Comments

ચૂંટણીના એકિઝટ પોલ સાચા હોય તો પણ ખોટા જ હોય છે

ચૂંટણીના એકિઝટ પોલ એટલે મતદાનના દિવસે મતદાતા મત આપીને આવે ત્યારે સેમ્પલ સર્વે કરનારી એજસી તેની પાસે ફરી મતદાન કરાવે અથવા તો તેના મતને જાણે. એજન્સી બધા મતદાતાના મત જાણી શકે નહીં એટલે તે એક સેમ્પલ મતદાતાના મત વળી આ સેમ્પલ સર્વે સત્યની વધારે નજીક જાય તે માટે તે કુલ મતદાતાની લાક્ષણિક્તાઓ મુજબ સેમ્પલો મેળવે જેમકે સ્ત્રી મતદાતા, પુરુષ મતદાતા, નોકરિયાત,ખેડૂત મજૂર વેપારી …એવા વર્ગ પણ પાડે અને ભારત જેવા દેશ જાતિ જ્ઞાતિની લાક્ષણિકતા મુજબ પણ સેમ્પલનું વર્ગીકરણ કરે.

ટૂંકમાં વસતીના તમામ લક્ષનું પ્રતિનિધિત્વ જળવાય તેવું સેમ્પલ લેવામાં આવે. આ સેમ્પલ ,નમૂના રૂપ મતદાતાઓના મત ઉપરથી આખી વિધાનસભા કે જે તે બેઠકમાં અનુમાન લગાવવામાં આવે છે. વિદેશોમાં,ખાસ તો વિકસિત દેશોમાં આવા સેમ્પલ સર્વેથી મેળવેલાં તારણો લગભગ સાચાં પડે છે માટે ત્યાં ચૂંટણી પછી અપેક્ષિત પોલ જે અનુમાન બાંધે છે તે મુજબ જ પરિણામ આવે છે. ભારતમાં એકિઝટ પોલ લગભગ ખોટા પડે છે અને સાચા પડે તો પણ તેણે કાગનું બેસવું અને ડાળનું ભાગવું માનવામાં આવે છે.

જૂન મહિનામાં આવેલાં લોકસભાનાં પરિણામો અને હવે હરિયાણા વિધાનસભાનાં પરિણામો એકિઝટ પોલ ખોટા પડ્યા છે. ચેનલો અને પાનના ગલ્લે ભાજપ કોંગ્રેસ કરતાં આ એકિઝટ પોલ સાવ ખોટા પડ્યા તેની ચર્ચા ચાલે છે  પણ આંકડાશાસ્ત્રીય પધ્ધતિના જાણકારો જાણે જ છે કે ભારતમાં ચેનલો દ્વારા જે રીતે એકિઝટ પોલ થાય છે અને પછી લોકપ્રિય સ્વરૂપમાં બેઠકોના આંકડા સાથે રજૂ થાય છે કે તે પરિણામો સાચાં પડે તો પણ તે ખોટાં જ હોય છે.

એકિઝટ પોલ ખોટા કેમ પડે છે? ભારતમાં ખાનગી ચેનલો આવ્યા પછી શરૂઆતમાં ઓપીનીયન પોલ અને મતદાતાના દિવસે એકિઝટ પોલ રજૂ કરવાના કાર્યક્રમો શરૂ થયા. આંકડાશાસ્ત્રના, સમાજશાસ્ત્રના અને રાજયશાસ્ત્રના નિષ્ણાતો ચર્ચાઓ કરે અને કયો પક્ષ કેટલી સીટો જીતશે તેવા મનોરંજક સ્વરૂપમાં ચેનલો આ રજૂ કરવા માંડી. રાજકીય પક્ષોની ફરિયાદ પછી ચૂંટણી પંચે “મતદાતાઓ પર અસર ન પડે”તેવા ઉદે્શથી આવા પોલ અને ચર્ચાઓ પર મતદાન પતે ત્યાં સુધી પ્રતિબંધ મૂક્યો  એટલે હવે મતદાનનો છેલ્લો તબક્કો પત્યા બાદ ચેનલો મૂળ ચૂંટણી પરિણામો આવે તે અગાઉ પરિણામો અંગે અનુમાનો રજૂ કરે છે. તેમનું કહેવું છે કે અમે મતદાતાના યોગ્ય સેમ્પલ દ્વારા આ અનુમાનો તૈયાર કર્યાં છે. આપણા એકિઝટ પોલની ખાસિયત કે ખામી ગણો તે એ છે કે તેઓ વિધાન સભાનાં પરિણામોની આગાહી બેઠકની સંખ્યા મુજબ કરે છે.

