અમે કોઈ ચર્ચમાં નથી જતા, એમ જાણીને એમને આશા બંધાતી કે અમે એમના ચર્ચમાં અને ખ્રિસ્તી ધર્મમાં જોડાઈશું. અમે જવાબમાં ભગવત્ ગીતાની અંગ્રેજી નકલ એમની સામે ધરતાં. અમેરિકાસ્થિત પહેલી પેઢીનાં હિંદુઓનું ધર્માંતરણ કરવાનું કામ મુશ્કેલ છે. કારણ કે આ વર્ગ શિક્ષિત છે અને એમનાં બાળકોને સ્કૂલ-શાળાના પ્રવેશની કોઈ મુશ્કેલી નથી.

હિંદુ સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓ માત્ર મંદિરલક્ષી નથી. ઇમિગ્રન્ટ પ્રજાને એમની માતૃભાષા અને પ્રાચીન ધર્મપરંપરા વિશે જાણવાની ઇચ્છા છે જ. ઉનાળામાં કથાકારો, સંગીતકારો વગેરે અનેક મહેમાનો અહીં આવે છે અને અહીંની પ્રજા એમની પાસેથી કંઈક શીખે છે. કમનસીબી એ છે કે ભારતથી આવતાં ‘ગુરુજનો’ અને અહીંનાં મંદિરોના પૂજારીઓ અંગ્રેજી ભાષામાં – નવી પેઢીને આકર્ષી શકે તેવી શૈલીમાં-શીખવી શક્યા નથી. કેટલાક વક્તા અને બોલિવુડના કલાકારો ‘જૂનો દ્રાક્ષાસવ નવી બૉટલમાં’ ભરીને આપે, ત્યારે શ્રોતાઓ અભિભૂત નથી થતાં. એક વાર હું સંગીતના કાર્યક્રમમાં ગયો હતો. જ્યાં મુખ્ય કલાકાર એક કલાક મોડા આવ્યા ! મોટા ભાગનાં શ્રોતાઓ અડધો કલાક રાહ જોઈને ઘરે પાછાં જતાં રહ્યાં. કાર્યક્રમ શરૂ થયો ત્યારે અડધો સભાખંડ ખાલી હતો !

અહીંની બીજી પ્રવૃત્તિ છે શનિ-રવિની પાર્ટીઓ. અહીં અમે ભેગાં મળીને રાજકારણની ચર્ચા કરીએ છીએ. પહેલાં કોઈ ભારત વિશે નકારાત્મક બોલે, તો અમે અકળાઈ ઊઠતા. હવે કોઈ અમેરિકા વિશે નકારાત્મક બોલે, તો અમે કર્મભૂમિના પક્ષમાં બોલી ઊઠીએ છીએ. શનિ-રવિની પાર્ટીમાં સંગીત, સાહિત્યચર્ચા, ક્યારેક પત્તાં, કેરમ જેવી રમતો અમને રાજી રાખે છે. વતનનો ઝુરાપો ડંખે છે. પણ આવાં સંમેલનો અમને સુખનો અનુભવ કરાવે છે. બર્થ ડે પાર્ટી, લગ્નનો દિવસ, ગ્રેજ્યુએશન… કોઈ પણ કારણ શોધીને અમે મળીએ છીએ. પ્રત્યેક પાર્ટીને અંતે સારું ભારતીય જમણ તો હોય છે જ ! કમનસીબી એવી છે કે અહીં જન્મેલા કિશોરો માટે પિઝા કે સેન્ડવિચનો વિકલ્પ પણ રાખવો પડે છે.

ભારતમાં ઉજવાતા કેટલાક ઉત્સવો અહીં પણ ઉજવાય છે. હોળી માર્ચ મહિનામાં આવે, પરંતુ અમેરિકાનાં મોટા ભાગનાં રાજ્યોમાં માર્ચ મહિનો હજી શિયાળો ગણાય. ઠંડીમાં ગરમ જૅકેટ પહેરીને રંગીન પાણી ઉછાળવાનું વિચિત્ર લાગે છે ! દિવાળી જરૂર ધામધૂમથી ઉજવાય છે. દિવાળી અને Thanksgiving એક સાથે આવે તો રજા લેવાનું સરળ પડે. નવરાત્રી સમયે ગરબા, દાંડિયારાસ વગેરે ગુજરાતી પ્રજામાં ખૂબ જ લોકપ્રિય છે.

