Charchapatra

ત્રીજી લહેર સામે પ્રજાના આંખ આડા કાન

કોરોનાની પ્રથમ લહેર આવી. પ્રજા મહામારીને જોઈને ગભરાઈ અને કડક શિસ્તનું પાલન કર્યું. ત્યાર બાદ બીજી લહેર આવી. જે ભયંકર હતી. લોકોએ ખૂબ સહન કર્યું. સ્વજનો ગુમાવ્યાં, નોકરીઓ ગુમાવી. સાથે-સાથે અપૂરતી સગવડોનો પણ ભોગ બની. ત્યાર બાદ હવે ત્રીજી લહેર આવશે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. જો કે હાલમાં તો કોરોનાની વિદાયના પગલે છૂટછાટ સરકારે નિયમોના પાલન સાથે આપેલી છે. સરકારે તો તેની ફરજ બજાવી લીધી. ત્રીજી લહેર માટે ઘણો બધો ખર્ચ કરીને હોસ્પિટલોની, બેડની, ઈન્જેકશનોની, ઓક્સિજનની અને દવાઓની વ્યવસ્થા કરી લીધી છે. જેથી બીજી વખત લોકોને મુશ્કેલી ન પડે અને ભૂલ દોહરાય નહીં. પણ પ્રજાએ શું અગમચેતી કરી છે? પ્રજા તો છૂટછાટનો દુરુપયોગ કરી રહી છે. સરકારે ઘડેલા સલામતીના કાયદાનું પાલન કરતી નથી. સોશિયલ અંતર અને ભીડભાડ ન કરવી, તેનું પાલન થતું જ નથી. અરે, આપણે બીજી લહેરનાં ભયંકર પરિણામો આટલી ઝડપથી ભૂલી ગયાં? તમારા સ્વજનોનાં મૃત્યુ અને લાશોના ઢગલા આટલા ઝડપથી વિસરી ગયા? અનાથ બનેલાં બાળકોના આંસુ વિસરાઈ ગયા! હા, પ્રજાનો વાંક નથી. ગુજરાતીમાં કહેવત છે કે, “પ્રાણીઓના ચાવવામાં તો કૂચા પણ રહે, પરંતુ માનવીના ચાવવામાં કશું જ ના રહે.” પ્રાણીઓમાં મનુષ્ય જ આટલો સ્વાર્થી હોય છે. આપણે શિક્ષિત છીએ અને કહેવડાવીએ છીએ કે ભણેલા છીએ તો સરકારે ઘડેલા કાયદાનું પાલન કરાવવા સરકારે તમને શિક્ષા કરવી પડે તે કેવું? મિત્રો, ત્રીજી લહેર બન્ને કરતાં વધુ ભયંકર હશે. માટે આપણે આપણા પરિવાર માટે વેકસિન લઇશું, બીજાને લેવડાવીશું, માસ્ક, સોશ્યલ અંતર જાળવી ભીડભાડ અને મીટીંગો ન કરીશું, ન કરવા દઈશું. તો સરકારે તો આપણા માટે કર્યું જ છે, પણ આપણે સમાજ માટે કંઇક કર્યું તેવો સંતોષ થશે.          -નીરુબેન બી. શાહ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top