વાસ્તવમાં તેઓ સમગ્ર રાજ્યમાંથી જનરલ સેમ્પલ મેળવે છે અને વોટોના સ્વીંગ મુજબ બેઠક સંખ્યા જાહેર કરે છે જે સાવ જ અતાર્કિક છે. દા.ત. તેઓ ગુજરાતની ચૂંટણીના   એકિઝટ પોલ આખા ગુજરાતમાં જૂદી જૂદી જગ્યાના સેમ્પલ મેળવીને જાહેર કરે છે. દરેક બેઠક મુજબ સેમ્પલ લેવામાં આવતા નથી. એટલે સરેરાશ વોટનું બેઠક સંખ્યામાં રૂપાંતર તદ્દન અવૈજ્ઞાનિક બાબત છે. વાસ્તવમાં તેઓ માત્ર એટલું જ કહી શકે કે આ વખતે મતદારોનો મૂડ આ દિશામાં છે. આ વખતે ભાજપને લાભ છે કે નુકસાન છે તેવું જનરલ પ્રીડીકશન થઇ શકે પણ ભાજપ ૧૫૦ બેઠકો જ લાવશે તે કહેવું તે ટાઢા પહોરનાં ગપ્પાં કહેવાય.

ભારતમાં આમ પણ ઔપચારિક પ્રશ્નાવલીમાં લોકો વાસ્તવિક જવાબ નથી આપતા . આપણને આવા સર્વે માટે તટસ્થ અભિગમની હજુ ટેવ નથી પડી. વળી આંકડાશાસ્ત્રીય સર્વેની યોગ્યતા તેના સેમ્પલના માપ પર પણ આધાર રાખે છે. દુનિયાના દેશોમાં વસતી ખૂબ ઓછી હોય અને વસતીમાં સામાજિક ભેદભાવ પણ ઓછા હોય માત્ર વર્ગ અને વ્યવસાયભેદ જળવાય એટલે યોગ્ય ,પ્રતિનિધિ રૂપ નિર્દેશ મળી રહે. ભારતમાં એક વિધાનસભામાં આઠથી બાર લાખ મતદાતા હોય તો પણ સાચો નિર્દેશ મળે નહિ. વસતીના તમામ વર્ગ,જાતિ અને વ્યવસાયના વૈવિધ્યને પ્રસ્તુત કરે અને કુલ વસતીના પ્રતિનિધિત્વને રજૂ કરે તેવો સેમ્પલ સર્વે ખૂબ અઘરો પડે.

એક છેલ્લી મજાની વાત એ કે દેશમાં કે રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે પાંચ સાત એજન્સી જો એકિઝટ પોલ કરતી હોય અને પ્રમાણસર સેમ્પલ લેતી હોય તો આપણને થોડા તો એવા લોકો મળે ને જે કહે કે હા મેં એકિઝટ પોલમાં મત આપ્યો. અત્યારે તો સૌ એકબીજાને પૂછે છે કે અલ્યા આ પોલ થયો તો ક્યારે હા ફોન દ્વારા, સર્વે કે ઓપીનીયન પૂછ્યો હોય તેવા ઘણાને અનુભવ છે અને આવા ટેલિફોનિક સર્વે દ્વારા આ મનોરંજક એકિઝટ પોલ આપવામાં આવ્યા હોય તે બની શકે છે માટે આવા કાર્યક્રમોને દક્ષિણની સુપરહિટ મનોરંજક ફિલ્મ માનીને જોઈ લેવા સાચા માનીને પેંડાં કે જલેબી લાવી દેવા નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top