Comments

સ્વૈચ્છિક સંસ્થાઓનું અસ્તિત્વ જોખમાયું છે!

જીવમાત્ર દયાને પાત્ર છે. આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરના વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે છે તેવી વાત કરી, તેમ કુર્આનની આયાતમાં દાન-ધર્મના મહિમા સાથે જન્નતના સ્થાનની નિશ્ચિતતા ઉપર મહોર લગાવી છે. ભગવદ્ ગીતામાં ઘોષણા કરતા સ્વયં ભગવાને કહ્યું છે, ઈશ્વરના અસ્તિત્વનો આધાર માનવસેવા છે અને આથી જ તો પરસ્પરના સહકારથી જીવનવ્યવહાર ગોઠવવા પ્રત્યે શ્રદ્ધાવાન ગુજરાતીઓ ગરીબ-વૃદ્ધો, અસહાય અને રોગીઓની સારવાર, ગૌસંરક્ષણ પ્રકારનાં કાર્યોથી પુણ્ય હેતુ સધાયાનો સંતોષ મેળવે છે.

પરંતુ જે સ્તંભના આધારે સ્વૈચ્છિક સંસ્થાઓની વિભાવના ઊભેલી તે પાયા હવે હચમચી ગયા છે. બદલાએલ સામાજિક પરિસ્થિતિ સંદર્ભે જોઈએ તો, ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાઓના દાનથી ભલાઈનાં કામો કરે છે, પરંતુ ગુગલ સદીમાં હવે સેવા કાર્યથી પુણ્ય અને પુણ્યથી સ્વર્ગની માન્યતા તૂટી પડી છે. નવી પેઢી પાસે પૈસાના ખર્ચ માટેનો એજંડા એટલો વ્યાપક છે કે કરકસરથી જીવીને, સાદગી અપનાવીને દુખિયારા માટે જકાત (દાન) બાજુ ઉપર કાઢવાનું તાર્કિક રહ્યું નથી. એકલા મુંબઈમાં વિકએન્ડમાં રૂ.૮-૨૦ હજારમાં વિમાનની ટીકિટ ખરીદી દુબઈ, સિંગાપોર કે થાઈલેન્ડ જનારની સંખ્યા ૮૦૦૦ સુધી પહોંચી છે. ઘેરબેઠાં એમેઝોન અને બિગ બાસ્કેટ જેવી માર્કેટ લિંક ઉપર ખરીદી દરેક મહિને રૂ.૧૬૦૦ કરોડ સુધી પહોંચે છે.

ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટથી ક્લ્યાણ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. દર્શન શાસ્ત્ર સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા પ્રકારની વિભાવનામાંથી ભારતના સંવિધાને કલ્યાણ રાજ્ય અને આર્થિક સમાનતાને માનવ અધિકાર સાથે જોડી આપ્યું. પરંતુ બંધારણ રૂએ જે પ્રતિનિધિઓ પક્ષિય માળખામાંથી ચૂંટાઈ આવે છે તેઓનો આગ્રહ રહે છે કે રાજ્ય પોતાના સિવાય કોઈને પણ કલ્યાણ હેતુ સાથે જોડાવવાનો લાભ આપે નહીં. જ્યોતિ બાસુના ૧૮ વર્ષ સુધી વેસ્ટ બંગાળમાં એક ચક્રીયશાસનનું રહસ્ય સામ્યવાદી પક્ષની કલ્યાણ પ્રવૃત્તિ ઉપરની મજબૂત પકડ હતી. ગુજરાતમાં બી.જે.પી. પણ માને છે કે ગરીબ માણસનું કલ્યાણ પોતાનો પક્ષ જ કરી શકશે અને આથી આજે વિધવા સહાય, અપંગ સહાય, આવાસ કે બહેનોને સાધન સહાયની ભલામણ ફોર્મમાં ચૂંટાએલ પાંખોના સભ્યશ્રીની સહી અનિવાર્ય બનાવી દેવામાં આવી છે.

ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગોનાં કાર્યક્ષેત્ર વિસ્તારમાં ગરીબી નિવારણનાં કામો કરે છે. પ્રાકૃતિક સંપદાનો વિશેષ વિનિયોગ કરનાર ઉદ્યોગોની સામાજિક જવાબદારી બને છે કે ખેતીની જે જમીન ઉપર ઉદ્યોગો બન્યા છે, જે ભૂતળનું પાણી ઊંડાણ સુધી ખેંચી લીધું છે, તેમ હવાને પ્રદૂષિત કરી છે, તો ક્ષેત્રના પેઢી દર પેઢીના રખેવાળોને પોતાના ઉદ્યોગમાં નોકરી આપે. આસપાસનાં ગામોનાં બાળકોને શૈક્ષણિક સંકુલ સ્થાપી ભણાવે. દવાખાના અને રસ્તાની સુવિધા આપે. તેમ સરકારી યોજનાઓનું સંકલન કરી નાગરિકોને સારા આવાસ આપે. ઉદ્યોગો પોતાની કર જવાબદારીમાંથી ૩ % સુધીની રકમ સી.એસ.આર. તરીકે વાપરે. પણ આ કામ હવે ઉદ્યોગો દ્વારા જ અલગ સેવા વ્યવસ્થા ગોઠવીને થાય છે. જેથી ઉદ્યોગે ખર્ચેલી પાઈ-પાઈની પૂરેપૂરી ક્રેડિટ ઉદ્યોગોના માલિકના શિરે ચડે છે.

ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય પ્રશ્નો માટે સંઘર્ષ કરતી રહી છે. આઝાદીની લડત સમયે ગાંધી વિચારમાંથી ગુજરાતનાં સ્વૈચ્છિક સંગઠનોને સંઘર્ષ અને રચના તેવો દિશાનિર્દેશ મળ્યો. રાજ્યમાં જનપથ, વાણી, સૌરાષ્ટ્ર મૈત્રી મંચ જેવા નેટવર્કિંગ સાથેના સ્વૈચ્છિક સમૂહોએ સરકારની નીતિ અને તેનાં પરિણામોને તાર્કિક રીતે સાંકળીને સમાજશાસ્ત્રી અભિગમથી તેનું મૂલ્યાંકન કર્યું. દિશા, ઉત્થાન જેવી સંસ્થાઓએ આદિવાસી, અગરિયા, વંચિતોના પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરોથી લઈ વિભાગોના અધ્યક્ષો સુધી ગોઠવાએલ પક્ષિય માળખાના લીધે હવે સરકારમાં માત્ર અનુકૂળ અભ્યાસો જ સ્વીકારવામાં આવે છે અને પ્રચાર માધ્યમોમાં માલિકી હક્ના જોરે જે કહેવાપાત્ર હોય તેટલું જ પ્રચલિત કરાતાં સત્ય-અસત્ય વચ્ચે અનુકૂળ – સત્યની નવી વિભાવના ટોળાને દોરી રહી છે. આમાંનું એક ઉદાહરણ, જીવાદોરી ગણાતી નર્મદા યોજનાના પાણીના વિતરણની શિથિલતા વચ્ચે સુજલામ્-સુફલામ્ યોજનામા વ્યાપ્ત ભ્રષ્ટાચાર ગણી શકાય. આઝાદી પછીનાં ૭૫ વર્ષમાં પુણ્ય માટે સદકાર્ય, દાનવીરોની આથી ભલાઈનાં કાર્યો, રાજયના કલ્યાણ હેતુને પ્રચલિત કરવા વિકાસ કાર્યો, પર્યાવરણને નુકસાન કરતા ઉદ્યોગોનાં પ્રજા હિત ને પ્રબળ કરવા માટેના માળખાગત સુવિધાના કામો, લોકશાહીના દદ્ધિકરણ માટેના સંઘર્ષ કાર્યોમાં હવે સ્વૈચ્છિક સંસ્થાઓનું અસ્તિત્વ અપ્રસ્તુત બનતું જોવા મળે છે.

આઝાદી પછી ઉભરેલ નવા પડકારોને સમજવા સ્વૈચ્છિક સંગઠનોએ નવેસરથી રણનીતિ ઘડવી પડશે. વિજ્ઞાન અને તકનિકી વિકાસ આધારે સામાજિક સમાનતાના માપદંડો ઘડવા પડશે. તેમ આર્થિક માપદંડથી મપાતાં તમામ ધોરણોની નશ્વરતા પ્રતિપાદિત કરી ઘસાતા મૂલ્યને ફરી ગઠીત કરવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ કરવું પડશે. જે આધાર સ્તંભો ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓની ઇમારત ચણાએલ તે પાયા જ હચમચી ગયા છે ત્યારે નવા આયામ અને ધ્યેયોને સિદ્ધ કરવા નવી પદ્ધતિથી કાર્ય ગોઠવણ કરવી પડશે. સ્વૈચ્છિક સંસ્થાઓ હવે માત્ર સંવેદનાઓ કે સૂત્રોચ્ચારને અળગા રાખી જમીન ઉપર પગ ટેકવશે નહીં તો સમય સરી જશે અને હાથમાં રહી જશે માત્ર ભવ્ય ભૂતકાળ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top