મંદિરો, સંસ્કૃતિ કેન્દ્ર થયા પછી અહીંનાં બાળકો મહાભારત કે રામાયણના આધારે નાટિકા ભજવે છે. અહીં રાવણ અને હનુમાનજીનો સંવાદ અંગ્રેજી ભાષામાં થાય છે. ક્યારેક આ સંવાદમાં ગુજરાતી કે હિંદી શબ્દો ઉમેરવાનું સાહસ કરીએ છીએ. પરંતુ નવી પેઢીનું અંગ્રેજી એવું સારું છે કે અંગ્રેજીમાં નાટક તૈયાર કરવું અઘરું પડે છે. અપવાદ અવશ્ય છે. અહીં નાતજાતનાં બંધનો છૂટતાં ગયાં છે. વ્યવસાય કે ધંધામાં રંગભેદની નીતિ છે, પણ હિંદુઓ જ્યારે એકબીજાને મળે, ત્યારે નાતજાત વિશે પ્રશ્નો નથી પુછાતા. મનુસ્મૃતિ અહીંનો લોકપ્રિય ગ્રંથ નથી. અહીંનાં મંદિરોમાં ભજન-કીર્તન અવશ્ય થાય છે. પરંતુ ક્યારેક ભક્તિને નામે ઘેલછાનો પ્રભાવ અહીં જોવા મળે છે. લગ્નવિધિ ભારતમાં હોય છે, તેવી જ લાંબી અને મોંઘી છે પણ પૂજારી અંગ્રેજી ભાષામાં મંગળફેરાનો અર્થ સમજાવે છે.

લગ્નના ખર્ચા વધતા જાય છે પણ ખર્ચો બચાવવા કોઈ સાદગીથી પરણી જાય, તો એમની ટીકા કરવા કરતાં એમની સામાજિક હિંમતની પ્રશંસા વધારે થાય છે. Destination Marriage – કોઈ દૂરના સ્થળે જઈને પરણી જવાની પ્રથા – પણ લોકપ્રિય થતી જાય છે. ગણેશચતુર્થી ભલે મહારાષ્ટ્રનાં વતનીઓ ધામધૂમથી ઉજવે. અન્ય રાજ્યના ઇમિગ્રન્ટ પણ આના ધાર્મિક તહેવારોમાં સામેલ થાય છે. દિવાળી, હોળી, ગુલુ તહેવાર, પોંગલ, ઉગાદી જેવા તહેવારોની ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ઇમિગ્રન્ટ સાથે મળીને ઉજવણી કરે છે તે આનંદની વાત છે.

અહીં ખ્રિસ્તી, પાદરી વગેરે હિંદુઓનું ધર્માંતરણ કરવા વિવિધ પ્રયત્નો કરે છે, પરંતુ એમને બહુ સફળતા નથી મળતી. નવી પેઢીના યુવકો સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તેવું બને છે. જેનું મુખ્ય કારણ ખ્રિસ્તી ધર્મની સ૨ળતા અને એકેશ્વરવાદ. એમની સમાજસેવા કરવાની નીતિ પણ બિરદાવવા જેવી છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં વ્યક્તિપૂજા નથી, જ્યારે હિંદુ સંપ્રદાયોમાં વ્યક્તિપૂજાનો વ્યાપ્ત અહીં પણ જોવા મળે છે. ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મની સરળતાથી જેમ અહીંનો હિંદુ સમાજ અંજાઈ જાય છે, તેમ આ ધર્મોમાં રહેલી અધ્યાત્મની મર્યાદા અને સહિષ્ણુતાનો અભાવ પણ અહીંનાં હિંદુઓ સમજવા લાગ્યાં છે.

અમેરિકામાં ઇસ્લામનો વ્યાપ્ત પણ નોંધપાત્ર છે. અમેરિકામાં આશરે 2700 મસ્જિદો છે. જે હિંદુ મંદિરો કરતાં સંખ્યામાં વધારે અને નોંધપાત્ર છે. મુસ્લિમ વર કે વધૂ જ્યારે હિંદુ વ્યક્તિને પરણે, ત્યારે એને ઇસ્લામ સ્વીકારવાની ફરજ પાડવામાં આવે છે. હિંદુ મા-બાપને આ વાત પસંદ નથી. એટલે પહેલી પેઢીનાં માતા-પિતા એમનાં અમેરિકામાં જન્મેલાં બાળકોને સમજાવે છે કે, જો તું મુસલમાનને પરણીશ, તો તારે હિંદુ ધર્મ છોડવો પડશે.’ આ બીક છે, ધમકી છે કે સહિષ્ણુતાનો અભાવ… એની ચર્ચામાં હું નથી ઊતરવા માંગતો.   (અપૂર્ણ)
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top