Business

ગાંધીનગરમાં મંત્રી મંડળના વિસ્તરણનો ધમધમાટ, 17મીએ શપથ સમારોહ

રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ગણગણાટ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો. હવે મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આવતીકાલે તા. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. જોકે, હજુ સુધી કોણ મંત્રી બનશે અને કોણ મંત્રીપદ ગુમાવશે તે રહસ્ય અકબંધ છે.

આજે ગુરુવારે સાંજ સુધીમાં વર્તમાન મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ કોને મંત્રીપદની લોટરી લાગશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. અનેક અટકળો ચાલી રહી છે.

આ અગાઉ દર બુધવારે મળતી કેબિનેટની બેઠક ગઈકાલે બુધવારે તા. 15 ઓક્ટોબરે મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની મિટિંગ મળે એવું નક્કી થયું હતું. બાદમાં તે મિટિંગ પણ મોકૂફ રખાઈ હતી. હવે મંત્રી મંડળના વિસ્તરણ બાદ જ કેબિનેટની મિટિંગ મળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ધારાસભ્યો-મંત્રીઓને ગાંધીનગર હાજર રહેવા સૂચના
દરમિયાન આગામી બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામને આજે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી જવા આદેશ કરાયા છે. જેમને મંત્રી પદ મળવાનું છે તેમને ફોન થવા લાગ્યા છે. આવતીકાલે શુક્રવારે નવા મંત્રી મંડળની જાહેરાત થશે.

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે
દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે. બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત ગાંધીનગર આવશે. ત્યાર બાદ મંત્રીઓ બેઠક થશે. તમામ મંત્રીઓના રાજીનામા લઈ રાજ્યપાલને સોંપી દેવાશે. મોડી રાત્રે સંભવિત મંત્રીઓને ફોન પર જાણ કરાશે. મોડી રાતે અમિત શાહ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે. શુક્રવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આવી પહોંચશે.

સંઘવી-પાનશેરિયાને સરકારમાં પ્રમોશન મળે તેવી ચર્ચા
દરમિયાન સુરતના મજૂરાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મંત્રી મંડળના વિસ્તારમાં પ્રમોશન મળે તેવી ચર્ચા છે. બંનેને કેબિનેટ મંત્રી બનાવાય તેવી અટકળો ચાલી રહી છે. બંનેની કામગીરીને જોતા તેમને કયા વિભાગો આપે છે તે અંગે અનેક અટકળો લાગી રહી છે.

મંત્રી મંડળનું કદ વધશે, 16ના બદલે 21 થશે તેવી ચર્ચા
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર મંત્રીમંડળનું કદ વધી શકે છે. 14થી વધુ નવા ચહેરા ઉમેરાશે, જેમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે છે સ્થાન. બે એસટી, બે એસસી ચહેરાનો સમાવેશ થઈ શકે છે. 4 ઠાકોર-કોળી અને 1 બ્રાહ્મણને સમાવાશે. 2 ક્ષત્રિયોને પણ મળશે સ્થાન. અમદાવાદ અને ઉ.ગુજરાતમાંથી સીએમ અને 1 કેબિનેટ 2 રાજ્યમંત્રી બની શકે છે. દક્ષિણ ગુજરાતમાં 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે. સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી કરાવાઈ છે.

Most Popular

To Top